મલયાલમ અભિનેત્રી અને ગાયિકા નિત્યા મેનેન એમેઝોન પ્રાઇમની સાયકોલોજી થ્રિલર બ્રીથની બીજી સીઝનમાં અભિષેક બચ્ચન સાથે જોવા મળશે. બંને કલાકાર આ સિરીઝથી વેબ સિરીઝની દુનિયામાં ડેબ્યુ કરી રહ્યા છે.

સિરીઝ સાઇન કર્યા બાદ નિત્યાએ જણાવ્યું કે, બ્રીથ પહેલી ઓરિજિનલ ડિજિટલ સિરીઝ છે જે હું કરી રહી છું. સિરીઝ મારા માટે મહત્ત્વની છે કારણ એ મને અને મારા કામને દર્શાવવા માટેનું મોટું કેન્વાસ છે. એટલું જ નહીં, મારામાં રહેલા કલાકારને પણ સંતોષ મળે છે. એ સાથે નિત્યાએ ઉમેર્યું હતું કે, શો હાઇ સ્ટાન્ડર્ડની સાથે મોટા સ્કેલ પર બનાવાઈ રહ્યો છે.
શોના દિગ્દર્શક મયંક શર્માનું કહેવું છે કે, નિત્યાએ બ્રીથ સીઝન-2 જોઇન કરી એ મારા માટે મોટી વાત છે. તેમની કન્મની જોઈ ત્યારથી હું એમના કામનો પ્રસંશક છું. બીજી સીઝનનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું ત્યારથી આ પાત્ર માટે મેં નિત્યાની જ કલ્પના કરી હતી.
ભવનિલ્યર, વિક્રમ તુલી અને અર્શદ સૈયદ સાથે મયંક સેકન્ડ સીઝનનો કો-રાઇટર પણ છે.બ્રીથની પહેલી સીઝનમાં માધવન, અમિત સાધ અને સપના પબ્બી મુખ્ય ભૂમિકામાં હતા. એક સામાન્ય માનવીને જ્યારે અસાધારણ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવે ત્યારે શું થાય એ વાત વણી લેવામાં આવી છે. અબુન્દાન્તિયા એન્ટરટેઇન્મેન્ટ બેન હેઠળ નિર્માતા વિક્રમ મલ્હોત્રા બ્રીથ-2નું નિર્માણ કરી રહ્યા છે.