રિતેશે સલમાન સાથેના સેટ પરના બિહાઈન્ડ ધ સીન ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

સલમાન ખાને તાજેતરમાં રિતેશ દેશમુખની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ વેડનું શૂટિંગ પૂરું કર્યું છે. આની ખુશાલીમાં રિતેશે સલમાન સાથેના સેટ પરના બિહાઈન્ડ ધ સીન ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
ફોટો સાથે રિતેશ દેશમુખે સલમાન માટે એક સ્પેશિયલ નોટ લખી ફિલ્મમાં કામ કરવા માટે આભાર માન્યો હતો. રિતેશે લખ્યું કે, મેરે સબસે પ્યારે સલમાન ભાઈ : રિતેશ.
એ સાથે રિતેશે લખ્યું કે, આજે આપણે અષાઢી એકાદશી મનાવી રહ્યા છીએ. આપ સર્વેના જીવનમાં સુખ, પ્રેમ અને સમૃદ્ધિની કામના કરું છું. આ શુભ દિવસે મને એ કહેતા રોમાંચ થઇ રહ્યો છે કે આપના આશીર્વાદથી મેં મારી દિગ્દર્શક તરીકેની પહેલી મરાઠી ફિલ્મ વેડનું શૂટિંગ પૂરું કર્યું છે. આ જર્ની દરમિયાન અનેક પડકારો આવ્યા. પરંતુ તમે જ્યારે એવા લોકો સાથે સંકળાયેલા હો, જેઓ હંમેશ તમારા સહયોગમાં ઊભા હોય, ત્યારે તમે પ્રગતિના પંથે જ આગળ વધો છો. આવી એક વ્યક્તિ છે મારા સૌથી વ્હાલા સલમાન ભાઈ.

રિતેશ દેશમુખ વધુમાં લખે છે, જેનેલિયા અને મારા પ્રત્યે જેમણે કૃપા દૃષ્ટી દાખવી હોય તેમનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી. તેઓ નિર્માતા તરીકેની મારી પહેલી ફિલ્મમાં હતા અને હવે દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મમાં પણ છે. લવ યુ ભાઈ.
૨૦૧૪માં આવેલી લય ભારી ફિલ્મથી રિતેશે મરાઠી ફિલ્મોમાં અભિનય કરવાની શરૂઆત કરી. આ ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે સલમાને ભાઉનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મનાં એક ગીતમાં જેનેલિયા ડિસોઝાએ દેખા દીધી હતી.
૧૨ ઓગસ્ટે રિલીઝ થનારી વેડથી જેનેલિયા મરાઠી ફિલ્મમાં અભિનેત્રી તરીકે પદાર્પણ કરી રહી છે. રિતેશ, જેનેલિયા અને સલમાન ઉપરાંત જિયા શંકર પણ લીડ રોલમાં છે.