સોમવારે અમદાવાદ ખાતે આયોજિત રંગારંગ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી : ધ વૉરિયર ક્વીનનું ટ્રેલર ફિલ્મના તમામ મુખ્ય કલાકારોની ઉપસ્થિતિમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. અ ટ્રી એન્ટરટેઇન્મેન્ટ દ્વારા નિર્મિત ફિલ્મ 6 મે, 2022ના રિલીઝ થઈ રહી છે.
બારમી સદીમાં લઈ જતી આ ફિલ્મમાં ખુશી શાહે નીડર યોદ્ધા નાયિકા દેવીની ભૂમિકા ભજવી છે તો બૉલિવુડના કલાકાર ચંકી પાંડે ક્રૂર શાસક મોહમ્મદ ઘોરીના પાત્રમાં જોવા મળશે. ટ્રેલરમાં ગુજરાતની રાણી નાયિકા દેવીના તમામ પાસા જોવા મળે છે.
ખુશી શાહ નાયિકા દેવીના પાત્રમાં જાન રેડી દીધો હોય એવું ટ્રેલર જોઇને લાગી રહ્યુ છે તો ચંકી પાંડે એક શેતાન શાસક તરીકે આગવી છાપ છોડી જાય છે. યુદ્ધના દૃશ્યો પણ રૂંવાટાં ખડાં કરી દે છે. તો ફિલ્મને ભવ્યાતિભવ્ય બનાવવામાં નિર્માતા ઉમેશ શર્માએ કોઈ કસર છોડી નથી.
આ પ્રસંગે ફિલ્મના નિર્માતા ઉમેશ શર્માએ જણાવ્યું કે, નાયિકા દેવી એક રાણી, મા, વિધવા અને બારમી સદીની ભારતની પહેલી મહિલા યોદ્ધા હતી. છતાં એની જાણકારી ઘણાને નથી. ઇતિહાસના પાનાંમાં ઢબુરાઈ ગયેલી મહારાણીનો સંઘર્ષ, દેશપ્રેમ અને વીરતાને આજની પેઢીને પહોંચાડવાનું બીડું અમે ઝડપ્યું. અને મને આશા છે કે દર્શકો પણ એને વધાવી લેશે.
ફિલ્મના દિગ્દર્શક નિતિન જી. એ જણાવ્યું કે, આ માત્ર એક ફિલ્મ નથી પણ નાયિકા દેવીની નીડરતાની વાત છે. ફિલ્મના દરેક કલાકારોએ ઇતિહાસને ફરી તાદૃશ્ય બનાવવામાં શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. અમને આનંદ એ વાતનો છે કે અહીં ઉપસ્થિત દરેકે ટ્રેલરને ભરપુર માણ્યું-વખાણ્યું અને આશા રાખું છું કે થિયેટરમાં પણ લોકો ફિલ્મ જોઈ આવી જ પ્રતિક્રિયા આપશે.
ફિલ્મમાં નાયિકા દેવીની મુખ્ય ભૂમિકા ભજવનાર ખુશી શાહે કહ્યું કે, નાયિકા દેવી તો ગુજરાતની શાન છે. મારાં માટે આ માત્ર કૉસ્ચ્યુમ ડ્રામા ફિલ્મ નહોતી પણ નાયિકા દેવીના પાત્રને ન્યાય આપવાનો પડકાર પણ હતો. આ પિરિયડ વૉર ડ્રામાને ન્યાય આપવા મેં ઘણી મહેનત કરી છે, ટિપિકલ ગુજરાતીમાં કહું તો દિવસ-રાત એક કર્યા હતા. ફિલ્મમાં મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને દર્શકો પણ મારાં કામને, અભિનયને પણ બિરદાવશે એવી અપેક્ષા રાખું છું.
ઉમેશ શર્મા દ્વારા નિર્મિત અને નિતિન જી દ્વારા દિગ્દર્શિત નાયિકા દેવી : ધ વૉરિયર ક્વીનમાં ખુશી શાહ અને ચંકી પાંડે ઉપરાંત મનોજ જોશી, ચિરાગ જાની, જયેશ મોરે, ચેતન દહિયા, ઓજસ રાવલ, નિનાદ ગાવડે, હૅરી રાઠોડ, મુસ્તફા, બ્રિન્દા ત્રિવેદી, હેતલ પુનીવાલા, મમતા સોની, કૌશંબી ભટ્ટ, મોરલી પટેલ જેવા કસાયેલા કલાકારો પણ જોવા મળશે. ફિલ્મનું સંગીત પાર્થ ભરત ઠક્કરનું છે જ્યારે કૉરિયોગ્રાફી સમીર અને અર્શ તન્નાની છે.
ફિલ્મનું ટ્રેલર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો