બૉલિવુડની ફિલ્મોમાં ડબલ રોલ તો ઘણીવાર જોવા મળ્યા છે. તો કલાકારે એક સાથે ત્રણ-ત્રણ ભૂમિકા ભજવી હોય એવી પણ ફિલ્મો આવી છે. તો બે-ચાર ફિલ્મો એવી પણ છે જેમાં કલાકારે નવ કે બાર પાત્રો ભજવ્યા હોય. જેમ કે સંજીવ કુમારે નયા દિન નયી રાતમાં નવ ભૂમિકા (નવ રસની નવ ભૂમિકા) ભજવી હતી. તો પ્રિયંકા ચોપરા અને હરમન બાવેજાએ વૉટ્સ યોર રાશિમાં બાર-બાર ભૂમિકા ભજવી હતી. ટ્રિપલ રોલ વિષયની વાત અટાણે કરવાનું કારણ, શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ સત્યમેવ જયતે-2. ફિલ્મમાં જ્હૉન અબ્રાહમે ટ્રિપલ રોલમાં છે. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.
ટ્રિપલ રોલની વાત નીકળી છે તો બૉલિવુડમાં હીરો-હીરોઇન અને કૉમેડિયનોએ પણ ત્રેવડી ભૂમિકા ભજવી છે. ચાલો એક નજર નાખીએ ત્રેવડી ભૂમિકા ભજવનાર કલાકાર અને તેમની ફિલ્મો પર.
દિલીપ કુમાર
બૉલિવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારથી. દિલીપ કુમારે 1970માં આવેલી બૈરાગમાં અંધ પિતા અને બે જોડિયા પુત્રોની ભૂમિકા ભજવી હતી.
અમિતાભ બચ્ચન
મહાનાયક અમિતાભ બચ્ચનેમાં આવેલી મહાનમાં ત્રણ પાત્રો ભજવ્યા હતા. આ ફિલ્મમાં પણ પિતા અને જોડિયા બાળકોની વાત છે અને આ ત્રણેય પાત્રો અમિતાભે ભજવ્યા છે.
મિથુન ચક્રવર્તી
1996માં આવેલી કાંતિ શાહની ફિલ્મ રંગબાઝમાં મિથુન ચક્રવર્તીએ ત્રણ વિવિધ ભૂમિકાઓ ભજવી હતી. ફિલ્મ ત્રિદેવની નકલ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
રામ કપૂર, સૈફ અલી ખાન, રિતેશ દેશમુખ
હમશકલ્સમાં ત્રણ અભિનેતાઓએ ત્રેવડી ભૂમિકા ભજવી હતી. 2014માં આવેલી આ ફિલ્મમાં રામ કપૂર, સૈફ અલી ખાન અને રિતેશ દેશમુખ ત્રિપલ રોલમાં જોવા મળ્યા હતા. જોકે ફિલ્મમાં ત્રણેય અભિનેતાઓએ અલગ અલગ કેરેક્ટર ભજવ્યા હતા.
શાહરૂખ ખાન
કિંગ ખાને પણ 1996માં આવેલી અંગ્રેજી બાબુ દેશી મેમમાં ટ્રિપલ રોલ કર્યો હતો. શાહરૂખે પણ ફિલ્મમાં પિતા અને બે જોડિયા પુત્રોની ભૂમિકા ભજવી હતી.
કમલ હાસન
તમિલ ફિલ્મ અપૂર્વ સહોદરગલના હિન્દી વર્ઝન અપ્પુ રાજામાં કમલ હાસને ત્રેવડી ભૂમિકા ભજવી હતી. અપ્પુ રાજામાં પણ પિતા અને જોડિયા બાળકોની વાત છે. જોકે એક પુત્ર સામાન્ય છે તો બીજો ઠીંગુજી દર્શાવાયો છે.
રજનીકાંત
સાઉથના જ બીજા સુપરસ્ટાર રજનીકાંતે જૉન જાની જનાર્દનમાં ટ્રિપલ રોલ કર્યો હતો. તમિલની સુપરહિટ ફિલ્મ મૂનરુ મુગમની રીમેકમાં રજનીકાંત બાપ અને બે જોડિયા પુ6ની ભૂમિકામાં જોવા મળે છે.
ધર્મેન્દ્ર
હીમેન ધર્મેન્દ્રએ પણ 1997માં આવેલી જિયો શાન સેમાં ત્રણ ભાઇઓ બ્રહ્મા, વિષ્ણુ મહેશની ભૂમિકા ભજવી હતી.
