લૉકડાઉન દરમ્યાન સમગ્ર ભારત હાલાકી ભોગવી રહ્યું હોય તો ગોકુળધામવાસીઓ એમાંથી કેમ બાકાત રહી શકે? હંમેશ હસતા-રમતા રહેતા ગોકુળધામમાં ઉદાસીનો માહોલ છવાયો છે. જેઠાલાલ અને સોઢીને ધંધાની ફિકર છે તો ભીડે એના ઑનલાઇન કૉચિંગ ક્લાસીસને કારણે પરેશાન છે. તો પતિ અને બાળકો ઘરેજ રહેતા હોવાથી ગોકુળધામ સોસાયટીના મહિલામંડળનું કામ બમણું થઈ ગયું છે. દરેક જણ તેમની તકલીફોમાં એટલા ડૂબેલા છે કે કોઈ એ નથી વિચારતું કે બાળકો શું કરી રહ્યા હશે.

ટપુ સેનાને એમની કૉલેજવાળી મસ્તી, કેન્ટીન અને મિત્રો ઘણા યાદ આવી રહ્યા છે. પણ તેમને ફરજિયાતપણે ઘરમાં પુરાઈ રહેવું પડે છે. તેમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી એટલે તેમના ફોન પર ઑનલાઇન મૂવીઝ, શો જોઈ રહ્યા છે કે ગેમ રમે છે. ગોલી પણ આજકાલ ઑનલાઇન ગેમ રમવામાં એટલો વ્યસ્ત થઈ ગયો છે કે દિવસરાત એ ઑનલાઇન ગેમ કે શો જોવામાં વ્યસ્ત રહેતો હોય છે. આનું પરિણામ એ આવ્યું કે એને દિવસે ઉંઘ આવે છે અને કોઈ પણ સમયે ગમે તે જગ્યાએ સૂઈ જાય છે. એક દિવસ કોમલ એને આખા ઘરમાં શોધી વળે છે પણ ભાઈ સાહેબ તો બાથરૂમમાં ઘસઘસાટ ઉંઘતો હોય છે. અને એ પણ કેવી હાલતમાં, ઊંધી બાલદી પર નસકોરા બોલાવતો.
કોમલ એને ઉઠાડવાની કોશિશ કરે છે પણ કુંભકર્ણની નીંદર માણતો ગોલી ઉઠવાનું નામ લેતો નથી. આખરે હારી થાકીને એ ગોલીને કેવી રીતે ઉઠાડે છે એ જોવું પણ ઘણું મજેદાર છે.