હેલ્લારો ફિલ્મ બની રહી હતી ત્યારે ખાસ કોઇએ નોંધ લીધી નહીં હોય, પણ કેન્દ્રિય પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે નેશનલ ઍવોર્ડની જાહેરાત કરી અને શ્રેષ્ઠ ભારતીય ફિલ્મ તરીકે ગુજરાતી ફિલ્મ હેલ્લારોના નામની જાહેરાત કરી કે ગુજરાતી ફિલ્મોના ચાહકો અને ટીકાકારો પણ ફિલ્મ જોવાની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. ફિલ્મ રિલીઝ થઈ એ અગાઉ આયોજિત પ્રીમિયરમાં દર્શકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. શો પૂરો થયા બાદ થિયેટરની લોબીમાં સૌથી વધુ શબ્દ સંભળાયો હોય તો એ છે અદભુત.
મુંબઈમાં આયોજિત પ્રીમિયરમાં આમંત્રણ હોવા છતાં સંજોગવશાત ફિલ્મ જોવા જઈ ન શક્યો એ મારૂં કમનસીબ. પણ એના પ્રાયશ્ચિતરૂપે સપરિવાર ફિલ્મ જોવાની વણમાગી સલાહ તમામ મિત્રોએ આપી. તમામની સલાહ સર આંખો પર.
ફિલ્મ વિશેનો અભિપ્રાય તો જોયા વગર આપી શકાય નહીં, પણ ફિલ્મી ઍક્શનના વાચકો માટે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા દકેટલાક દિગ્ગજોના પ્રતિભાવ ખાસ તેમની પરવાનગી સાથે અત્રે પ્રસ્તુત કર્યા છે. આશા છે સર્વેને પસંદ પડશે.
હેલ્લારોના બધ્ધેબધ્ધા ડિપાર્ટમેન્ટે સુપર્બ પર્ફોર્મન્સ આપ્યું છે
તમને ક્યારેય એવું થયું છે કે તમે આમ દર્શક તરીકે કોઈ ફિલ્મ જોવા બેસો ત્યારે જાણે બૉર્ડની એક્ઝામ આપવા બેઠા હો એવું ફીલ થાય? ગઈ કાલે અમદાવાદમાં ‘હેલ્લારો’ના પ્રીમિયર વખતે મને એક્ઝેક્ટલી એવું જ થયું. આદર્શ રીતે કોઈ પણ ફિલ્મ ખુલ્લા મન સાથે, કોઈ પણ જાતની પૂર્વધારણા બાંધ્યા વગર જોવા બેસવાનું હોય, પણ ફ્રેન્કલી, ‘હેલ્લારો’ના કેસમાં એવું ન બન્યું. આ ફિલ્મને ગમાડવાનો નહીં, ભયંકર ગમાડવાનો મૂડ, અથવા કહો કે અપેક્ષા, પહેલેથી બની ગયાં હતાં. બહુ કોશિશ કરવા છતાં તે માઇન્ડસેટમાંથી છૂટી શકાતું નહોતું. પેલા બૉર્ડના પરીક્ષાર્થી જેવી ફીલિંગનું કારણ આ જ.
…અને – આહા! – ‘હેલ્લારો’ ગમી. અતીશય ગમી. થેન્ક ગૉડ! સાચ્ચે, અપેક્ષા સંતોષાવા જેવો આનંદ બીજો એકેય નથી.
‘હેલ્લારો’ જ્યારે તમામ ભારતીય ભાષાઓની બધ્ધેબધ્ધી ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ ઘોષિત થઈ ત્યારે થયું હતું કે આ ફિલ્મનો અસલી હીરો રાઇટર-ડિરેક્ટર હોવાના નાતે અભિષેક શાહ જ હોયને. ટ્રેલર રિલીઝ થયું ત્યારે થયું કે ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર મેહુલ સુરતી અને કોરિયોગ્રાફર બેલડી સમીર તન્ના-અર્શ તન્ના કદાચ આ ફિલ્મનાં હીરો સાબિત થશે. ફિલ્મ શરૂ થઈ અને જેમ જેમ આગળ વધતી ગઈ તેમ થયું કે આ નાયિકાઓ ફિલ્મના અસલી હીરો છે. સ્ક્રીન પર સરસ રીતે લિટ-અપ થયેલા મસ્ત મજાનાં વિઝ્યુઅલ્સ અને કમ્પોઝિશન્સ જોઈને થાય કે ફિલ્મના સિનેમેટોગ્રાફર પણ કોઈથી કમ નથી. ટૂંકમાં, જેમ જેમ ફિલ્મ જોવાતી જાય તેમ તેમ સમજાતું જાય કે ‘હેલ્લારો’નું આ કે તે એવું કોઈ એકલદોકલ પાસું સ્ટ્રોંગ નથી, પણ ફિલ્મના બધ્ધેબધ્ધા ડિપાર્ટમેન્ટે સુપર્બ પર્ફોર્મન્સ આપ્યું છે. અભિનંદન, અભિષક શાહ, એક સશક્ત સેનાપતિ બનીને આવડા મોટા લશ્કર પાસેથી આટલું સરસ કામ લેવા બદલ.
