તાતા પરિવારના બસો વરસના ઇતિહાસને ફિલ્મમાં દર્શાવવામાં આવશે
દેશના સૌથી જાણીતા અને અમીર પરિવારોમાંના એક તાતા પરિવાર વિશેની ઝીણામાં ઝીણી જાણકારી ટૂંક સમયમાં તમને જાણવા મળશે. કારણ, ટૂંક સમયમાં તાતા પરિવાર પર આધારિત ફિલ્મ શરૂ થઈ રહી છે. આ અંગેની અધિકૃત જાહેરાત પણ કરવામાં આવી છે. તાતા પરિવારની વાત આપ સર્વે સમક્ષ લાવી રહ્યા છે ટી સિરીઝના ભૂષણ કુમાર અને ઓલમાઇટી મોશન પિક્ચર્સ.
દર્શકો દેશના જાણીતા પરિવાર પર આધારિત ફિલ્મ જોવા આતુર હોય છે. અને એટલા માટે જ નિર્માતાઓ આવા પરિવાર કે પર્સનાલિટીની જીવની પર ફિલ્મ બનાવતા રહે છે.
હવે દર્શકોને દેશના મોટા અને પહેલાં બિઝનેસ પરિવાર અંગેની જાણકારી ફિલ્મી પરદે જોવા મળશે. તાતા પરિવાર પર બનનારી ફિલ્મમાં પરિવારના બસો વરસની જાણકારી આપવામાં આવશે. ટી. સિરીઝે આ અંગે અધિકૃતપણે જાહેરાત કરતા સોશિયલ પર લખ્યું હતું કે, અમે ત્રણ પેઢીથી રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લેનાર દિગ્ગજ બિઝનેસ પરિવારની કથા પર આધારિત પુસ્તકના અધિકાર મળ્યા એનો અમને ગર્વ છે.
તાતા પરિવાર પર બનનારી આ ફિલ્મની વાર્તા વરિષ્ઠ પત્રકાર અને લેખક ગિરીશ કુબેરનાં પુસ્તક ધ તાતાઝ : હાઉ અ ફેમિલી બિલ્ટ બિઝનેસ એન્ડ અ નેશન પર આધારિત હશે. ટી.સિરીઝ અને ઓલમાઇટી મોશન પિક્ચરે થોડા સમય પહેલાં પુસ્તકના હક ખરીદ્યા હતા.
જોકે ફિલ્મના કલાકારો, શૂટિંગ, રિલીઝ અંગેની કોઈ જાણકારી આપવામાં આવી નહોતી.