Table of Contents
એક પછી એક મલ્ટીસ્ટારર… બિગ બજેટ ફિલ્મો ઊંધે માથે પછડી રહી છે ત્યારે પ્રાદેશિક ફિલ્મો કલેક્શનના શિખરો સર કરતી જોવા મળી રહી છે. તાજેતરમાં આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષય કુમારની રક્ષાબંધનને દર્શકોએ જાકારો આપ્યો. તો સાઉથની કાર્તિકેય-2 ધૂમ મચાવી રહી છે. આવી જ બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહેલી ફિલ્મ છે ઢોલિવુડની ફક્ત મહિલાઓ માટે.
ફિલ્મને યુવા પેઢીનો પણ જબરો આવકાર મળી રહ્યો છે અને એનો પુરાવો છે ટિકિટ બારી પર સતત વધી રહેલા વકરાના આંકડાઓ. લગભગ 1300 સ્ક્રીનમાં રિલીઝ થયેલી આનંદ પંડિત અને વૈશલ શાહની ફિલ્મ ફક્ત મહિલાઓ માટેએ વીકઍન્ડ સુધીમાં પોણા પાંચ કરોડ રૂપિયાનો (શુક્રવાર – રૂ. 1,34,21,423, શનિવાર – રૂ. 1,51,31,040 અને રવિવારે 1,80,91,238 કરોડ રૂપિયા) બિઝનેસ કર્યો છે. મળતા અહેવાલ મુજબ આ વરસે ઓપનિંગ વીકઍન્ડમાં આટલો બિઝનેસ કરનાર પહેલી ગુજરાતી ફિલ્મ છે.
ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ એ એક વ્યક્તિ, ચિંતન પરીખની વાત છે. 28 વર્ષીય મધ્યમ-વર્ગીય માણસ જે એના જીવનમાં સતત મહિલાઓથી ઘેરાયેલો અને પરેશાન રહે છે. અંબાજીની એક ભાગ્યશાળી યાત્રા સમયે માતાજીને તે પ્રાર્થના કરવાની સાથે એવી શક્તિ માંગે છે જે તેને સ્ત્રીઓને સમજવામાં મદદ કરી શકે. અને તેની આ ઈચ્છા પૂરી થાય છે. અને પછી એની સમસ્યા દૂર થાય છે કે પછી…
આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા નિર્મિત જય બોડાસ દિગ્દર્શિત ફિલ્મ ફક્ત મહિલાઓ માટેમાં અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે યશ સોની, દીક્ષા જોશી, તર્જની ભાડલા, કલ્પના ગગડેકર, ભાવિની જાની, દીપ વૈદ્ય.