આ ફિલ્મમાં ડિરેક્ટર અને ટેક્નિશિયન્સથી લઈને એક્ટર્સ સુધીનું કોઈ ક્યાંય છાકો પાડી દેવાનું કોશિશ કરતું નથી. બધા સતત સિન્સિયર છે, સંયમિત છે, સૂરમાં છે. ટ્રેલર જોઈને અમુક પ્રશ્નો મનમાં જાગ્યા હતા તે ફિલ્મ જોતી વખતે આપોઆપ ઓગળી જાય છે. સૌમ્ય જોશીના અમુક ડાયલોગ્ઝ તો સનનન કરતાં તીરની જેમ લક્ષ્યવેધ કરે છે. ફિલ્મનો ક્લાઇમેક્સ તો ગજબનો છે. જે મૂળ વાર્તા પરથી પ્રેરણા લેવાઈ છે એનો અંત લેખક-ડિરેક્ટરે બહુ સ્માર્ટલી મોડિફાય કર્યો છે.
એક મિનિટ. ‘હેલ્લારો’ની અભિનેત્રી બહેનો ભલે સાગમટે નેશનલ અવૉર્ડ તાણી ગઈ, પણ ફિલ્મના ભાઈલોગને જરાય અન્ડરએસ્ટિમેટ ન કરતા. જયેશ મોરે, આર્જવ ત્રિવેદી, મૌલિક નાયક અને અન્ય કલાકારોએ કેટલું સરસ કામ કર્યું છે. જયેશ મોરે તો એક શબ્દ બોલ્યા વગર માત્ર મૌનથી ધારી અસર ઊપજાવી શકે છે. એમનો અને બીજા સૌનો મેકઅપ બહુ જ અસરકારક છે.
‘હેલ્લારો’માં એક પ્રકારની ટાઇમલેસ ક્વૉલિટી છે. આ ફિલ્મ પાંચ-દસ-પંદર-પચ્ચીસ વર્ષ પછી પણ આપણને જોવી ગમશે. ‘લગાન’માં જેમ ઢગલાબંધ પાત્રો હતાં અને બધ્ધેબધ્ધાં આપણને ઇન્ડિવિજ્યુઅલી યાદ રહી ગયાં છે સાવ એવું તો નહીં, પણ ‘હેલ્લારો’ની કમસે કમ છથી સાત નાયિકાઓ અને લગભગ બધાં મુખ્ય પુરુષપાત્રો સરસ ઊપસ્યાં છે.
‘હેલ્લારો’ જોઈને સંતોષ-સંતોષ થઈ જાય છે. હૈયે સૉલિડ ટાઢક થાય છે. આ ફિલ્મ ચાલવી નહીં, દોડવી જોઈએ. મહારાષ્ટ્રની પ્રજાએ ‘સૈરાટ’ને ખભે ઊંચકીને તેને મરાઠી સિનેમાની પહેલી 100-કરોડ ફિલ્મ બનાવી દીધી હતી. ગુજરાતી ફિલ્મનો વ્યક્તિગત બિઝનેસ 75 કરોડ સુધી તો પહોંચી ગયો છે (‘ચાલ જીવી લઈએ’). ‘હેલ્લારો’માં 100 કરોડ ફિલ્મ બનવાનું ભરપૂર કૌવત છે.
‘હેલ્લારો’ જોઈને દૂધમાંથી પોરાં કાઢવાની કે ખોટા ક્રિટિકવેડા કરવાની જરૂર નથી. ‘હેલ્લારો’ જોવાય કે નહીં એવો ડમ્બ ક્વેશ્ચન ક્યારેય કોઈને ભુલેચુકેય નહીં પૂછવાનો. ‘હેલ્લારો’ જોવાની. મારું માનો તો એટલીસ્ટ બે વાર.
