જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે એ અમેઝોન પ્રાઇમની હિન્દી ફિલ્મ શેરનીનો 18 જૂને દુનિયાના 240થી વધુ દેશોમા ખાસ પ્રીમિયર થશે. શેરનીમાં વિદ્યા બાલન એક ઈમાનદાર મહિલા ફોરેસ્ટ ઑફિસરની ભૂમિકામાં નજરે પડશે.
બુધવારે ફિલ્મના ટ્રેલરની સાથે એની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી હતી. માણસો અને પશુઓ વચ્ચેના સંઘર્ષનો નીવેડો લાવવાના પ્રયાસોની સાથે વિદ્યા એની અસમાન્ય ડ્યુટી અને વિવાહિત જીવન વચ્ચે ઝોલા ખાતી હોય છે. ટી-સિરીઝ અને અબંડનશિયા એન્ટરટેઇન્મેન્ટ દ્વારા નિર્મિત આ ડ્રામા ફિલ્મના દિગ્દર્શક છે ન્યૂટન ફૅમ અમિત મસુરકર. ફિલ્મમાં વિદ્યા બાલન ઉપરાંત શરદ સક્સેના, મુકુલ ચઢ્ઢા, વિજય રાજ, ઇલા અરૂણ, બ્રિજેન્દ્ર કાલા અને નીરજ કાબી જેવા સક્ષમ કલાકારો છે.
ફિલ્મ અંગે જણાવતા અમિત મસુરકરે જણાવ્યું કે, શેરનીની વાર્તામાં અનેક જટિલ બાબતો છે, જે મનુષ્ય અને પશુઓ વચ્ચેના સંઘર્ષ જેવા મુદ્દાઓને સ્પર્શે છે. વિદ્યા બાલન મહિલા ફોરેસ્ટ ઑફિસરની ભૂમિકા ભજવી રહી છે, જે તમામ મુશ્કેલીઓ અને દબાણો વચ્ચે પણ પોતાની ટીમ અને સ્થાનિક લોકો સાથે મળી પર્યાવરણનું સંતુલન જાળવવાની દિશામાં કામ કરે છે. એ સાથે મસુરકરે ઉમેર્યુ કે, શેરની અમેઝોન પર રિલીઝ થઈ રહી હોવાથી ભારત સહિત દુનિયાભરના દર્શક સુધી પહોંચી શકશે.
જ્યારે વિદ્યા બાલને જણાવ્યું કે, ફિલ્મની વાર્તા મેં પહેલીવાર સાંભળી ત્યારે જ ઘણી દિલચસ્પ લાગી હતી. ફિલ્મમાં એક સંવેદનશીલ વિષય દર્શાવાયો છે. જેમાં માત્ર મનુષ્ય અને પ્રાણીઓ જ નહીં, પણ માણસો વચ્ચેના સંબંધો, સમજદારી અને સહ-અસ્તિત્વની વાત પણ આલેખાઈ છે.