કાર્તિક આર્યન સાથે સોનુ કે ટીટુ કી સ્વિટી, પ્યાર કા પંચનામા-1 અને પ્યાર કા પંચનામા-2 જેવી હિટ ફિલ્મો આપનાર લવ રંજન હવે મૈં જૂઠી તું મક્કાર જેવી યુવા પેઢીની રિલેશનશિપ પર આધારિત ફિલ્મ લઈને આવ્યા છે. જોકે એટલું ચોક્કસ કહી શકાય કે આ વખતે લવ રંજને રૉમ-કૉમમાં ફૅમિલી સિસ્ટમ જેવી વાતને વણી લીધી છે.
દિગ્દર્શક લવરંજનની ફિલ્મ અને એના પાત્રોના નામને કારણે દર્શક હંમેશ મુંઝવણ અનુભવતો હોય છે અને આ વાત તેમણે મૈં જૂઠી તું મક્કાર ફિલ્મમાં પણ આગળ વધારી છે. ફિલ્મમાં રણબીર કપૂર રોહન, મિકી, જિતેન્દ્ર સહિત અનેક નામો ધરાવે છે. તો શ્રદ્ધા કપૂર પણ એમાં બાકાત નથી એનું નામ નિશા પણ છે અને ટિન્ની પણ. તો એની બેસ્ટ ફ્રેન્ડનું નામ છે કિન્ની.
ફિલ્મનો હીરો મિકી (રણબીર કપૂર) અનેક બિઝનેસ ધરાવતા ખાનદાની અમિર પરિવારનો નબીરો છે. જેના પરિવારમાં મા (ડિમ્પલ કાપડિયા), પિચા (બૉની કપૂર), દાદી, બહેન, બનેવી અને ભાણેજ સાથે રહેતો હોય છે. જકે પારિવારિક બિઝનેસ ઉપરાંત મિકી સ્વતંત્રપણે એક ધંધો પણ કરતો હોય છે. રિલેશનશિપનો બ્રેક અપ કરાવવા માટે બે લાખ રૂપિયા જેવી તગડી રકમ વસુલતો હોય છે. આમ છતાં એ પરિવારને અનહદ પ્રેમ કરતો હોય છે. બેચલર્સ ટ્રિપ માટે મિકી એના મિત્ર અનુભવ સાથે સ્પેન જાય છે જ્યાં એની મુલાકાત ટિન્ની સાથે થાય છે. સુંદર, આત્મનિર્ભર અને સ્વતંત્ર મિજાજની ટિન્નીને જોઈ બ્રેકઅપ માસટર મિકીને પહેલી નજરનો પ્રેમ થઈ જાય છે. પ્રેમી પંખીડા પરિવારોની સહમતિ સાથે સગાઈ કરવાનું નકકી કરે છે. જે દિવસે સગાઈ થવાની હોય છે એ જ દિવસે મિકીને એક છોકરીનો ફોન આવે છે જે બ્રેકઅપ કરાવવા માગે છે. પણ જ્યારે મિકીને એ યુવતીની પૂરી વિગતો મળે છે ત્યારે હતભ્રભ થઈ જાય છે. કારણ, ફોન કરનાર બીજું કોઈ નહીં પણ એની મંગેતર ટિન્ની જ હતી. અને અહીંથી શરૂ થાય છે એક અનોખો ક્લાઇમેક્સ.
લવ રંજનની ફિલ્મ હંમેશા છોકરાઓના વિચારોને દર્શાવતી હોય છે. પણ આ વખતે અત્યારના જમાનાના ડેટિંગની સાથે મોડર્ન લવના જોખમો તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે.
આજે ઘણા યુગલો જે પરિસ્થિતિનો સામનો કરતા હોય છે એવા મુદ્દાને દિગ્દર્શક લવ રંજને તેમની ફિલ્મની વાર્તામાં વણી લીધો છે. જોકે ફિલ્મનો ફર્સ્ટ હાફ ધીમી ગતિએ આગળ વધે છે. જોકે એમાં સુંદર દરિયા કિનારો છે, હીરોઇને બિકીનીમાં છે તો હીરો સ્વિમવેરમાં છે. ઝૂમતા કરી દે એવા ગીતની સાથે ચબરાકિયા સંવાદો અને સ્પેનનું નયનરમ્ય લોકેશન દર્શકોને થોડી રાહત આપે છે. જ્યારે ફિલ્મનો બીજો ભાગ હૃદયસ્પર્શી અને દર્શકોને જકડી રાખે એવો છે. જેમાં પરિવાર અને એક યુગલ વચ્ચેના ભાવનાત્મક દૃશ્યો જોવા મળે છે.
અભિનયની વાત કરીએ તો રણબીર કપૂર ઑન સ્ક્રીન ઘણો પ્રભાવશાળી લાગે છે. પાત્રાલેખન અને વાર્તા થોડી નબળી હોવા છતાં મિકીના પાત્રમાં ઓતપ્રોત બની જાય છે. ઉપરાંત એનું કૉમિક ટાઇમિંગ પણ ઇમ્પ્રેસ કરે એવુ છે. જ્યારે શ્રદ્ધા કપૂર પરદા પર ઘણી કૉન્ફિડન્ટની સાથે ગ્લેમરસ લાગે છે. ટિન્નીનું પાત્ર એ જીવી જાય છે. રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ઑન સ્ક્રીન જોડી તેમના ચાહકોને ગમશે. જોકે ફિલ્મનું સબળ પાસું છે એની સપોર્ટિંગ કાસ્ટ. રણબીરની માતાની ભૂમિકામાં ડિમ્પલ કાપડિયા અને મિત્ર તરીકે અનુભવ સિંહ બસ્સી મોજ કરાવ છે. જોકે બૉની કપૂરના ભાગે ખાસ સીન આવ્યા નથી. અન્ય કલાકારમાં જો કોઈ ધ્યાન ખેચતું હોય તો મિકીની ભાણેજ બનતી ઇનાયત વર્મા.
ફિલ્મનું સૌથી નબળું પાસું હોય તો એ છે અકીવ અલીનું એડિટિંગ. ફિલ્મની લંબાઈને પંદરેક મિનિટ ઓછી કરી શકાઈ હોત તો હજુ મજેદાર બની હોત. પ્રીતમના સંગીતમાં તૈયાર થયેલા અમિતાભ ભટ્ટાચાર્યનાં ગીતો ફિલ્મની વાર્તાને થોડો વેગ આપે છે.