પોતાના વાસ્તવિક જીવનથી વેગળું પાત્ર ભજવવું આસાન નથી હોતું. દેવેન ભોજાણી માટે અન્નાનું પાત્ર ભજવવું પડકારરૂપ હતું. સોની સબ પર પ્રસારિત થઈ રહેલા નવા શો ભાખરવડીમાં દેવેન પુણેના મહારાષ્ટ્રિયન બ્રાહ્મણ છે. આ પાત્ર આદર્શવાદી-સિદ્ધાંતવાદી હોવાને કારણે એણે માત્ર અનુશાસનનું પાલન કરનાર દુકાનદાર જેવો વ્યવહાર કરવાની સાથે મરાઠી ભાષા પર પણ પ્રભુત્વ હોવું જરૂરી હતું. એક જાણીતા અભિનેતા અને દિગ્દર્શક હોવાને કારણે દેવેને ભૂમિકાની માંગ મુજબ મરાઠી પર પ્રભુત્વ મેળવવાનું નક્કી કર્યું.

દેવેને મરાઠીના ખાસ શબ્દોનો અભ્યાસ કર્યો અને એના યોગ્ય ઉચ્ચારણ શીખ્યો. અમુક જાણીતા રાજકારણીઓના ભાષણ સાંભળવાની સાથે તેમની બૉડી લેન્ગ્વેજ પર ખાસ ધ્યાન આપ્યું. દેવેન કહે છે મેં એવા મહારાષ્ટ્રિયનોને જોયા જેઓ હિન્દી બોલતા હોય, જેથી મારા પાત્રમાં પણ વાસ્તવિકતા લાવી શકું. એ સાથે મેં મારા બાળપણના જૂના પડોશીઓ પાસેથી પણ પ્રેરણા લીધી.તેઓ જૂની વિચારધારાના મહારાષ્ટ્રિયન છે જેમના પોતાના સિદ્ધાંત હતા અને હું તેમને મળતા આવતા પાત્રને ભજવી રહ્યો છું. મેં તેમની તમામ રીતભાતને યાદ કરી અને મારા અભિનયમાં સામેલ કરી જેથી વાસ્તવિક અભિનય કરી શકું.
ભાખરવડી બે પરિવારના વૈચારિક મતભેદની વાત છે જેઓ ભાખરવડીના બિઝનેસમાં એકબીજાના હરીફ છે.