ફરી મળીશું જલ્દી મળીશું, જોશ જુસ્સામાં એન્ટ્રી કરીશું

મેક અપ થાશે , કોસ્ચ્યુમ સાથે , ધમધમતા નેપથ્ય ભરાશે

ભેગા મળીને તખ્તો ગજવીશું, તમે આપણે નવરંગ રમીશું

ફરી મળીશું, જલ્દી મળીશું

આજકાલ યુ ટ્યુબ, ઇન્સ્ટા પર કોરોનાથી બચવા, લડવા, અને ઘરમાંજ રહેવાની સલાહ આપતા અને કોરોના સાથે બાથ ભીડતા ડોક્ટર, નર્સ, સફાઈ કામદાર તથા અન્ય કોરોના ફાઈટરનાં ગુણગાન ગાતા અનેક ગીતો બની રહ્યા છે. ફિલ્મ, સિરિયલ અને રંગભૂમિના કલાકારો એક સાથે તાલ મિલાવતા લોકોની હિમ્મત, જોશ, જુસ્સો વધારતા વ્હાલા પ્રેક્ષકોને પાનો ચઢાવે છે. જેમાં મિલેનિયમ સ્ટારથી લઈને ટીક ટૉક સ્ટાર પણ બાકી નથી. ત્યારે તખ્તાના કલાકાર પ્રેક્ષક દેવ સિવાય પોતાના જ સાથી મિત્ર કલાકાર વિશે વિચારે તો શું વિચારે? એવો વિચાર ફ્રેન્ડ્સ થિયેટર ગ્રુપના વિપુલ શાહને આવ્યો અને લગભગ દોઢ-બે મહિનાથી ઘરે બેઠેલા ફ્રેન્ડ્સ ગ્રુપના તમામ સાથી કલાકાર મિત્રોને પાનો ચઢાવતું એક ગીત લખાયું. “ફરી મળીશું, જલ્દી મળીશું.”

ફ્રેન્ડ્સ ગ્રુપ માટે અનેક નાટકો લખી ચુકેલા લેખક અશોક ઉપાધ્યાય દ્વારા લખાયેલ આ ગીત તખ્તાના તમામ ક્ષેત્રનાં આર્ટિસ્ટને સમર્પિત છે. જેમાં કલાકાર, લેખક, દિગ્દર્શક, લાઈટ્સ, સેટિંગ્સ, નેપથ્ય, મેકઅપ, સંગીત વગેરેના નાટક સાથે જોડાયેલા દરેક વિભાગના કલાકારે યોગદાન આપ્યું છે.

આજે જ્યારે ચારે બાજુ કોરોનાની મહામારી ફેલાયેલી છે ત્યારે દરેક વ્યક્તિ પોતાની ઈચ્છાશક્તિ પ્રમાણે મદદરૂપ થાય છે, ગુજરાતમાં કલાકારો માટે વિચારનારા, એમના માટે કંઈક કરી છૂટનારા કલાપ્રેમીઓ છે જ. અને પોતાના ગ્રુપનાં કલાકારોને સંગઠિત રાખવા એમને પાનો ચઢાવવા, રંગભૂમિ દેવતા નટરાજને નમન કરતા તખ્તો ફરી ધમધમતો કરવા, ગજવવા જલ્દી મળીશું, ફરી મળીશું એક બુસ્ટર સોંગ છે. જે માણવા લાયક છે. આ ગીત ગુજરાત તથા મુંબઈનાં અસંખ્ય કલાકારોએ શેયર કર્યું છે, વખાણ્યું છે.

સમ્રાટ નમકીનની સંગાથે ૨૨ કલાકારોનાં કાફલામાં સ્વયં નિર્માતા વિપુલ શાહ સુનીલ વાઘેલા, અશોક ઉપાધ્યાય, કિરીટ પંડ્યા, કલ્પેશ પટેલ, જૈમિની ત્રિવેદી, હરીશ ઉપાધ્યાય, અંકિત પટેલ, ડિમ્પલ ઉપાધ્યાય, દીપિકા રાવલ, કામિની પંચાલ, કૃપા પંડ્યા, ભરત પટેલ, જીનલ દેસાઈ, પાર્થ રાવલ,  હિરવ ત્રિવેદી, કૃણાલ ભટ્ટ, વિપુલ શર્મા, ઉષા ભાટિયા, અને  શૈલેષ પટણી છે એમ ગીતના લેખક અશોક ઉપાધ્યાયે જણાવ્યું હતું.

તમામ કલાકારોનો એ ક જ નારો છે… ફરી મળીશું જલ્દી મળીશું , ભેગા મળીને તખ્તો ગજવીશું.

ગીત માણવા નીચેની લિન્ક પર ક્લિક કરો

//youtu.be/Ukai-K6Wka0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here