આપણે ત્યાં અંગ્રેજીની એટલી ઘેલછા છે કે લોકો પોતાની માતૃભાષાની અવગણના કરવા લાગ્યા છે. ઘણા શહેરોમાં એવું થઈ રહ્યુ છે કે સ્થાનિક ભાષાની સ્કૂલને અંગ્રેજી માધ્યમમાં બદલવાની પ્રશાસનને ફરજ પડી રહી છે. ગુજરાતમાં તો ખ્યાલ નથી પણ મુંબઈમાં આવી હાલત સર્જાઈ છે. અને એટલા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં ભણતર પર ભાર મુક્યો છે. અને આ જ લાઇનદોરી પર ગુજરાતની અનેક સ્કૂલોએ માતૃભાષામાં બાળકોને શીખવવાની શરૂઆત કરી છે.
આ વિષયને કેન્દ્રમાં રાખી નીરજ જોશી એક ફિલ્મ લઈને આવ્યા છે. શુક્રવારે (7એપ્રિલ, 2022)ના રિલીઝ થઈ રહેલી ગજબ થઈ ગયો ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં માતૃભાષા જ છે. ફિલ્મનું ટ્રેલર ઘણા સમય પહેલાં રિલીઝ થયું છે અને એ જોઇ અમુક લોકો દલીલ કરી રહ્યા છે કે ફિલ્મ તો મિસ્ટર ઇન્ડિયા અને કોઈ મિલ ગયાની ગુજરાતી આવૃત્તિ છે. આવું માનનારાઓને જણાવવાનું કે ફિલ્મનો હીરો એક વૈજ્ઞાનિક છે અને એ બાળકોને માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવામાં માનતો નથી, દુનિયામાં શું ચાલી રહ્યુ છે એનાથી પણ માહિતગાર કરતો હોય છે. પણ એનો મૂળ ઉદ્દેશ છે ગુજરાતી ભાષાને ફરી જોમવંતી બનાવવી. ઉપરાંત એ પુરવાર કરવા માગે છે કે, માતૃભાષા સાથે ટકી રહેવા માટે અનેક પડકારો આવતા હોય છે. પરંતુ જો તમે તમારા લક્ષ્યને પામવા નવીન શિક્ષણ કૌશલ્યનો ઉપયોગ કરો છો તો તમે મોટા ધ્યેયને પણ હાંસલ કરી શકો છો.
ફિલ્મ અંગે દિગ્દર્શક નીરજ જોશી કહે છે કે અમારી ફિલ્મનો હીરો એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યુનિવર્સિટીમાં કામ કરતા પ્રોફેસરની વાત છે. એ રાજ્યમાંની છેલ્લી ગુજરાતી માધ્યમની સ્કૂલમાં જોડાવાનો પડકાર ઝીલે છે. ત્યાંના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણાવી પુરવાર કરવા માગે છે કે માતૃભાષામાં ભણીને પણ તમે ધાર્યા લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો. એટલું જ નહીં,પર્યાવરણ અને વિશ્વના પણ તારણહાર બનવાની ક્ષમતા મેળવી શકાય છે. અને એટલા માટે જ અમે ફિલ્મના ટાઇટલ સાથે ટૅગ લાઇન રાખી છે ગુજરાતીમાં જ્ઞાન, એ જ અભિયાન.
ઇન્ફિનાઇન મોશન પ્રાઇવેટ લિમિટેડ બેનર હેઠળ બનેલી નીરજ જોશીની પહેલી સાયન્સ ફિક્શન ફિલ્મમાં મલ્હાર ઠાકર, પૂજા ઝવેરીની સાથે સ્કૂલમાં ભણતા સો કરતા વધુ બાળકોએ અભિનય કર્યો છે.
પ્રણવ શાહ નિર્મિત, નીરજ જોશી દિગ્દર્શિત ફિલ્મનું સંગીત પાર્થ ભરત ઠક્કરે આપ્યુ છે. ફિલ્મ શુક્રવારે (7 એપ્રિલે) રિલીઝ થઈ રહી છે.