સોની ટીવી પર પ્રસારિત થઈ રહેલા રિયાલિટી શો ઇન્ડિયન આયડલએ તાજેતરમાં પચાસ એપિસોડ પૂરા કર્યા. પરંતુ શો અમુક ગાયકોને કારણે વિવાદમાં સપડાયો છે. શોમાં સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓને આમંત્રણ અપાય છે. થોડા દિવસ પહેલાં ગાયક અમિત કુમાર ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જોકે તેમણે એપિસોડના પ્રસારણ બાદ કહ્યું હતું કે તેમને શોના દરેક સ્પર્ધકના વખાણ કરવા જણાવ્યું હતું. અને એ માટે સારા એવા પૈસા આપ્યા હોવાનું પણ જણાવ્યું. તો શોના હૉસ્ટ આદિત્ય નારાયણે જણાવ્યું કે શોને મજેદાર બનાવવા માટે પવનદીપ અને અરુણિતા વચ્ચેના રોમાન્સની વાત ચગાવી હતી. પણ હવે શોના બે સ્પર્ધક દાનિશ અને ષણ્મુખ પ્રિયા અંગે વિવાદ ચગ્યો છે.
ઇન્ડિયન આયડલના ચાહકો હવે સતત બે સ્પર્ધકોને હટાવવાની માગણી કરી રહ્યા છે. તેમના કહેવા મુજબ ષણ્મુખ પ્રિયા એક જ શૈલીનાં ગીતો ગાય છે, અન્ય પ્રકારનાં ગીતો ગાઈ શકતી નથી. એ માત્ર ચિચિયારીઓ જ પાડે છે. એ સાથે દર્શકોએ દાનિશની પણ ટીકા કરી હતી. તેમનું કહેવું છે કે દાનિશ ગીતો ગાતી વખતે માત્ર બરાડે છે અને ઓવર એક્ટિંગ કરે છે. એટલું ઓછું હોય તેમ અનેક એપિસોડમાં એના મામાને દર્શકોના માથે મારવામાં આવે છે. ઇન્ડિયન આયડલ જેવા રિયાલિટી શોમાં દાનિશના મામા જેવા ભવાયાને એકાદ વાર બતાવ્યો હોત તો ઠીક છે. પણ એ ભાઈને તો જાણે સુપરસ્ટાર હોય તેમ અનેક એપિસોડમાં ઘુસાડવામાં આવે છે. શું નિર્માતાને એની પાસેથી પૈસા મળે છે કે શું એવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
શોમાં મહેમાન બનીને આવેલા જો જાહેરમાં કહેતા હોય કે નિર્માતાએ પૈસા આપ્યા પણ દરેકના વખાણ કરવા જણાવ્યું તો એનો ફાયદો શું? નવા ગાયકોને એની ભૂલની જાણ કેવી રીતે થઈ શકે? હકીકતમાં ચૅનલે પણ શોના ફોર્મેટ પર ધ્યાન આપવાની જરૂર છે. જો આમ જ ચાલ્યું તો એક સમય એવો આવશે કે દર્શકો રિયાલિટી શો જોવાનું જ બંધ કરી દેશે.