બૉલિવુડમાં ધડક ફિલ્મથી ધમાકેદાર એન્ટ્રી કરનાર જાહ્નવી કપૂર હવે ગુંજન સક્સેનાની ભૂમિકામાં નજરે પડશે. જાહ્નવીએ એની આગામી ફિલ્મ ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર રિલીઝ કરાયો છે. ફિલ્મનું નિર્માણ કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન બેનર હેઠળ કરાયું છે. કરણે એની ફિલ્મના ત્રણ પોસ્ટર રિલીઝ કરી ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. ૧૯૯૯માં થયેલા કારગિલ યુદ્ધમાં ગુંજન સક્સેના નામની હવાઈદળની પાયલટે ઘાયલ સૈનિકોને બચાવવાનું અભિયાન ચલાવ્યું હતું. કારગિલ યુદ્ધ સમયે ગુંજન સક્સેના અને એની સાથી વિદ્યાને કાશ્મીરના એ વિસ્તારમાં મકલવામાં આવી હતી જ્યાં પાકિસ્તાની સૈનિકો ભારતીય સૈનિકો પર હુમલો કરી રહ્યા હતા. આ રિયલ લાઇફ સ્ટોરી પરથી ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લનું નિર્માણ કરાયું છે.

પહેલા પોસ્ટરને રિલીઝ કરતા કરણે લખ્યું હતું, એને કહેવામાં આવ્યું હતું કે છોકરીઓ પાયલટ નથી બનતી. પણ એ ઉડાન ભરવાની તૈયારી કરે છે. પહેલા પોસ્ટરમાં જાહ્નવી હાથમાં કાગળનું પ્લેન લઈ રંગબેરંગી સ્વેટરમાં દેખાય છે.

બીજા પોસ્ટરમાં જાહ્નવી પાયલટના ડ્રેસમાં નજરે પડે છે અને આજુબાજુ ઊભેલા જવાનો તાળીઓના ગડગડાટથી એનું સ્વાગત કરે છે. તો ત્રીજા પોસ્ટરમાં જાહ્નવી એના પિતા બનેલા અભિનેતા પંકજ ત્રિપાઠીને આલિંગન આપતી નજરે પડે છે.

ફિલ્મને ધર્મા પ્રોડક્શનની સાથે ઝી સ્ટુડિયો બનાવી રહી છે. શરણ શર્મા દિગ્દર્શિત ફિલ્મમાં જાહ્નવી કપૂરની સાથે પંકજ ત્રિપાઠી, અંગદ બેદી, વિનીત કુમાર અને માનવ વિજ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ૧૩ માર્ચ ૨૦૨૦ના રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here