ગુજરાતી મનોરંજન જગતના કુંભમેળા સમાન ટ્રાન્સમીડિયા ઍવોર્ડ સમારંભમાં ફિલ્મ-ટીવી અને નાટકની દુનિયાના કલાકાર-કસબીઓ ઉમટી પડ્યા હતા. સતત અઢાર વરસથી આયોજિત થઈ રહેલા ભવ્ય સમારંભના આ વરસનું મુખ્ય પ્રાયોજક હતું ગુજરાત ટુરિઝમ.2001માં ટ્રાન્સમીડિયા ઍવોર્ડનો શુભારંભ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના શુભાશિષ સાથે થયો હતો. એ સમયે માંડ સાત-આઠ ફિલ્મો બનતી હતી જે સંખ્યા વધીને 2018માં 75 પર પહોંચી છે.

આ વરસે ગુજરાતી ફિલ્મોમાં શરતો લાગુ અને રેવા છવાઈ ગઈ હતી. બંને ફિલ્મોએ ચાર-ચાર ઍવોર્ડ મેળવ્યા હતા. જેમાં શરતો લાગુને પોપ્યુલર ફિલ્મનો ઍવોર્જ મળ્યો હતો તો રેવાને 2018ની શ્રેષ્ઠ ફિલ્મ ઘોષિત કરાઈ હતી. જ્યારે ચિત્કાર ફિલ્મના પર્ફોર્મન્સ માટે સુજાતા મહેતાને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવોર્ડ મળ્યો હતો તો અંશુલ ત્રિવેદીને ઓક્સિજન ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો ઍવોર્ડ અપાયો હતો. જ્યારે બેસ્ટ ફિલ્મ ક્રિટિક ઍવોર્ડ બેન્ક બેન્ચરને ફાળે ગયો હતો.

હંમેશની જેમ આ વરસે પણ બે કલાકારને લાઇફટાઇમ અચીવમેન્ટથી નવાજવામાં આવ્યા હતા. જેમાં જાણીતાં ગુજરાતી અભિનેત્રી ગોપી દેસાઈ અને નાટ્ય અભિનેતા-દિગ્દર્શક હોમી વાડિયાને એકાવન હજાર રૂપિયાની સાથે ટ્રોફી આપી નવાજવામાં આવ્યા હતા. જ્યારે મુંબઈના શ્રેષેઠ નાટક તરીકે અવની પ્રોડક્શન-અમી ત્રિવેદી વોરા, નિમેશ દિલીપરાયના ધર્મો રક્ષતિને તો સુરતના આર્ટિઝમ થિયટેરના એક આત્મા શુદ્ધ – ગૌતમ બુદ્ધ નાટકને શ્રેષ્ઠ નાટક ઘોષિત કરાયા હતા.

ઉપરાંત હેમુ ગઢવી ઍવોર્ડ લોકગાયક કરસન સાગઠિયાને તો મહેશ-નરેશ સ્પેશિયલ ઍવોર્ડ બૉલિવુડ-ઢોલિવુડના જાણીતા સંગીતકાર સચિન જીગરને અપાયા હતા. જ્યારે ટ્રાન્સમીડિયા વિશેષ ઍવોર્ડ લોકગાયિકા ગીતા રબારીને એનાયત થયો હતો. 2018નો ગોવિંદભાઈ પટેલ મહારથી ઍવોર્ડ નિર્માતા-દિગ્દર્શક ઇન્દ્રકુમાર અને અશોક ઠાકરિયાને આપવામાં આવ્યો હતો.

ટ્રાન્સમીડિયા ઍવોર્ડ સમારોહનો પ્રારંભ યોગેશ ગઢવીએ ચારણી શૈલીમાં કર્યો હતો. જ્યારે અમદાવાદના તિહાઈ ધ મ્યુઝિકલ પીપલ દ્વારા ધમાકેદાર પર્ફોર્મન્સમાં જાનકી વૈદ્ય, કિરણ આચાર્ય, યતીન પરમાર, કેતન સાગર, જિગરદાન ગઢવી, કોમલ ઠક્કર, ગીતા રબારી, દેવેન્દ્ર પંડિત, હિતુ કનોડિયા અને મોના થીબાએ વિવિધ ગીતો પર પર્ફોર્મ કર્યું હતું.

મજાની વાત એ છે કે પહેલા વરસથી સતત 18 વરસ સુધી એક જ ઇવેન્ટ ટીમ અભિલાશ ઘોડા, દીપક અંતાણી, રાજુ સાવલા અને ભૂમિકા શાહ કાર્યક્રમને સફળ બનાવવા દિવસ-રાત એક કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here