આજની તારીખમાં ઢોલિવુડના જાણીતા કૉમેડિયન કોણ જેવો સવાલ કોઈ પૂછે તો તુરંત જીતુ પંડ્યાનું નામ સાંભળવા મળે. જોકે જીતુ એવી હસ્તી છે જેનામાં પ્રતિભાઓનો ભંડાર ભર્યો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા બનવાના સપના સાથે આવેલા જીતુએ લેખક (જોજે સાયબા રંગ જાય ના) તરીકે કરિયરની શરૂઆત કરી. પરંતુ ધીમે ધીમે એની અભિનય કરિયરને વેગ મળતો ગયો અને આજે માત્ર ગુજરાતી જ નહીં, હિન્દી, ભોજપુરી, મારવાડી, રાજસ્થાની,મરાઠી મળી ૪૫૦થી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચુક્યા છે. વિક્રમ ઠાકોરના બે ડઝનથી વધુ આલ્બમને ડિરેક્ટ કર્યા છે. અને ૭ એપ્રિલે તેમની શોર્ટ ફિલ્મ ગુલાબી સેન્ડલ યુટ્યુબ ચૅનલ પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ પર રિલીઝ થઈ છે.

ફિલ્મી ઍક્શન સાથેની વાતચીત દરમ્યાન જીતુ પંડ્યાએ જણાવ્યું કે ગુલાબી સેન્ડલ સ્લમ એરિયામાં પાંગરતી લવ સ્ટોરી છે જેના કેન્દ્રમાં છે ગુલાબી સેન્ડલ. સ્લમ એરિયા એટલે કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો અને ખાસ કરીને બાળકોનું જીવન અલગ જ હોય છે. આ વિસ્તારમાં રહેતા છોકરા અને પડોશમાં રહેતી છોકરી વચ્ચેની મિત્રતા પ્રેમમાં પરિણમે છે. અને આ બંનેના પ્રેમનું માધ્યમ છે ગુલાબી સેન્ડલ. ૧૯ મિનિટની શોર્ટ ફિલ્મ અમે ૭ એપ્રિલે રિલીઝ કરી. મજાની વાત એ છે કે ગુલાબી સેન્ડલથી જીતુ પંડ્યાનો દીકરો જિમી પંડ્યા અભિનય ક્ષેત્રે પદાર્પણ કરી રહ્યો છે. શૈલેષ શાહ અને પલ્લવી શાહ દ્વારા નિર્મિત ગુલાબી સેન્ડલના કલાકારો છે ચંદન રાઠોડ, ગુરૂ પટેલ, ઉન્નતિ પરમાર, જતિન અમીન, મિલિ પટેલ, વિજય ઠાકર અને બાળ કલાકારો જિમી પંડ્યા અને આસ્થા શાહ.

જીતુ પંડ્યાએ વધુમાં જણાવ્યું કે તેઓ પાર્થ ફિલ્મ્સના સહયોગમાં ૩૦ શોર્ટ ફિલ્મ બનાવવાના છે. પહેલી ફિલ્મ પરબિડિયું (મિત્રેશ વર્મા – અલ્પના મઝુમદાર) રિલીઝ થઈ ચુકી છે. તો ગુલાબી સેન્ડલ 7 એપ્રિલે રિલીઝ થઈ.

જીતુની અભિનેતા તરીકેની આગામી ફિલ્મ છે હરસુખ પટેલની હાલો ભેરૂ ગામડે, જેમાં તેઓ વિક્રમ સાથે સ્ક્રીન શેર કરશે. તો તેમની હિન્દી ફિલ્મ આઇ એમ બન્ની ડૉટર ઑફ કચ્છ ટૂંક સમયમાં રિલીઝ થશે. જીતુ કહે છે કે ફિલ્મ ઉપરાંત યુટ્યુબ પર મારી ‘જૉક્સ અમારા સ્ટાઇલ અમારી’, ‘જીતુ-મંગુ’ જેવી સિરીઝ દેશ-વિદેશમાં ફૅમસ છે.

જોકે જીતુ પંડ્યાએ ફિલ્મી ઍક્શનને મહત્ત્વની વાત શેર કરતા જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં એક ગુજરાતી ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે. ફિલ્મનું લેખન કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ ફિલ્મનું શૂટિંગ વિક્રમ ઠાકોરના બે-ત્રણ ફિલ્મોના પ્રોજેક્ટ પૂરા થયા બાદ શરૂ કરાશે. ફિલ્મની વાર્તા અંગે વધુ નહીં જણાવું પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કદી ન આવી હોય એવી અફલાતુન લવસ્ટોરી હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here