લૉકડાઉન દરમ્યાન સમય કેવી રીતે પસાર કરવો એ પ્રશ્ન ઘણાને સતાવી રહ્યો હતો. સામાન્ય લોકો તો ઠીક, કલાકાર-કસબીઓ પણ શૂટિંગ બંધ થવાને કારણે ઘરે બેઠા હતા. જોકે કલાકાર-કસબીઓએ ઘરે બેસીને વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું શરૂ કર્યું. કેટરિના કૈફે વાસણ માંજતા અને ઝાડું પોતા કરતો તો કરીના કપૂર ઘરની સાફસફાઈ કરતી એનો વિડિયો અપલોડ કર્યા. જ્યારે આંગળીના વેઢે ગણાય એવા ક્રિએટિવ સર્જકોએ કોઈ મહત્ત્વના મુદ્દાને કેન્દ્રમાં રાખી શોર્ટ ફિલ્મ પણ બનાવી. આવા જ એક મહત્ત્વના વિષય કુદરત-નેચર પર ગુજરાતી-હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી કેયુરી શાહે દેશ-વિદેશના કલાકાર-કસબી-પ્રોફેશનલ્સને લઈ શોર્ટ ફિલ્મ નર્ચર નેચર બનાવી.

ફિલ્મ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો અને લૉકડાઉનના સમયમાં ફિલ્મનું શૂટિંગ કેવી રીતે કર્યું જેવી તમામ બાબતોની જાણકારી કેયુરી શાહે ફિલ્મી ઍક્શન સાથે શૅર કરી હતી.

કેયુરી જણાવે છે કે, ૨૨ માર્ચના જનતા કરફ્યુ બાદ ૨૪ માર્ચથી લૉકડાઉન શરૂ થતા ઘરની બહાર નીકળવાનો સવાલ જ ઊભો થતો નહોતો. ઘરે બેસીને કરવું શું? દરમ્યાન રસ્તા પર મોર, હરણ મોજથી ચાલતા હોય એવા વિડિયો મોબાઇલ પર વાયરલ થઈ રહ્યા હતા તો ટીવી ન્યુઝમાં આવતું કે દેશમાં હવાની હવા શુદ્ધ થઈ, ગંગા-જમુનાના પાણી કોઈ પણ પ્રકારના સફાઈ અભિયાન વગર શુદ્ધ થયાં. આ બધું જોઈ-વાંચીને વિચાર આવ્યો કે દસ-બાર દિવસમાં જો આવું પરિણામ જોવા મળતું હોય તો આ લૉકડાઉનને કારણે માનવજાતને કેટલો લાભ થયો કહેવાય. આ મુદ્દો મારા મગજમાં ઘર કરી ગયો અને હું એના પર વિચારવા લાગી. એ સાથે દરેક પ્રકારના પ્રદૂષણ ઓછા થાય અને લોકો સકારાત્મક વિચારે એવું કંઇક બનાવવાનું વિચાર્યું. બસ, આ જ વિચારને આગળ ધપાવ્યો અને અમારી શોર્ટ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી.

લેખનની સાથે તમારી શોર્ટ ફિલ્મનું દિગ્દર્શન પણ તમે કર્યું છે તો ડિરેક્શનનો કોઈ અનુભવ ખરો?

કૉલેજકાળ દરમ્યાન આરિફ કાજી નામના દિગ્દર્શક સાથે સહદિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ તમિલનાડુમાં રહેતી ત્યારે તમિલ ફિલ્મના એક અગ્રણી દિગ્દર્શકના સહાયક તરીકે કામ કર્યું હતું. મારા તમિલ અને અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વને કારણે સહાયક દિગ્દર્શકનું કામ કરવાનો મોકો મળ્યો હતો. આ અનુભવ મને મારી અભિનેત્રી તરીકેની કરિયરમાં ઘણો કામ આવ્યો. ઉપરાંત આ વરસે મેં એકપાત્રી નાટક ભજવ્યું જેનું લેખન અને દિગ્દર્શન પણ મેં જ કર્યું હતું.

તમારી શોર્ટ ફિલ્મ નેચરનો કન્સેપ્ટ શું છે?

ફિલ્મ દ્વારા અમે એક સામાજિક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. સરળ ભાષામાં કહું તો મા-બાપ આપણને ભણાવી-ગણાવી મોટા કરે, કરિયર માટે પણ વિચારે, સામાજિક જવાબદારી પણ નિભાવે છે. આ ફરજ બધા નિભાવતા હોય છે પણ આપણું જીવન કહી શકાય એવા નેચર-કુદરતની જાળવણીની જવાબદારી કોઈ લેતું નથી. અમે ફિલ્મના માધ્યમથી જણાવવાનો પ્રયાસ કર્યો છે કે જો વધતા જતા પ્રદૂષણને કારણે કુદરત કોપાયમાન થશે તો પૃથ્વીવાસીઓનું જીવવું દુષ્કર થઈ જશે.

તમે જણાવ્યું કે શોર્ટ ફિલ્મમાં લગભગ ૨૬ જેટલા દેશ-વિદેશના કલાકાર છે, તો તેમનો સંપર્ક કેવી રીતે થયો?

