ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર આધારિત ફિલ્મ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર રિલીઝ થઈ. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવેક ઓબેરોય દ્વારા નિર્મિત અને અભિનીત ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી હાલ રાજકીય કાવાદાવામાં અટવાઈ છે. વિરોધ પક્ષોના વિરોધના પગલે ચૂંટણી પંચે ફિલ્મની રિલીઝ અટકાવી છે. હવે રાજકારણના રિયલ અખાડામાં એકબીજાને ટક્કર આપી રહેલા નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી ફિલ્મી રિંગમાં પણ બાખડવાની તૈયારી કરી રહ્યા છે. ચૂંટણીના મેદાનમાં કોણ કોને પછાડે એ તો મતદાન બાદ પરિણામો જાહેર થયા બાદ જાણ થશે. પણ ફિલ્મી પરદે નરેન્દ્ર મોદીને હરાવવા મમતા બેનર્જીએ કમર કસી છે. કારણ, 3 મે 2019ના મમતા બેનરજી પર બનેલી ફિલ્મ બાઘિની ભારતભરમાં રિલીઝ કરવાની તડામાર તૈયારી ચાલી રહી છે.

જોકે ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે દાવો કર્યો છે કે બાઘિની કંઇ મમતા બેનર્જીની બાયોપિક નથી. પરંતુ પોસ્ટર જોઈ સ્પષ્ટપણે જણાય છે કે દીદી એટલે કે મમતા બેનર્જી જ બાઘિની છે. ફિલ્મમાં ભલે નરેન્દ્ર મોદી પર કોઈ કટાક્ષ ન કર્યો હોય પણ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જ્યોતિ બસુના પાત્રને ચોક્કસ દર્શાવાયું હશે. મમતા બેનર્જીએ સામ્યવાદી નેતા વિરૂદ્ધ મોટું આંદોલન ચલાવ્યું હતું.

ફિલ્મમાં મમતા બેનર્જીના નામનો ઉલ્લેખ કરાયો નથી પણ મમતાના સ્થાને ઇન્દિરા બેનર્જી નામ રાખ્યું છે. મમતાનું પાત્ર ભજવનાર કલાકાર રૂમી દાસગુપ્તાનું કહેવું છે કે, દીદી એટલે કે મમતા બેનર્જી અંગે ઘણો અભ્યાસ કર્યો હતો. એણે મમતા બેનર્જીની ચાલવાની સ્ટાઇલ, બૉડી લેન્ગવેજ, વાત કરવાની પદ્ધત વગેરે તમામ વાતોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. ફિલ્મની નિર્માત્રી પિન્કી મંડલના જણાવ્યા મુજબ, ફિલ્મ રાજકારણને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી નથી. પરંતુ એક સામાન્ય મહિલાની મહાન બનવા સુધીની દાસ્તાન છે. જ્યારે ફિલ્મને પૂછવામાં આવ્યું કે શું આ ફિલ્મ મમતા બેનર્જીને મુખ્ય પ્રધાનથી વડાપ્રધાન બનવાની વાત આલેખાઈ છે ત્યારે તેમણે મભમ જવાબ આપતા કહ્યું કે એ તો બાઘિની જોયા બાદ જ ખબર પડશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here