બેબી ડૉલ અને ચિટ્ટિયાં કલાઇયાં જેવાં સુપર હિટ ગીતો આપનારી 41 વર્ષની બૉલિવુડ સિંગર કનિકા કપૂર બૉલિવુડની પહેલી હસ્તી છે જેને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો હોય. જોકે એને સાંત્વના આપનારા ઓછા અને આડે હાથ લેનારા વધુ છે. કારણ, થોડા દિવસો અગાઉ લંડનથી આવ્યા બાદ એક જ અઠવાડિયામાં ત્રણ પાર્ટી એટેન્ડ કરી હતી. અહેવાલો મુજબ આ સમયગાળા દરમ્યાન એ લગભગ 300-400 લોકોના સંપર્કમાં આવી હતી. કનિકા વિદેશથી આવ્યા બાદ ક્વૉરન્ટાઇનમાં રહેવાને બદલે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લઈ રહી હોવાથી થયેલા ઉહાપોહને પગલે એને આઇસોલેશનમાં લઈ જવાઈ જ્યાં એનો રિપોર્ટચ એક-બે નહીં પૂરા પાંચ વાર પોઝિટિવ આવ્યા. જોકે કનિકા ફરિયાદના સ્વરે કહે છે કે હોસ્પિટલમાં મને મારા લાયક સુવિધા મળતી નથી. આથી લોકોએ એને ટ્રોલ કરતા લખ્યું કે અહી તું સ્ટાર નથી એક પેશન્ટ છે.

દરમ્યાન, સિંગરની અંગત લાઇફ પણ ચર્ચામાં આવી છે. જેમને જાણ નથી એમને જણાવી દઇએ કે કનિકા કપૂર માત્ર 18 વરસની હતી ત્યારે એનાં લગ્ન થઈ ગયાં હતાં. એણે 1997માં એનઆરઆઈ બિઝનેસમેન રાજ ચંડોક સાથે લગ્ન કર્યાં હતાં.  લગ્નથી કનિકાને ત્રણ બાળકો છે.

તમામ પ્રકારના સુખસાહ્યબી વચ્ચે પણ ગાયિકા ગૂંગળામણ અનુભવી રહી હતી. કનિકાએ ખુલાસો કરતા કહ્યું હતું કે, મારી પાસે બધું હતું. પ્રાઇવેટ પ્લેનથી લઈ હાઇફાઇ બ્રાન્ડ્સના કપડાં સુધી બધું જ હતું. પણ હું દુખી હતી. મારી પાસે બધું હોવા છતાં આત્મસન્માન નહોતું. આખરે કનિકાએ કડવા ઘૂંટ પીવાને બદલે 15 વર્ષના લગ્ન જીવન બાદ છૂટાછેડાનો માર્ગ અપનાવ્યો. આ અંગે જણાવતા કનિકાએ કહ્યું કે, ત્યારે જીવનમાં એક એવો તબક્કો આવ્યો કે જ્યાં તમને એવું લાગવા માંડે કે જિંદગી બરબાદી સિવાય બીજું કંઈ નથી. એ સમયે મને કોઈએ સલાહ આપી કે હું ફરી મારી સંગીતની કરિયર શરૂ કરૂં. આ મારાં જીવનનો ટર્નિંગ પોઇન્ટ હતો.

કનિકાએ સંગીતમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને એ વારાણસીના પંડિત ગણેશ પ્રસાદ મિશ્રાની શિષ્યા હતી. કનિકાએ એક ગીત ગાયું અને ઇન્ટરનેટ પર મુક્યું. વરસ બાદ એકતા કપૂરનો કોલ આવ્યો અને એણે કનિકાને મુંબઈ આવવા જણાવ્યું. ત્યાર બાદ ગાયિકાનું જીવન જ બદલાઈ ગયું. મુંબઈ આવ્યા બાદ એણે મીત બ્રધર્સ સાથે ગીત રેકોર્ડ કર્યું અને રાગિણી એમએમએસ-2નું ગીત બેબી ડૉલ દેશભરમાં ગૂંજવા લાગ્યું.