શત્રુઘ્ન સિંહા
બી. આર. ઇશારા દિગ્દર્શિત ફિલ્મ મિલાપ (1972) પુનર્જન્મ પર આધારિત છે. જેમાં શત્રુ ઘ્ન સિંહા બે જન્મના પાત્રની સાથે સાપની ભૂમિકામાં પણ છે જે શત્રુઘ્નનું સ્વરૂપ ધારણ કરે છે.
કાદર ખાન
1995માં આવેલી મિથુન ચક્રવર્તીની ફિલ્મ ધ ડૉનમાં કાદરખાન ટ્રિપલ રોલમાં જોવા મળે છે. ફિલ્મમાં તેમણે એક જ કૉલેજના પ્રિન્સિપલ, પ્રોફેસર અને પ્યુનની ભૂમિકા ભજવી હતી.
મહેમૂદ
1970માં આવેલી હમજોલીમાં મહેમૂદે ત્રણ પેઢી દાદા, પુત્ર અને પૌત્રની ભૂમિકા ભજવી હતી. મજાની વાત એ છે કે દાદાનું પાત્ર પૃથ્વીરાજ કપૂરની સ્ટાઇલમાં ભજવ્યું છે તો પુત્રનું કેરેક્ટર રાજ કપૂર સ્ટાઇલમાં ભજવ્યું હતું. તો પૌત્ર તરીકે અસલી મહેમૂદની સ્ટાઇલ જોવા મળે છે.
આઈ. એસ. જોહર
1970માં આવેલી દેવ આનંદની સુપર હિટ ફિલ્મ જ્હૉની મેરા નામમાં કૉમેડિયન આઇ. એસ. જોહરે ભજવેલી ત્રેવડી ભૂમિકા આજે પણ દર્શકો ભૂલ્યા નથી. ફિલ્મમાં જોહરે ત્રણ ભાઈઓ પહલરામ, દૂજારામ અને તેજારામની ભૂમિકા ભજવી હતી.
અસરાની
બૉલિવુડના જાણીતા કૉમેડિયન અસરાનીએ 1980માં આવેલી હમ નહીં સુધરેંગેમાં એક સરખી દેખાતી ત્રણ અલગ-અલગ વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક ખુદ અસરાની હતા.
જ્હૉની લીવર
ગોવિંદા-મનીષા કોઇરાલા અભિનીત રિવેન્જ ડ્રામા અચાનકમાં જ્હૉની લીવર જૉની, મોની અને ટોની કપૂર નામના ત્રણ આઇડેન્ટિકલ ટ્રિપલેટ્સની ભૂમિકામાં છે.
પરેશ રાવલ
2008માં આવેલી ફિલ્મ ઓયે લકી લકી ઓયેમાં પરેશ રાવલે અભય દેઓલના પિતા, એક ગેંગના લીડર અને જાણીતા ડૉક્ટરની ભૂમિકા ભજવી હતી.
રાજપાલ યાદવ
પિતા, પુત્ર અને કાકાની ભૂમિકા કૉમેડિયન રાજપાલ યાદવે 2008માં આવેલી હૅસ્ટી હૅસ્ટી ફિલ્મમાં ભજવી હતી. જોકે ફિલ્મ સુપર ફ્લૉપ પુરવાર થઈ હતી.
મધુબાલા
પુનર્જન્મ પર આધારિત 1958માં આવેલી ફિલ્મ ફાગુનમાં મધુબાલા-ભારત ભૂષણ આગલા જન્મમાં પતિ-પત્ની છે જે બીજા જન્મમાં પણ પતિ-પત્ની તરીકે જોવા મળે છે. ફિલ્મમાં મધુબાલા માતાની અને પુત્રીની પણ ભૂમિકા ભજવી રહી છે.
વૈજયંતિમાલા
બિમલ રૉય દિગ્દર્શિત અને 1958માં જ રિલીઝ થયેલી પુનર્જન્મની વાત આલેખતી મધુમતિમાં વૈજયંતિમાલાએ ત્રણ પાત્ર ભજવ્યા હતાં. જેમાં દિલીપ કુમારની પ્રયેસી, એના જેવી દેખાતી યુવતી અને પુનર્જન્મ બાદ આ જન્મમાં પણ દિલાપ કુમારની પત્નીના પાત્રમાં જોવા મળે છે. ફિલ્મનાં ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે.