સોશિયલ મીડિયા પર ઍક્ટિવ અમિતાભ બચ્ચન ક્યારેક જૂની યાદોને વાગોળી લેતા હોય છે. મંગળવારે પણ બિગ બીએ તેમની સુપરહિટ ફિલ્મ મિ. નટવરલાલનો એક ફોટો શેર કર્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે ફોટામાં તત્કાલીન સુપરસ્ટાર સાથે ભાવિ સુપરસ્ટાર બેઠો છે.
ફોટોમાં ખુરસી પર બેસી કુતુહલતાપૂર્વક અમિતાભ બચ્ચન સમક્ષ તાકી રહેલા બાળકને કોઈ હિન્ટ ન આપે ત્યાં સુધી કોઈ ઓળખી પણ નહીં શકે. હકીકતમાં અમિતાભ બચ્ચન નટવરલાલનાં સુપરહિટ ગીત મેરે પાસ આઓની પ્રેક્ટિસ કરી રહ્યા છે. અમિતાભને ગાતા જોઇ એ બાળક અચંબિત થઈ જાય છે. હવે વધુ સસ્પેન્સ રાખ્યા વિના તમને જણાવી દઇએ કે ખુરશી પર બેઠેલું બાળક બીજું કોઈ નહીં પણ રિતિક રોશન છે. ફોટામાં અમિતાભ પાસે રિહર્સલ કરાવતા રિતિક રોશનના કાકા રાજેશ રોશન પણ નજરે પડે છે.
ફોટો સાથે અમિતાભે કેપ્શનમાં લખ્યું હતું, પહેલું ગીત જે મેં ગાયું… મેરે પાસ આઓ… મિસ્ટર નટવરલાલનું… સંગીતકાર રાજેશ રોશન સાથે સંગીતનું રિહર્સલ અને આ બધું જોઈ રહ્યો છે પલાઠીવાળીને ખુરસી પર બેઠેલો નાનકડો રિતિક રોશન.