મૂળ વઢવાણના દીવાનના પૌત્ર વિપુલની ગણના

બૉલિવુડની હિટ ફિલ્મોના લેખક તરીકે થાય છે

ધર્મસંકટ, OMG, પીકે જેવી બૉલિવુડની અમુક ફિલ્મોના કથાનકમાં ચોક્કસ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યા હતા. ના કોઈ મરતા હૈ, ના કોઈ મારતા હૈ, ઐસા મૈં નહીં કહેતા… ગીતામેં લીખા હૈ, અક્સ ફિલ્મમાં અમિતાભે આ વાત કહ્યા બાદ, બૉલિવુડ હવે તમને આપે છે બીજો સિરિયલ કિલર જે આંખના બદલામાં આંખની નીતિમાં માને છે.

સુપરહિટ ફિલ્મ રૂસ્તમના લેખક વિપુલ કે. રાવલ ફરી એકવાર આવી રહ્યા છે અને એ પણ લેખક-દિગ્દર્શક તરીકે. તેમની રૂંવાટા ખડા કરી દે એવી આગામી ફિલ્મ છે ટૉની. ફિલ્મની વાત ચાર સાયકોલૉજીના વિદ્યાર્થીઓની છે જેઓ ચર્ચના કન્ફેશન બૉક્સમાં કેમેરા બેસાડે છે, અને પાદરી સમક્ષ સિરિયલ કિલર ટૉની એણે કરેલી હત્યાઓનો એકરાર કરતો હોવાનું જાણવા મળે છે. ચારેય ટૉનીને મળે છે અને તેમની જિંદગીમાં એક વિચિત્ર વળાંક આવે છે, ચારેય ટૉની સાથે મળી ખૂની ખેલ ખેલે છે.

આ મારી દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ હોવાથી અન્ય કોઈ ફિલ્મમાં ચંચૂપાત કરે એ મને જોઇતું નહોતું એટલે મેં જાતે જ ફિલ્મનું નિર્માણ કરવાનું નક્કી કર્યું. એ સાથે વિપુલ એની પહેલી ફિલ્મ વિશે ગર્વથી કહે છે કે, એટલા માટે મારી ફિલ્મમાં એક પણ ગીત નથી કે ન કહેવાતી હીરોઇન, એટલું જ નહીં ફિલ્મમાં ક્યાંય અંગ પ્રદર્શન પણ જોવા નહીં મળે.

વિપુલ દૃઢપણે માને છે કે લખવાનું શરૂ કરવા પહેલાં કોઈ પણ વિષય હોય કે પાત્ર, એના વિશે તલસ્પર્શી સંશોધન કર્યા બાદ લેખનકાર્ય શરૂ કરવું. એટલા માટે જ કેથલિક સિરિયલ કિલરની માનસિકતા સમજવા ભારતની જેલમાં પુરાયેલા જાણીતા સિરિયલ કિલરને મળવાની કોશિશ કરી, પણ અફસોસ સિસ્ટમને કારણે મળી શકાયું નહીં. આખરે હું એને મળી શક્યો. અને એ બીજું કોઈ નહીં પણ વિશ્વ વિખ્યાત ચાર્લ્સ શોભરાજ જે કેથલિક પણ છે અને સિરિયલ કિલર પણ!

નેપાળમાં મેં મારા સંબંધોનો ઉપયોગ કર્યો અને ત્યાંની જેલમાં સિરિયલ કિલરની માનસિકતા સમજવા શોભરાજને મળ્યો. આ મુલાકાત-રિસર્ચ ટૉનીનું પાત્ર ઘડવામાં મને પુષ્કળ સહાયરૂપ બન્યું એમ સમાપન કરતા વિપુલ કે. રાવલે જણાવ્યું.

મૂળ વઢવાણ સ્ટેટના દીવાનના પૌત્ર વિપુલની ગણના બૉલિવુડની હિટ ફિલ્મોના લેખક તરીકે થાય છે. સુરેન્દ્રનગરમાં જન્મેલા વિપુલનું બાળપણ-ભણતર વાપી ખાતે થયું. વતન માટે કંઇક કરી છૂટવાની ભાવના ધરાવતા વિપુલ નેવીમાં જોડાયા. જોકે વાચન-લેખનનો શોખ ધરાવતા વિપુલને લેખક તરીકે કંઇક કરવાની તમન્ના હોવાથી નેવીમાં રાજીનામુ આપી ફુલફ્લેજ્ડ લેખક તરીકે કરિયરની શરૂઆત કરી. તેમની પહેલી ફિલ્મ નસીરૂદ્દીન શાહ અને શ્રેયસ તલપડે અભિનીત ઇકબાલે ધૂમ મચાવી હતી. તો શાહિદ કપૂર-શ્રદ્ધા કપૂરની બત્તી ગુલ મીટર ચાલુને દર્શકોએ વખાણી હતી. જ્યારે 2016માં આવેલી રૂસ્તમ ફિલ્મે તો અક્ષયકુમારને નેશનલ ઍવોર્ડ અપાવ્યો હતો. હવે તેઓ દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ ટૉની લઈને આવી રહ્યા છે જેમાં એક સિરિયલ કિલરની વાત આલેખાઈ છે. ટૉની 15 નવેમ્બર 2019ના રિલીઝ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here