મીઠીબાઈ કૉલેજ માત્ર ગ્રેજ્યુએટ બનવાનું સ્થળ નથી આ એક એવી કૉલેજ છે જેણે ફિલ્મ અને નાટ્યક્ષેત્રે અનેક નામી કલાકાર-કસબીઓ પણ આપ્યા છે. કૉલેજના પ્રોફેસરે એક યુવાનને પણ કહ્યું કે તું ઍક્ટિંગ ફિલ્ડમાં નસીબ અજમાવ. પણ સરની વાત સિરિયસલી લે એ બીજા. પણ બહુ આગ્રહ થયો અને એક જગ્યાએ ઑડિશન આપવા મોકલ્યો અનં બંદો સિલેક્ટ થઈ ગયો. સિરિયલ હતી ક્રાઇમ પેટ્રોલ અને ત્રણ દિવસ કામ કરવાના જે પૈસા મળ્યા એ જોઈ ભાઈ ખુશ કારણ મિત્રો સાથે ગોવા જવાની ટ્રિપનો ખર્ચો નીકળી ગયો. ત્યારે સાહેબને થયું કે અભિનયનું ક્ષેત્ર પણ નામ સાથે દામ અપાવી શકે છે. અને આ ક્ષેત્રને જ કરિયર બનાવવાનું નક્કી કર્યું. શુક્રવારે જેની હીરો તરીકેની પહેલી ફિલ્મ ફેકબુક ધમાલ રિલીઝ થઈ રહી છે ત્યારે સોહમ શાહ નામના તરવરિયા અભિનેતાએ ફિલ્મી ઍક્શન સાથેની વાતચીત દરમ્યાન એની કરિયર સાથે ભાવિ યોજના અંગે દિલ ખોલીને વાત કરી હતી.

સોહમ કહે છે કે પહેલું ઑડિશન આપ્યું અને કામની સાથે દામ પણ મળતા મેં એન્ટરટેઇન્મેન્ટ ફિલ્ડમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું. સાચું કહું તો સ્કૂલ-કૉલેજમાં નાટકો કરતો હોવા છતાં કલાકાર બનવાનું વિચાર્યું નહોતી. મેં તો ફાઇનાન્સ ફિલ્ડમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતું અને ગ્રેજ્યુએશન બાદ સીએફપી કર્યું. પણ નિયતિએ મારા નસીબમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ લખી હશે. ક્રાઇમ પેટ્રોલ બાદ મેં સાવધાન ઇન્ડિયા શો કર્યો. પ્રિન્ટ અને ઍડ ફિલ્મો કર્યા બદા એક ગુજરાતી ફિલ્મની ઑફર આવી. મને થયું કે આપણી ગાડી દોડવા લાગી પણ કુદરતે એવી બ્રેક મારી કે પાછો ધરતી પર આવી ગયો પહેલી ફિલ્મ અડધેથી બંધ થઈ ગઈ. થોડો હતાશ થયો પણ નક્કી કર્યું ગમે તે ભોગે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારૂં આગવું સ્થાન મેળવી ને જ જંપીશ.

કામન તલાશ જારી હતી, પણ નસીબજોગે મને તુરંત બીજી ફિલ્મ મળી દિલ સે રોંગ નંબર. ફિલ્મનું શૂટિંગ લાંબો સમય ચાલ્યું. એ દરમ્યાન મને મનોજ પટેલે ફેકબુક ધમાલની ઑફર કરી. સ્ક્રિપ્ટ સાંભળ્યા બાદ મારે જે પાત્ર કરવું હતું એ આપવાની મનોજસર તૈયાર નહોતા. તેમને લાગ્યું કે હું કૉમેડી નહી કરી શકું. પણ હું પૂરી તૈયારી સાથે ગયો હતો અને મેં તેમને કૉમેડીના થોડા સીન ભજવી બતાવ્યા. તેમને પણ થયું કે આ છોકરો કંઇક કરી શકે એમ છે એટલે મારી પસંદગીની ભૂમિકા માટે હા પાડી.

હકીકતમાં ફેકબુક ધમાલ મારી બીજી ફિલ્મ છે પણ એ પહેલાં રિલીઝ થઈ રહી છે. જોકે રોંગ નંબર પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. એ સાથે મારી એક મરાઠી ફિલ્મનું પણ શૂટિંગ પૂરૂં થયું છે. મેં એક આલબમ દુનિયાથી બેખબર કર્યું છે જેણે યુટ્યુબ પર ધમાલ મચાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here