મરાઠીના દિગ્ગજ સંગીતકારને કોણે આપી આવી સલાહ?
હજારો જિંગલ્સ અને સેંકડો નાટક-ફિલ્મોમાં સંગીત આપનાર ૭૮ વરસના સુપ્રસિદ્ધ સંગીતકાર અશોક પત્કી સુમધુર ગીતોના રચયિતા તરીકે વિખ્યાત છે. છેલ્લા ચાલીસ વરસથી એસ. ડી. બર્મન, શંકર જયકિશન, આર. ડી. બર્મન જેવા દિગ્ગજ સંગીતકારોને ત્યાં વાદકથી લઈ સ્વતંત્ર સંગીતકાર તરીકે કાર્યરત પીઢ સંગીતકારે કંઇક વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. કારણ, એક ફિલ્મના દિગ્દર્શકે તેમને આ આઇટમ સૉંગ રેકોર્ડ થયા બાદ જોઇએ તો ગોમૂત્ર છાંટી દેજો, પણ આ ગીત કરો… જેવી વિચિત્ર સલાહ આપી હતી.
વાત જાણે એમ છે કે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સિનેમેટોગ્રાફર-દિગ્દર્શક સમીર આઠલ્યેએ તેમની આગામી ફિલ્મ બકાલના સંગીત માટે અશોક પત્કીનો સંપર્ક કર્યો. પણ ફિલ્મ યંગસ્ટર્સ પર આધારિત હોવાથી પત્કીએ સંગીત આપવાની ના પાડી. તેમની દલીલ પણ યોગ્ય હતી કે વેસ્ટર્ન મ્યુઝિક અને ચિત્રવિચિત્ર અવાજોવાળું સંગીત બનાવવું તેમને માટે શક્ય નહોતું. પણ સમીરની જીદ હતી કે સંગીત તો અશોક પત્કીએ જ આપવું પડશે. હા-ના કરતા પત્કી સાહેબ રાજી થયા. અનેક ધૂન બનાવ્યા બાદ એક ગીત માંડ માંડ ઓકે થયું ત્યાં સમીરે બૉમ્બ ફોડ્યો. અશોક પત્કીને આઇટમ સૉંગ તૈયાર કરવા કહ્યું. પત્કીના તો મોતિયા જ મરી ગયા. તેમના ચહેરાના ભાવ જાઈ સમજી ગયેલા સમીરે કહ્યું કે રેકોર્ડિંગ પછી જાઇએ તો ગંગાજળ છાંટી દેજો પણ આઇટમ નંબર તો તમારે જ બનાવવાનું છે. દિગ્દર્શકના આગ્રહને વશ થઈ અશોક પત્કીએ છમ છમ… બરફી સંતરા ચી… આઇટમ સૉંગ તૈયાર કર્યું જે મરાઠીની અગ્રણી એવી ચાર પાર્શ્વગાયિકા પાસે ગવડાવ્યું. અશોક પત્કીને પણ પોતાની રચના એટલી પસંદ પડી કે ગીતના ફિલ્માંકન વખતે પણ તેઓ ઉપસ્થિત રહ્યા અને આઇટમ ગર્લ સાથે ફોટા પણ પડાવ્યા.
રાજકુમાર મેન્ડા દ્વારા નિર્મિત શિવ ઓમ વિઝ્યુઅલ્સ પ્રાઇવેટ લિમિટેડ પ્રસ્તુત મરાઠીની પહેલી ઍક્શન ફિલ્મ બકાલ ફિલ્મ ૮ નવેમ્બરે મહારાષ્ટ્રભરમાં રિલીઝ થઈ રહી છે.