તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડ્યા બાદ શૈલેષ લોઢા હવે શેમારૂ ટીવી પર એક નવો શો ‘વાહ ભાઈ વાહ’ લઈને આવી રહ્યા છે. શોમાં દર્શકોને મસ્તી, હાસ્ય અને વ્યંગથી ભરપુર કવિતા, તુકબંધીથી મનોરંજન પૂરૂં પડાશે. વાહ ભાઈ વાહની મોજ 19 જૂન, 2022થી રોજ રાત્રે 9 વાગ્યે માણી શકાશે.
શોમાં અભિનેતા, લેખક, એન્કરની સાથે પ્રસિદ્ધ કવિ શૈલેષ લોઢા સાથે સામેલ થયેલા કવિઓ રોજબરોજની જિંદગીને તેમની કાવ્ય પ્રતિભા દ્વારા એવી રીતે પ્રસ્તુત કરશે કે તમારું ટેન્શન દૂર કરી મનને હળવું ફૂલ બનાવી દેશે. મનોરંજનનો આ થાળ તમામ વર્ગના દર્શકોને મોજ પૂરી પાડશે.
વાહ ભાઈ વાહમાં શૈલેષ લોઢા સાથે અન્ય કવિઓ પણ સામેલ થશે જેઓ રોજબરોજની જિંદગી સાથે સંકળાયેલી વાતોને હલકીફુલકી શૈલીમાં રજૂ કરશે. શોમાં મજેદાર કવિતા, વ્યંગ, લાગણીઓ અને કૉમેડીને પ્રસ્તુત કરશે જે લોકોના દિલોદિમાગને હળવાફુલ બનાવી દેશે.
વાહ ભાઈ વાહ અંગે શૈલેષ લોઢાએ જણાવ્યું કે, હું શેમારૂ ટીવીના ઓરિજિનલ શો વાહ ભાઈ વાહનો હિસ્સો બન્યો એનો મને ઘણો આનંદ છે. એક કવિ હોવાને કારણે આ શો સાથે મારો લાગણીભર્યો સંબંધ છે. અને શેમારૂએ આપણા દેશના કવિઓ અને એમની પ્રતિભાને પ્રોત્સાહન આપવા આ પ્રકારનો શો બનાવવાનો નિર્ણય લીધો છે. એના માટે હું શેમારૂની સમગ્ર ટીમનો આભાર માનું છું. આ શો અંગે હું એટલું જ કહીશ કે દર્શકોને આ શો ઘણો પસંદ પડશે અને ખુશ થઈને બોલી ઉઠશે… વાહ ભાઈ વાહ.
શેમારૂ એની હીરક જયંતિની ઉજવણી કરી રહી છે તો કવિ સંમેલન એના શરૂ થયાના શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આ શોનો શુભારંભ થઈ રહ્યો છે. આ એક યોગાનુયોગ છે કે આ ઔચિત્યને સાધી વાહ ભાઈ વાહ શરૂ કરવામાં આવી રહ્યો છેના જવાબમાં શેમારૂના હિરેન ગડાએ ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે, હકીકતમાં અમને ખ્યાલ નહોતો કે કવિ સંમેલન શરૂ થયાને સો વરસ પૂરા થયા છે. આ માત્ર એક યોગાનુયોગ છે. અમે દર્શકોને શુદ્ધ અને પારિવારિક મનોરંજન આપતો શો બનાવવા માગતા હતા. અને અમારો સંપર્ક શૈલેષ લોઢા સાથે થયો અને કાર્યક્રમની રૂપરેખા તૈયાર થઈ.
શેમારૂને 60 વરસ પૂરા થઈ રહ્યા છે ત્યારે એની ઉજવણીનું કોઈ ખાસ પ્લાનિંગ? પ્રશ્નના જવાબમાં હિરેન ગડાએ જણાવ્યું કે, અમારી પાસે પાંચસોથી વધુ ફિલ્મોના હક છે. એમાંથી બાર ફિલ્મ અલગ તારવી છે અને એમાંથી ત્રણેકની અમે સિક્વલ કે રીમેક બનાવવાનું વિચાર્યું છે. ઉપરાંત ટીવી, ઓટીટી પર પણ નવા કાર્યક્રમ-સિરીઝ લાવવાની યોજના છે. જોકે આ અંગે સમય આવે અધિકૃત જાહેરાત કરશું.
અત્યારે શેમારૂ ટીવી લગભગ તમામ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને પ્લેટફોર્મ પર વિનામૂલ્ય ઉપલબ્ધ છે. એને તમામ ડીટીએચ, કેબલ અને ડીડી ફ્રી ડિશ નેટવર્ક પર જોઈ શકાય છે. ચૅનલ પર દર્શકોને તમામ મૂડને દર્શાવતી વિવિધ સિરીઝ જોવા મળે છે જેમાં પૌરાણિક, ધાર્મિક શો, ડ્રામા, રોમાંસ, રહસ્ય અને ક્રાઇમ થ્રિલર સામેલ છે. પૂરા પરિવાર સાથે માણી શકાય એવા શોમાં હવે વાહ ભાઈ વાહ આજથી રોજ રાત્રે નવ વાગ્યે માણી શકાશે.