સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો ઉત્તરાખંડ સાથે ગાઢ સંબંધ છે જે તેમને દર વરસે આ પહાડી રાજ્યમાં લઈ આવે છે. તેમનું કહેવું છે કે અહીંના વાતાવરણમાં તેમને શાંતિ મળે છે. લાખો પ્રશંસકોના માનીતા દક્ષિણના સ્ટાર રજનીકાંત તેમની દીકરી ઐશ્વર્યા સાથે ૠષિકેશ આવે છે.

તેઓ દયાનંદ આશ્રમમાં રહ્યા અને સાંજે ગંગા આરતીમાં પણ સામેલ થયા. એમણે પોતાના ગુરૂ દયાનંદની સમાધિ પર પણ પ્રાર્થના કરી. ત્યાર બાદ થોડો સમય તેમણે ધ્યાનમાં ગુજાર્યો. ગંગા કિનારે આવેલો દયાનંદ આશ્રમ વેદ અને સંસ્કૃતના અધ્યયનનું અનોખું કેન્દ્ર છે.

કેન્દ્ર અનોખું એટલા માટે પણ છે કે અહીં અધ્યયન અને પઠન અંગ્રેજીમાં થાય છે. અહીં શંકર ભગવાનને સમર્પિત શિવ મંદિર પણ છે. સંસ્કૃત અને વેદના પ્રસિદ્ધ વિદ્વાન સ્વામી દયાનંદ સરસ્વતીએ આ આશ્રમની સ્થાપના સાઇઠના દાયકામાં કરી હતી.

નામ જાહેર ન કરવાની શરતે આશ્રમના એક પદાધિકારીએ જણાવ્યું કે, રજનીકાંત ઘણી પવિત્ર વ્યક્તિ છે. તેઓ જ્યારે પણ અહીં આવે છે ત્યારે આશ્રમમાં જે ભોજન પીરસાતું હોય એ જ આરોગે છે. આશ્રમમાં થતી ગતિવિધિઓ અને કાર્યક્રમો અંગેની વિગતો જાણવા હંમેશ ઉત્સુક હોય છે.

સોમવારે સવારે રજનીકાંત અહીં ફરવા નીકળ્યા હતા અને પાછળથી દીકરી સાથે હેલિકૉપ્ટરમાં બદ્રિનાથ અને કેદારનાથ જવા રવાના થયા હતા. બંને મંદિરોમાં તેમણે પૂજા-અર્ચના કરી.

રજનીકાંતે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ એમની આગામી ફિલ્મ દરબાર માટે ભગવાન અને એમના ગુરૂના આશીર્વાદ લેવા આવ્યા હતા. તેમણે કહ્યું, અમે દરબારનું શૂટિંગ પૂરૂ કર્યું છે અને હું અહીંયા ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરવા આવ્યો છું.

ગયા વરસે તેમની ફિલ્મ રોબોટ ૨.૦ રિલીઝ થઈ ત્યારે આવ્યા હતા. સૂત્રના જણાવ્યા મુજબ રજનીકાંત છેલ્લા એક દાયકાથી ઉત્તરાખંડની નિયમીત મુલાકાતે આવતા હોય છે. તેમનું કહેવું છે કે અહીંના માહોલમાં શાંતિ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here