કુદરતી આફત હોય કે દેશના વિકાસ કાર્યો, એનો જો કોઈ પહેલો ભોગ બનતું હોય તો એ છે ખેડૂત. કુદરતી આફત આવી હોય ત્યારે એ વરસે જ એને આર્થિક નુકસાની ભોગવવી પડે છે. પરંતુ જ્યારે વિકાસકાર્યો માટે એની જમીન હસ્તગત કરાતી હોય છે ત્યારે યોગ્ય વળતર કે પુનર્વસનના અભાવે જિંદગીભર બેહાલી ભોગવવી પડે છે. દેશના વિકાસ માટે રસ્તા, ઇન્ડસ્ટ્રી તથા મૂળભૂત સુવિધાઓ માટે જમીન હસ્તગત કરાય એ બરોબર, પરંતુ એનો કબજો સરકાર લે ત્યારે એ જમીનના માલિક એવા ખેડૂતને ભવિષ્યમાં કોઈ મુસીબત ન પડે એટલું વળતર સરકારે ચુકવવું જાઇએ.
જેમની જમીન હસ્તગત થઈ રહી હોય એવા ખેડૂતોની વ્યથાને રજૂ કરતી શોર્ટ ફિલ્મ સંભવતઃનું નિર્માણ અમદાવાદના યુવા સર્જક જિગ્નેશ પટેલ અને મિહિર ભટ્ટે ગૌરવ મદાન સાથે મળીને કર્યું છે. આ અગાઉ પણ જિગ્નેશ પટેલ ગુજરાતી-મરાઠી ફિલ્મનું નિર્માણ કરી ચુક્યા છે. મરાઠીમાં બનેલી સંભવતઃ (અંગ્રેજીમાં ફિલ્મનું ટાઇટલ છે પ્રોબેબ્લી) શોર્ટ ફિલ્મનો પ્રીમિયર ૨૫ મેના ઝી-૫ પર થવાનો છે.

ફિલ્મના કેન્દ્રમાં છે સરકાર દ્વારા હસ્તગત કરાતી જમીનનો મુદ્દો. હાઇ-વે બનાવવા સરકાર હજારો હેક્ટર જમીન હસ્તગત કરી રહી છે. જે ખેડૂતોની જમીનનો કબજો લેવાઈ રહ્યો છે એમાંના અમુક ખેડૂતો મૂક વિરોધ કરી રહ્યા છે તો કોઈ આત્મવિલોપન કરવાની ધમકી આપી રહ્યા છે. પરંતુ કથાનો નાયક એવો વિનોબા આત્યંતિક પગલું ભરવાનું નક્કી કરે છે. જોકે એ પોતે આત્મહત્યા કરવા માંગતો નથી પણ એના મનના એક ખૂણામાં બળવાની ભાવના જાગ્રત થઈ રહી હતી. શું એ બળવો પોકારે છે?

અમદાવાદ પિક્ચર્સ અને લાસ્ટ જૉકર પિક્ચર્સ દ્વારા નિર્મિત ગૌરવ મદાન લિખિત-દિગ્દર્શિત ૨૪ મિનિટની મરાઠી ભાષામાં બનેલી શોર્ટ ફિલ્મ મામી, કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, હ્યુમન રાઇટ્સ ફિલ્મ ફેસ્ટિવલ બાર્સેલોના-સ્પેન, સાંતા ક્રુઝ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ-આર્જેન્ટિના, નિકલ ઇિન્ડપેન્ડન્ટ ફિલ્મ ફેસ્ટિવલ-કેનેડા, જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ-દિલ્હી સહિત અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ છે અને વિવિધ શ્રેણીમાં અવૉર્ડ મેળવ્યા છે. ફિલ્મના કલાકારો છે ધનંજય સરદેશપાંડે, વિઠ્ઠલ કાળે, દેવેન્દ્ર ગાયકવાડ અને શ્વેતા કુલકર્ણી.