હેલ્લારોમાં રૂડીનું પાત્ર ભજવનાર જાગૃતિ ઠાકોરે

ફિલ્મની રિલીઝ પૂર્વે હેલ્લારોની પ્રી-શૂટિંગથી લઈ

નેશનલ ઍવોર્ડ મળ્યો ત્યાં સુધીની

મજેદાર વાતો ફિલ્મી ઍક્શન સાથે શેર કરી હતી.

કેન્દ્રિય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જેવી ૨૦૧૯ના નેશનલ ઍવોર્ડની જાહેરાત કરી કે સમગ્ર ગુજરાતમાં ખુશીનો હેલ્લારો (ધસમસતુ મોજું) ફરી વળ્યો. અને કેમ ન હોય, નેશનલ ઍવોર્ડની શરૂઆત થયા બાદ હેલ્લારો પહેલી ગુજરાતી ફિલ્મ છે જેને જ્યુરીએ એક મતે નેશનલ ઍવોર્ડ માટે લાયક ગણી. એટલું જ નહીં, ફિલ્મમાં કામ કરતી તમામ ૧૩ અભિનેત્રીઓને પણ સ્પેશિયલ જ્યુરી ઍવોર્ડ આપવાની જાહેરાત કરી. નેશનલ ઍવોર્ડની જાહેરાત બાદ જો ગુજરાત આખું હિલોળે ચડતું હોય તો આ ઍવોર્ડ મેળવનારના હૈયાની તો વાત જ શું કરવી?

રાષ્ટ્રીય પુરષ્કાર મળ્યાના સમાચાર વાંચ્યા ને મારૂં દિમાગ બહેર મારી ગયું. સાવ શૂન્યમનસ્ક બની ગઈ. ખુશીઓનો પાર નહોતો, ચીસો પાડી બધાને ઍવોર્ડ મળ્યાની જાણ કરવી હતી, પણ અવાજ જ નીકળતો નહોતો. થોડી ક્ષણો બાદ હોશ આવ્યો અને પલંગ પરથી જોરમાં કુદકો માર્યો અને અમે જીતી ગયાની બૂમો પાડતી પતિને વળગી પડી. વાત બધે ફેલાઈ ગઈ અને અભિનંદન-શુભેચ્છાઓના ફોન-મેસેજ આવવા લાગ્યા. અમારા માટે તો આ અવિસ્મરણીય દિવસ બની રહ્યો.

૯ ઓગસ્ટ ૨૦૧૯ની યાદ તાજી કરતા હેલ્લારો ફિલ્મના એક અભિનેત્રી જાગૃતિ ઠાકોરે ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે એ દિવસે બપોરે હું રાજેશ ખન્નાની ફિલ્મ આનંદ જોતી હતી એટલે ફોન સાયલન્ટ પર હતો. બ્રેક દરમ્યાન ફોન ચેક કર્યો તો હેલ્લારો ગ્રુપ પર ૭૦-૮૦ મેસેજ જોઈ નવાઈ લાગી. જોયું તો ફિલ્મને નેશનલ ઍવોર્ડ મળ્યો હોવાના મેસેજ હતા. હું એટલી અવાક્ બની ગઈ કે ફાલ્ગુનને ફોન બતાવતી રહી પણ અવાજ નીકળતો નહોતો. જેવી હોશમાં આવી એટલે કુદીને ફાલ્ગુનને વળગી પડી અને નેશનલ ઍવોર્ડ મળ્યો હોવાનું જણાવ્યું.

બે હિન્દી, એક હૉલિવુડ મળીને વીસ ફિલ્મો, ૨૪ ટીવી સિરિયલ્સ, ૪૬ નાટકોના ૮૫૦ શોઝ, ૧૦ રેડિયો નાટક, ૪૨ ઍડ ફિલ્મ્સ, ડૉક્યુમેન્ટ્રીઝ, શોર્ટ ફિલ્મ્સમાં અભિનય ઉપરાંત ૧૮ નાટકો, ૭ ટીવી સિરિયલ, ડૉક્યુમેન્ટ્રી ટેલી ફિલ્મનું દિગ્દર્શન કરી ચુકેલી આ પીઢ  અભિનેત્રીએ હેલ્લારોની અથથી ઇતિ જણાવતા કહ્યું કે, અભિષેક શાહ કાસ્ટિંગ ડિરેક્ટર પણ હોવાથી એને ફિલ્મના ચોક્કસ પાત્ર માટે ક્યા કલાકારની પસંદગી કરવી એનું પર્ફેક્ટ નોલેજ છે. ઉપરાંત કલાકાર જે-તે પાત્રને ન્યાય આપી શકે એ માટે ખાસ આયોજન પણ કર્યું હતું. ફિલ્મનું કથાનક ૧૯૭૫ના કચ્છનું હોવાથી દરેક કલાકારને કચ્છ લઈ જવાયા જેથી સ્થાનિક મહિલાઓનું નિરીક્ષણ કરી શકે. ઉપરાંત અમારી પાસે માથે ઘડા મુકી ચાલવાની, રણમાં રેતીની વચ્ચે સ્થાનિક લોકો પહેરે એવા ચણિયા-ચોળી સાથે ગરબા રમવાની પ્રેક્ટિસ પણ કરાવડાવી. જ્યારે અભિષેકને લાગ્યું કે બધા કલાકાર પાત્રમાં ઢળી ચુક્યા છે ત્યારે ફિલ્મનું અસલી શૂટિંગ શરૂ થયું.