લેખક-કટારલેખક : શિશિર રામાવત
********************
હેલ્લારો ગુજરાતી સિનેમાનાં ઇતિહાસનું એક સુવર્ણ અક્ષરે લખાયેલું પ્રકરણ
Hellaro…. લાગણીઓ નું આ મોજું એવું વાગ્યું છે કે અભિવ્યક્ત કરવાના શબ્દો ય ભીનાં થઈને ક્યાંક તણાઈ ગયા છે…. બસ એટલું જ કહીશ આ ફિલ્મ એક ઉત્સવ મનાવતા હોય એમ કુટુંબ સાથે જોજો….. આ ફિલ્મ ગુજરાતી સિનેમાનાં ઇતિહાસનું એક સુવર્ણ અક્ષરે લખાયેલું પ્રકરણ થવાનું છે એનો આનંદ ને ગૌરવ બંને…. ખૂબ અંગત એવા સૌ કલાકાર, કસબીઓ ને ખૂબ વ્હાલ…Big thank you to producers of this gujarati film for supporting such content
ગુજરાતી ફિલ્મોના જાણીતા નિર્માતા-દિગ્દર્શક : સંદીપ પટેલ
********************
ગુજરાતમાં “હેલ્લારો” નામનું “મહા” વાવાઝોડું ત્રાટકી ચુક્યું છે…
અભિષેક શાહ અને પ્રતિક ગુપ્તાએ સંયુક્ત રીતે Develop કરેલી વાર્તા અને વાર્તાને અનુરૂપ સૌમ્ય જોષીનાં ગીતો, ગીતને અનુરૂપ મેહુલ સુરતીની સ્વરરચના ગુજરાતી ચિત્રપટમા એક નવી જ કેડી કંડારી રહેલી ફિલ્મ ” હેલ્લારો” માટે, Captain of The Ship અભિષેક શાહ માટે Three Cheeeeeeers..
કચ્છના સુક્કા ભઠ્ઠ રણમાં કલાત્મક કપડાં, સેટ, પ્રોપર્ટીથી આંખને ઠંડક આપનારી આ ફિલ્મનું મારી દ્રષ્ટિએ સૌથી મોટું જમા પાસું છે ફિલ્મનું કેમેરા વર્ક… ક્યા બાત હે… એને માટે અભિનંદન આપવા જ પડે… ત્રિભોવન બાબુ
ફિલ્મનું બીજું જમા પાસું છે ફિલ્મની કૉરિયોગ્રાફી… “હમ દિલ દે ચુકે સનમ”ના ઢોલી તારો ઢોલમાં સલમાન/ઐશ્ર્વર્યા માટે અને “રામલીલા”ના નગાડા ગીતમાં દીપિકા માટે અદભુત કૉરિયોગ્રાફી કરનાર સમીર અને અર્શ તન્નાનું નૃત્ય દિગ્દર્શન પણ આ ફિલ્મમાં ચાર ચાંદ લગાવે છે.
ફિલ્મનુ ત્રીજું જમા પાસું છે એના કૉસ્ચ્યુમ. કચ્છની ધરતીને પણ ગર્વ થાય તે પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યા છે..
પ્રાદેશિક ભાષાઓમાં શ્રેષ્ઠ ફિલ્મ સહીત ૧૩ અભિનેત્રીઓ માટે ખાસ રાષ્ટ્રીય સન્માન મેળવેલી અને કચ્છના બેકડ્રોપ પર તૈયાર થયેલી આયુષ પટેલ, અભિષેક શાહ, મીત જાની તથા પ્રતીક ગુપ્તા નિર્મિત ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”માં નિલમ પંચાલ, શ્રદ્ધા ડાંગર, તેજલ પંચાસરા, તર્જની બધલા, ડેનીશા ગુમરા, જાગૃતી ઠાકોર, કૌશાબી ભટ્ટ, સચી જોષી, રિદ્ધિ યાદવ, એક્તા બચવાની, બ્રિન્દા ત્રિવેદી, કામિની પંચાલ, જયેશ મોરે, આર્જવ ત્રિવેદી, મૌલિક જગદીશ નાયક, શૈલેષ પ્રજાપતિ, આકાશ ઝાલા, રાજન ઠકકર, કિશન ગઢવી, કમલેશ પરમાર, નિલેશ પરમાર, કુલદીપ શુક્લ જેવા અનેક દિગ્ગજોએ અભિનય કર્યો છે.
ચીલા ચાલુ વિષયોથી હટકે એક નવા જ વિષય સાથે ફિલ્મ બનાવીને દિગ્દર્શક અભિષેક શાહે ગુજરાતી ફિલ્મ સારી નથી બનતી તેવું મહેણું ભાંગ્યું છે..
