જ્યારથી ગુજરાતી ફિલ્મ માટે ગામ, ગરબો અને ગોકીરો જેવી ટિપ્પણી થવા લાગી ત્યારથી ઢોલિવુડના નિર્માતાઓ દેશ-દુનિયામાં પ્રખ્યાત એવા આપણા ભાતીગળ ગરબાથી દૂર ભાગવા લાગ્યા. જોકે ગુજરાતીઓના લોહી સાથે વણાઈ ગયેલો ગરબો લાંબા અરસા બાદ દિયા… ધ વન્ડર ગર્લમાં જોવા મળશે. લાલિત્ય મુન્શો અને પાર્થિવ ગોહિલે ગાયેલા ઓઝિલ દલાલે લખેલાં ગરબાને સંગીતમાં મઢ્યો છે જતિન પ્રતિકે.

દિયા : ધ વન્ડર ગર્લ એક એવી બાળકીની વાત છે જેણે માત્ર નવ વરસની ઉંમરે અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કરી પોતાના લક્ષ્યને સાધ્યું હતું.

ફિલ્મના લેખક-દિગ્દર્શક સુરેશ બિશ્નોઈના જણાવ્યા મુજબ, સબ જુનિયર માર્શલ આર્ટ ગૉલ્ડ વિજેતા દિયાને જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં ગંભીર ઇજા પામ્યા બાદ એના માતા-પિતાએ માર્શલ આર્ટની તાલીમ બંધ કરાવી દીધી. પરંતુ દિયાના લોહીમાં માર્શલ આર્ટ એવું વણાઈ ગયું હતું કે એણે કોઈ પણ ભોગે આ ફિલ્ડમાં આગળ વધવાનો નિર્ણય મનોમન લઈ લીધો. દિયાની તાલીમ બંધ કરાતા એના કૉચ મહેન્દ્ર પણ હતાશ થયા હતા. પરંતુ ગુરૂ-શિષ્યાની જોડીએ પરિવારજનોને મનાવવાના ભરપુર પ્રયાસો કર્યા અને આખરે તેમને સફળતા મળી અને દિયાની તાલીમ ફરી શરૂ થઈ.

ગંભીર ઇજાઓમાંથી બહાર આવેલી દિયાએ પણ આ મોકો એળે ન જાય એની કાળજી રાખવાની સાથે સખત પરિશ્રમ, એક પણ દિવસ ચુક્યા વિના સતત એક વરસ સુધી તાલીમ લેવાની સાથે કંઇક કરી બતાવવાની જીદને કારણે દિયા કોરિયન ટેક્વાન્ડોમાં સબ જુનિયર માર્શલ આર્ટમાં નેશનલ ચેમ્પિયન બની.

માર્શલ આર્ટની ફિલ્મમાં ગરબો સિચ્યુએશનને હિસાબે છે?ના જવાબમાં દિગ્દર્શકે જણાવ્યું કે ગરબો ફિલ્મનો અહમ હિસ્સો છે અને વાર્તાના પ્રવાહને એ આગળ લઈ જાય છે. ફિલ્મનું આ દૃશ્ય ઘણું મહત્ત્વનું છે અને અહીં ગીત-ગઝલ કે અન્ય રચનાને બદલે ગરબો એકદમ બંધબેસતો હોવાથી અમે ગરબો ફિલ્માવ્યો છે.

બ્રૅડી એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ બેનર હેઠળ બનેલી એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર દિનેશ સિંઘલની ફિલ્મ દિયા : ધ વન્ડર ગર્લના લેખક-દિગ્દર્શક છે સુરેશ બિશ્નોઈ. ફિલ્મના કલાકારો છે દિયા પટેલ, દિવ્યા દ્વિવેદી, ચંદ્રેશ કંસારા, સૂરજ વાધવા, ભૂમિકા જાની, હરીશ ડાગિયા, પ્રેમલ યાજ્ઞિક, સોનાલી નાણાવટી, શિવાની પાંડે, દેવ પટેલ અને કૃપા પંડ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here