શૂટિંગ દરમ્યાન અમારે બધાએ અઢી-ત્રણ વાગ્યામાં લોકેશન પર પહોંચી જવાનું. શરીરે છુંદણા છુંદાવવાના, મેકઅપ અને ડ્રેસ વગેરેમાં ત્રણેક કલાકનો સમય નીકળી જતો. શૂટિંગ કરવું પણ આસાન નહોતું કારણ નવ-દસ વાગ્યામાં જ ગરમીનો પારો ૩૫-૪૦ની ઉપર પહોંચી જાય. બળબળતી રેતીમાં પણ ઉઘાડા પગે શૂટિંગ કરવું પડતું. પગમાં છાલા પડી જતાં. આમ છતાં તમામ કલાકારો ફરિયાદ કર્યા વગર દિલથી કામ કરી રહ્યા હતા.આવી પરિસ્થિતિમાં અમે ૩૨ દિવસ શૂટિંગ કર્યું.

તમારા રૂડી પાત્ર વિશે…

હેલ્લારોની ૧૩ મુખ્ય મહિલા પાત્રોમાંની એક રૂડી મધ્યમ ઉંમરની છે અને ગામના રીતિરિવાજોથી ટેવાયેલી છે. થોડો ગ્રે શેડ ધરાવતી રૂડીને એના જીવનથી કોઈ ફરિયાદ નહોતી. પણ ગામમાં નવી વહુ આવે છે અને પરિવર્તનનો દોર શરૂ થાય છે. રૂડીનો પણ ધરબાયેલો આક્રોશ બહાર આવે છે. આ મહિલાઓના આક્રોશ, કંઇક પરિવર્તન લાવવાની પ્રક્રિયા એટલે ગુજરાતી ફિલ્મ હેલ્લારો. અને બધા જાણે છે એમ આ સત્યઘટનાત્મક ફિલ્મ છે.

અભિનય કારકિર્દી અંગે જણાવતા જાગૃતિ ઠાકોર કહે છે કે મારા લોહીમાં જ અભિનય રહેલો છે. કારણ, મારાં મમ્મીનાં માસી મોતીબાઈ ભાંગવાડીના લેજન્ડરી કલાકાર. ઘરમાં પણ અભિનય પ્રત્યે છોછ નહોતો. મારા પતિ ફાલ્ગુભાઈ ઠાકોર પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જ સંકળાયેલા છે. તેઓ ફિલ્મો-સિરિયલ અને નાટકોના પ્રોડક્શન ડિઝાઇનર તરીકે જાણીતા છે. કૉલેજકાળ દરમ્યાન પહેલાં જ નાટકમાં ૧૯ વરસની ઉંમરે સિત્તેર વરસની વૃદ્ધાની ભૂમિકા ભજવી બધાને ચોંકાવી દીધા હતા. મારૂં પોતાનું સૈયર નામનું ગરબાનું ગ્રુપ હતું જેના અંતર્ગત ૮૦૦ જેટલા શો કર્યા હતા.

અંતે જાગૃતિ ઠાકોરે જણાવ્યું કે આજની યુવા પેઢીના સર્જકોમાં ધીરજની સાથે કંઇક કરી બતાવવાની ધગશને કારણે જ આવી સારી ફિલ્મ બની શકે છે. ફિલ્મના સર્જકો-કલાકાર-કસબીથી લઈ સ્પૉટ બૉય સુધીના તમામ લોકોના સહિયારા પ્રયાસને કારણે જ ફિલ્મ આ ઉંચાઈ સુધી પહોંચી શકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here