આટલી સારી ફિલ્મ જોવા થિયેટર સુધી પ્રેક્ષકોએ જવું જ રહ્યું. હેલ્લારો અગાઉના તમામ રેકોર્ડ તોડે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ..
સિક્સર : આ ફિલ્મને નેશનલ ઍવોર્ડ મળ્યો નથી.. પરંતુ જ્યુરીને આપવા મજબુર થવું પડ્યું છે.
તિહાઈ કલ્ચરલ ગ્રુપના સ્થાપક : અભિલાષ ઘોડા
********************
“પરફેક્ટ” નો ગુજરાતી અનુવાદ એટલે “હેલ્લારો”
નેશનલ ઍવોર્ડ વિજેતા હેલ્લારો ફિલ્મનાં પ્રીમિયરનું આમંત્રણ મળ્યું ત્યારથી ઉત્સુકતા હતી..કે કંઈક નોખું-અનોખું જોવા મળશે જ… ફિલ્મ જોઈ… દરેકના મોઢે એક જ શબ્દ હતો “વાહ” ક્યા બાત હૈ…
હેલ્લારો..અદભુત… અદભુત…અદભુત… નખશીખ ગુજરાતી સંસ્કૃતિથી રંગાયેલી એક “સંપૂર્ણ” ફિલ્મ.
ફિલ્મનાં દરેકે દરેક પાસા, એક એક ફ્રેમ માટે દિગ્દર્શકે માવજત અને મહેનતના સોઈદોરાથી ઝીણવટ ભર્યું કચ્છી ભરતકામ કર્યું હોય એવી ચીવટ. વાર્તા, દિગ્દર્શન, લેખન, સંવાદ, ગીત, સંગીત, કૉરિયોગ્રાફી , પ્રકાશ, લોકેશન અને દરેકે દરેક કલાકાર… હેટ્સ ઓફ.
ગુજરાતી હોવાનો તો ગર્વ ખરો જ પણ ગુજરાતી ફિલ્મ જોવાનો પણ ગર્વ દરેકના મોઢે દેખાયો.
માત્ર મુંબઈમાં રહેતા જ નહીં, પણ દુનિયાના દરેક ખૂણે રહેતા ગુજરાતીએ જોવા જેવી ફિલ્મ.
આભાર જાગૃતિ ઠાકોરનો જેમણે મને આમંત્રણ આપ્યું. દરેક કલાકારના નામ તો નથી ખબર પણ જેમને હું ઓળખું છું એવા રજત કમલ વિજેતા નીલમ પંચાલને પણ ખૂબ ખૂબ અભિનંદનસમગ્ર હેલ્લારો ટીમ ને..શત શત અભિનંદન..
દરેકે દરેક ગુજરાતીએ જોવા જેવી..અને જોઈને ગર્વ લેવા જેવી ફિલ્મ…”હેલ્લારો”
ગુજરાતી-હિન્દી ફિલ્મ, સિરિયલોના જાણીતા લેખક-દિગ્દર્શક : અશોક ઉપાધ્યાય
********************
દાદ માંગી લે એટલું પર્ફેક્શન અને ડિટેઇલિંગ હેલ્લારોને અલગ તારવે છે
નેશનલ ઍવોર્ડ વિનિંગ ગુજરાતી ફિલ્મ હેલ્લારોના પ્રીમિયરમાં આમંત્રણ હોવા છતાં જઈ ન શક્યો. પણ પહેલા દિવસે પહેલા જ શોમાં પરિવાર સાથે ફિલ્મ જોઈ અને શબ્દો સરી પડ્યા… Incredibly wonderful film “Hellaro”…..!!!
આ ફિલ્મના બધા જ પાસાં એક પર્ફેક્ટ નેશનલ ઍવોર્ડ ફિલ્મ માટે ગૂંથાયેલા છે. કદાચ મેકર્સને પણ આઇડિયા નહીં હોય કે એમની આ કોશિશિ શું રંગ લાવશે, જે હંમેશ દરેક મેકર્સની સાથે થતું જ હોય છે. પણ દાદ માંગી લે એટલું પર્ફેક્શન અને ડિટેઇલિંગ આ ફિલ્મની બીજી તમામ ગુજરાતી ફિલ્મો કરતા અલગ તારવે છે.
