ગુજરાત 11 – ગુજરાતીની પહેલવહેલી સ્પોર્ટસ ફિલ્મ

બૉલિવુડમાં પોતાની અભિનય પ્રતિભાથી દર્શકોના દિલ જીતી લેનારી અભિનેત્રી ડેઝી શાહ ગુજરાતી ફિલ્મ ‘ગુજરાત 11’થી ઢોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. સલમાન ખાન સાથે રેસ-3માં ચમકેલી ડેઝી શાહનો ડાયલોગ – અવર બિઝનેસ ઇઝ અવર બિઝનેસ, નન ઓફ યોર બિઝનેસ આજે પણ દર્શકો ભૂલ્યા નથી.

જય હોની હીરોઇન હવે ચૉક એન્ડ ડસ્ટરના સર્જક જયંત ગિલાટરની ફિલ્મ કરી રહી છે. પહેલીવાર સર્જક-કલાકારની જોડી સાથે કામ કરી રહી છે. બૉલિવુડની સાથે ડેઝી પ્રાદેશિક ફિલ્મો પણ કરી રહી છે. કન્નડ ફિલ્મ બૉડીગાર્ડના જબરજસ્ત પર્ફોર્મન્સે દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો ડંકો વગાડ્યો. હવે વંદે માતરમ ફિલ્મથી ડેઝીએ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું છે. ગરવી ગુજરાતણ એવી ડેઝી શાહ ગુજરાતી ફિલ્મ “ગુજરાત 11”નો હિસ્સો બની છે. ફિલ્મની વાર્તા અભિનેત્રીને એટલી પસંદ પડી કે નેરેશન પત્યાના 45 મિનિટમાં જ એ ફિલ્મ કરવા તૈયાર થઈ ગઈ.

ગુજરાત 11માં ડેઝી ફૂટબોલ કૉચનું પાત્ર ભજવી રહી છે જે જુવેનાઇલ હોમ્સના બાળકોની ફૂટબોલ ટીમ બનાવે છે અને તેમને એક ઉંચાઇએ પહોંચાડે છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ સહિત ગુજરાતના વિવિધ લોકાલ્સ પર થશે.

ફિલ્મનું દિગ્દર્શન જયંત ગિલાટર કરી રહ્યા છે. તાજેતરમાં રિલીઝ થયેલી અને વિવેચકોએ જેને વખાણી હતી એ ચૉક એન્ડ ડસ્ટર અને નટસમ્રાટ (ગુજરાતી રીમેક)નું દિગ્દર્શન જયંત ગિલાટરે કર્યું હતું. જયંત ગિલાટરે તેમની નિર્માણ સંસ્થા જે.જે. ક્રિએશનની સ્થાપના કરી અને મરાઠી ફિલ્મ સદરક્ષણાય બનાવી જેને શ્રેષ્ઠ ફિલ્મ સહિત નવ ઍવોર્ડ મળ્યા હતા. જ્યારે તેમના દ્વારા નિર્મિત મરાઠી ફિલ્મ રણભૂમિને ચાર ઍવોર્ડ મળ્યા હતા.

ફિલ્મના કલાકારોની પસંદગી થઈ રહી છે. જોકે ફિલ્મનું શૂટિંગ 11 ફેબ્રુઆરીથી શરૂ કરવાનું પ્લાનિંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here