મોરના ઇંડા ચીતરવા ન પડે એ વાત અનેક પ્રતિભાશાળી કલાકારના સંતાનોએ પુરવાર કરી છે. પૃથ્વીરાજ કપૂરથી આ સિલસિલો ચાલતો આવ્યો છે. અપવાદરૂપ અમુક સ્ટાર કિડ્સ સફળ થઈ ન શક્યા પણ મોટા ભાગનાએ પિતાનો કલાવારસો આગળ ધપાવ્યો. માત્ર હિન્દી ફિલ્મોના કલાકારના સંતાનો જ બૉલિવુડમાં આવ્યા છે એવું નથી. ગુજરાતી ફિલ્મ-ટીવી-સ્ટેજના આર્ટિસ્ટના પુત્રો પણ મનોરંજનની દુનિયામાં કાઠું કાઢ્યું છે. આમાં એક નામનો ઉમેરો થયો છે. ગુજરાતી સ્ટેજ-ફિલ્મ-ટીવી ઉપરાંત બૉલિવુડની પણ અનેક ફિલ્મો કરી ચુકેલા શેખર શુક્લાના દીકરા ક્રિશ્નાએ પણ અભિનય ક્ષેત્રે જંપલાવ્યું છે.

ક્રિશ્નાએ ફિલ્મી ઍક્શન સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, એક કલાકાર તરીકે કામ કરવાની શરૂઆત મેં કૉલેજના છેલ્લા વરસથી કરી. ૨૦૧૩માં યોજાયેલા યુથ ફેસ્ટિવલમાં મીઠીબાઈ કૉલેજનું પ્રતિનિધિત્વ કર્યું અને હિન્દી સ્કિટ રજૂ કરી જેને ફેસ્ટિવલમાં ચોથું ઇનામ મળ્યું હતું. ખેર, કૉલેજ વતિ ફેસ્ટિવલમાં ભજવેલી સ્કિટને કારણે મારામાં આત્મવિશ્વાસ વધ્યો અને મેં ગુજરાતી તખ્તે પદાર્પણ કર્યું. સપ્તપદીનો આઠમો ફેરો, ગુજ્જુભાઈએ ગામ ગજવ્યું, અલક મલકની અલબેલી, હા પાડે તો કંકોત્રી, ના પાડે તો ગંગોત્રી જેવા કૉમર્શિયલા હિટ નાટકો કર્યા. ઉપરાંત શેમારૂ માટે શૂટ કરાયેલા નાટકોમાં ગુજ્જુભાઈ બન્યા દબંગમાં સિદ્ધાર્થ રાંદેરિયાના પુત્રની ભૂમિકા ભજવી. ઉપરાંત ભલાઈનો જમાનો નથી ભાઇલા, હુકમનો એક્કો જેવા નાટકો શૂટ કર્યા.

પ્રીત પિયુ ને પન્ના બેન અને લક્ષ્મી સદૈવ મંગલમ જેવી કલર્સ ગુજરાતી પર આવતી અતિ લોકપ્રિય સિરિયલોમાં પણ અભિનય કરવાનો મોકો મળ્યો.

મજાની વાત એ છે કે ગુજરાતી સિરિયલનો મારો અભિનય જોઈ બૉલિવુડના દિગ્દર્શક મનોજ શર્માએ મને તેમની લાઇફ મેં ટાઇમ નહીં હૈ કિસી કો ફિલ્મમાં મને મોકો આપ્યો. ફિલ્મમાં મેં ક્રિશ્ના અભિષેકના મિત્રની ભૂમિકા ભજવી છે. શક્તિ કપૂર, રાજપાલ યાદવ, અંજન શ્રીવાસ્તવ, ક્રિશ્ના અભિષેક જેવા ધરખમ કલાકારો ધરાવતી કૉમેડી ફિલ્મ કરવાની ઘણી મજા આવી. એટલું જ નહીં, આવા દિગ્ગજ કલાકારોને સેટ પર કામ કરતા જોઇ અભિનયની ઘણી બારિકીઓ શીખવા મળી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here