કેમેરાની સામેના માર્મિક અભિનયથી શરૂઆત કરીએ તો એક એવો એક્ટર નહીં હોય જે આ ફિલ્મમાં ઓવર ધ ટૉપ પર્ફોર્મ કરી ગયો હોય. સુંદર વેશભૂષા, સો કરતા વધુ માર્ક્સ સિનેમેટોગ્રાફી-મ્યુઝિક અને પટકથા માટે. એક સક્સેસફુલ અને સુંદર ફિલ્મ માટે જરૂરી બધું જ… ઉપરાંત અભિષેક શાહનું દિગ્દર્શન અને સૌમ્ય જોશીનાં ગીતો, બાળ કળાકારથી લઈને સ્વાતિ દવે અને શૈલેશ પ્રજાપતિ જેવા વેટરન્સ અને શ્રદ્ધા ડાંગર, નીલમ પંચાલ, જયેશ મોરે અને ખાસ ઉલ્લેખ મૌલિક નાયકનો ચબરાકિયો અભિનય. મેહુલ સુરતીનું કર્ણપ્રિય સંગીત, પ્રતિક ગુપ્તાનું સુંદર એડિટિંગ અને તન્નાઝ દ્વારા એક્સલન્ટ ડાન્સ કૉરિયોગ્રાફી… વારંવાર સાંભળવા ગમે એવાં તમામ ગાયકોનાં ગીતો. એક સુંદર ગુજરાતી ફિલ્મ હેલ્લારો.
Congratulations to the whole cast and crew and also to the entire gujarati fraternity for this prestige.
હિન્દી-ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર : સચિન પરીખ
********************
હેલ્લારો! ફિલ્મ નહીં feel છે feel
આપણી ભાષામાં બનેલી એક એવી ફિલ્મ જે જોયા બાદ અંતર એવું વલોવાઈ જાય કે તમે અંદરથી શાંત થઇ ગયા છો કે સ્તબ્ધ એ સમજાય જ નહીં. તમારા 33 કરોડ રૂવાડાઓ અને એની સાથે જોડાયેલી અને દરેક અનુભૂતિઓને જાગ્રત કરી જાય એવી ફિલ્મ. તમને આખેઆખા અસરગ્રસ્ત કરી જાય એવી ફિલ્મ એવું કહેવું સહેજ પણ વધારે પડતું નથી આ ફિલ્મ માટે. એના દરેકે દરેક પાસાં વિશે નોખું લખીને, એના તાર-તાર છૂટા કરીને કહેવાને બદલે એવું જ કહીશ અહીં બધું જ સંપૂર્ણ છે; ના બધું જ અતિપૂર્ણ છે આ ફિલ્મમાં. આ વર્ષનો ભારતની તમામ ભાષાઓમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ હેલ્લારોને મળ્યો એ સર્વથા ઉચિત છે અને ન મળ્યો હોય તો આવું કેમ ન થયું એવા અનેક પ્રશ્નો મનમાં ચોક્કસપણે ઉદ્ભવ્યા હોત. આ આખી ફિલ્મની દરેકે દરેક ક્ષણમાં ગુજરાતીપણું છલકાય છે, આ ફિલ્મ નહીં, અનુભૂતિ છે. ભાઈ અભિષેક શાહ અને આ ફિલ્મ સાથે જોડાયેલ સૌ કોઈ લોકોને અભિનંદન નહીં કહું પણ થેન્ક્યુ કહીશ. જો તમે મનપૂર્વક, તનપૂર્વક અને વતનપૂર્વક ગુજરાતી હો તો આ ફિલ્મ એકથી વધુ વાર જોઈ આવજો અને નઈ જુઓ તો ચિત્રગુપ્તના ચોપડે તમારું એક સત્કર્મ બાકી રહી જશે એવું મારું અંગતપણે માનવું છે. આ ફિલ્મને વિશ્વભરના લોકોએ વખાણી છે તો આવો સૌ ગુજરાતીઓ આપણે સાથે મળીને હેલ્લારોને વધાવીએ. આપણી ગુજરાતી પ્રજાને મારી નમ્ર અરજ છે કે, આપણી પોતાની એટલે સાવ પોતાની કહી શકાય એવી આ ફિલ્મને થિયેટરો ભરી ભરીને છલકાવીએ.હેલ્લારો જેવી ફિલ્મને જો કોમર્શિયલ સુપરહિટ સાબિત ન કરી બતાવીએ તો આપણે વેપારી પ્રજા તરીકે ક્યાંકને ક્યાંક નિષ્ફળ ગયા છીએ એવું તો ભવિષ્યની પેઢીઓ ચોક્કસ કહેશે જ.
જાણીતા પત્રકાર-લેખક : સંજય ત્રિવેદી