કોકિલકંઠી ગાયિકા લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી બપોરે બ્રીચ કૅન્ડી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરાયાં છે. હોસ્પિટલના સૂત્રએ આ જાણકારી આપી હતી. ૨૮ સપ્ટેમ્બરે ૯૦મો જન્મદિવસ ઉજવનાર ગાયિકાની સ્થિતિ ગંભીર હોવાનું હોસ્પિટલે જણાવ્યું હતું. હોસ્પિટલના એક સૂત્રએ ન્યુઝ એજન્સીને કહ્યું કે, લતા મંગેશકરને બપોરે બે વાગ્યે હોસ્પિટલમાં લવાયાં હતાં. તેમની હાલત ગંભીર છે અને આઇસીયુમાં છે. લતા મંગેશકરની ભત્રિજી રચના શાહે કહ્યું કે તેમની તબિયત સુધારા પર છે. એ સાથે ઉમેર્યું હતું કે તેમને વાયરલ ઇન્ફેક્શન થયું છે અને તબિયત સુધરી રહી છે. મળતી જાણકારી મુજબ આશા ભોસલે પણ હોસ્પિટલમાં પહોંચ્યાં હતાં.

માત્ર હિન્દી ભાષામાં હજારો ગીતોને અવાજ આપનાર લતા મંગેશકરને ૨૦૦૧માં દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરાયાં હતાં. આ વરસે લતાનું છેલ્લું ગીત સૌગંધ મુઝે ઇસ મિટ્ટી કી ૩૦ માર્ચના રિલીઝ થયું હતું. તેમને ૧૯૮૯માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપીને પણ સન્માનિત કરાયાં હતાં.

ભારત રત્ન લતા મંગેશકરનો જન્મ ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૯ના મધ્યમવર્ગીય મરાઠી પરિવારમાં થયો હતો. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પંડિત દીનાનાથ મંગેશકરને ત્યાં જન્મેલી લતા મંગેશકરનું નામ હેમા રાખવામાં આવ્યું હતું પણ પાંચ વરસ બાદ માતા-પિતાએ લતા રાખ્યું હતું. પાંચ ભાઈ-બહેનમાં સૌથી મોટી લતાના ભાઈ-બહેનોમાં લતા બાદ મીના, આશા, ઉષા અને હૃદયનાથ છે જેઓ તમામ સંગીત દુનિયામાં ખ્યાતિ ધરાવે છે. આઠ દાયકાથી ભારતનો અવાજ બનેલી લતાએ ૩૦થી વધુ ભાષામાં હજારો ફિલ્મી અને ગેરફિલ્મી ગીતોને પોતાનો સૂરિલો અવાજ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here