વાત જાણે એમ છે કે અલવર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મેં જજ તરીકે ફરજ બજાવી હતી. અહીં દેશ-વિદેશના અનેક કલાકાર-કસબીઓ ઉપિસ્થત રહ્યાં હતાં. ફિલ્મમાં તેમનો સહયોગ તો મળ્યો જ, ઉપરાંત અન્ય ફિલ્ડના નિષ્ણાતોએ કન્સેપ્ટ જાણ્યા બાદ સામે ચાલીને ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે અગાઉ કદી કેમેરા ફેસ કર્યો નહોતો છતાં મેં જેમ સમજાવ્યું એ પ્રમાણે મને શોટ આપ્યા. અમારી શોર્ટ ફિલ્મમાં ફિલ્મ-ટીવીના કલાકાર ઉપરાંત ગાયક, ડાન્સર, બિઝનેસ મેન, પત્રકાર, ફિઝિયોથેરાપિસ્ટ એન્જિનિયર, નવલકથાકાર, રાજકારણી, શિક્ષક જેવા વિવિધ ફિલ્ડના લોકો છે. જેઓ ભારત ઉપરાંત મલેશિયા, ઇજિપ્ત, ઓમાન, કેનેડા, યુએસ, યુકે, નેધરલેન્ડ, ઇટલી, ડેન્માર્ક જેવા દેશોમાં રહે છે.

લૉકડાઉન અમલમાં હોવા છતાં ફિલ્મનું શૂટિંગ કેવી રીતે કર્યું?

આજની લેટેસ્ટ ટેક્નોલૉજીનો અમે ઉપયોગ કર્યો છે. અમે બધાએ ઘરમાં રહીને જ શૂટિંગ કર્યું છે. મેં દરેકને સ્ક્રિપ્ટની સાથે તેમના કૉસ્ચ્યુમ, ડ્રેસના કલર સહિતની તમામ ઝીણી વિગતોની જાણકારી વૉટ્સઍપ દ્વારા આપી હતી. જેઓ ઘડાયેલા કલાકાર હતા તેમને વધુ સમજાવવાની જરૂર પડી નહોતી. પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નહોતા તેમને જરૂરી સૂચનો આપવા પડતા. જ્યારે પણ જરૂર પડી ત્યારે મેં વિડિયો કૉલ દ્વારા તેમને દૃશ્યો સમજાવ્યા હતા. ઉપરાંત વૉઇસ મેલથી ડાયલોગ ડિલિવરી કેમ કરવી એ સમજાવ્યું હતું. જોકે વિવિધ શહેરોમાં બધા રહેતા હોવા છતાં શૂટિંગ સરળતાથી પૂરૂં થયું હતું. ફિલ્મના તમામ કલાકારે જે રીતે સહકાર આપ્યો એ માટે હું તેમની આભારી છું.

શોર્ટ ફિલ્મ નર્ચર નેચર ક્યારે રિલીઝ કરી રહ્યા છો?

ફિલ્મનું ટ્રેલર અમે લૉન્ચ કર્યું અને એને ઘણો સુંદર પ્રતિસાદ મળ્યો. એક મહત્ત્વની વાત. અમે ફિલ્મ બે રીતે રિલીઝ કરશું. સૌપ્રથમ અમે સાડા પાંચ મિનિટની ફિલ્મ રિલીઝ કરશું અને ત્યાર બાદ ૧૫ મિનિટની ફિલ્મ રિલીઝ કરાશે. તમને થશે એક જ ફિલ્મનો સમયગાળો અલગ કેમ? તો એના બે કારણ છે. એક તો વધુમાં વધુ લોકો સુધી સંદેશ પહોંચાડી શકાય. અને બીજું, જે ફિલ્મ ફેસ્ટિવલમાં શોર્ટ ફિલ્મનો સમયગાળો પાંચ મિનિટનની આસપાસ હોય તો ત્યાં એન્ટ્રી મોકલી શકાય અને જ્યા પંદર મિનિટની ફિલ્મો સ્વીકારાતી હોય ત્યાં પણ ભાગ લઈ શકાય.

આટલા ધુરંધરો સાથે ફિલ્મ બનાવવાનું શક્ય કેવી રીતે બન્યું?

 હકીકતમાં હું બૉલિવુડ – ઢોલિવુડના કલાકારોને લઈ આ ફિલ્મ બનાવવા માંગતી હતી પરંતુ અલવર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને ધ હૅગ સિનેમા ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરતા અવનિશજીએ આગ્રહ કર્યો કે તમે મારી ટીમ સાથે ફિલ્મ બનાવો એટલે મેં કન્સેપ્ટમાં થોડો ફેરફાર કર્યો અને દેશ-વિદેશના કલાકાર-કસબીઓ સાથે ફિલ્મ બનાવી. તેમણે આપેલા પ્રોત્સાહનને કારણે હું વૈશ્વિક સ્તરની ફિલ્મ બનાવી શકી. એ માટે હું અવનિશ રાજવંશી અને સુનિતા રાજવંશીનો આભાર માનું છું.

Trailer link

https://youtu.be/wH0ro_W56P4

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here