લૉકડાઉનને કારણે થિયેટરો બંધ હોવાથી એક પણ નવી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. એટલું જ નહીં, ભારત સહિત દુનિયાના લગભગ તમામ દેશોમાં કોરોના ફેલાયો હોવાથી ફિલ્મ-ટીવી સિરિયલોના શૂટિંગ પણ થંભી ગયા છે. એટલે લોકોના મનોરંજનનો મુખ્ય આધાર ટીવી કે ઓટીટી પ્લેટફોર્મ બન્યા છે. એટલે દરેક ઓટીટી પ્લેટફોર્મ કંઇક અનોખી, નવતર અને મજેદાર વેબ સિરીઝ લઈને આવી રહ્યા છે. એમાં નેટફ્લિક્સે શાહરૂખ ખાનની આગામી વેબ સિરીઝ બેતાલનું ટ્રેલર રિલીઝ કર્યું છે.

શાહરૂખ ખાને ખુદ એમના ટ્વીટર પર બેતાલનું ટ્રેલર શેર કર્યું હતું. એ સાથે તેમણે લખ્યું હતું કે તમે રાક્ષસો સાથે યુદ્ધ કરવા ક્યાં સુધી જશો? અમારી બીજી વેબ સિરીઝ બેતાલ એક હૉરર અને થ્રિલર સ્ટોરી છે જે 24 મેના રિલીઝ થશે. બે દિવસ અગાઉ સિરીઝનો ફર્સ્ટ લૂક રિલીઝ કરાયો હતો.

લગભગ અઢી મિનિટનું ટ્રેલર જોઈ ભલભલી વ્યક્તિ ડરી જાય. સિરીઝની વાર્તા મુજબ બેતાલ માઉન્ટન વચ્ચેથી એક રોડ બનાવવાનો હોય છે. પરંતુ સ્થાનિક લોકોનું માનવું છે કે જો પર્વતમાં આવેલી ગુફા ખોલવામાં આવશે તો ગામમાં વિનાશ ફેલાશે. જોકે ગામની સુરક્ષા માટે આર્મીના જવાનો આવે છે. પણ ગુફામાં ગયા બાદ જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એની તો કોઈએ કલ્પના જ કરી નહોતી.

ટ્રેલર જોઇને ખ્યાલ આવી જાય છે કે આ એક હૉરર સિરીઝ છે. વેબ સિરીઝનું દિગ્દર્શન ધૂલ જેવી સિરીઝનું દિગ્દર્શન કરનાર પેટ્રિક ગ્રેહામે કર્યું છે. તો એમાં બૉક્સર વિનીત કુમાર અને લિપસ્ટિક અંડર માય બુર્ખા ફેમ આહાન કુમરા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ બંને પણ જૉમ્બી વચ્ચે ફસાય છે.

શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ બેનર હેઠળ બનેલી બેતાલ આ મહિનાની 24 તારીખે નેટફ્લિક્સ પર રિલીઝ કરાશે. હાલ નેટફ્લિક્સ પર એક પછી એક નવી સિરીઝ રિલીઝ થઈ રહી છે. તાજેતરમાં જેકલીન ફર્નાન્ડીઝ અને મનોજ બાજપેયીની મિસિસ સિરયલ કિલર રિલીઝ થઈ હતી. તો 15 મેના અનુષ્કા શર્મા દ્વારા નિર્મિત પાતાલ લોક રિલીઝ થવાની છે. જ્યારે 24 મેના બેતાલ નેટફ્લિકિસ પર સ્ટ્રીમ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here