સુનીલ શેટ્ટીએ આપી 1971ના યુદ્ધના હીરો ભૈરોં સિંહ રાઠોડને શ્રદ્ધાંજલિ

1971ના લોંગોવાલ યુદ્ધ પર આધારિત ફિલ્મ બૉર્ડરમાં સુનીલે ભૈરોંસિંહની ભૂમિકા ભજવી હતી

બૉલિવુડના અભિનેતા સુનીલ શેટ્ટીએ ભારત-પાકિસ્તાનના 1971ના યુદ્ધના હીરો ભૈરોં સિંહ રાઠોડને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. બૉર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)માં નાયક તરીકે ફરજ બજાવતા ભૈરોં સિંહ રાઠોડે 1971ના ભારત-પાક યુદ્ધમાં ભાગ લીધો હતો. બૉર્ડર ફિલ્મમાં સુનીલ શેટ્ટીનું પાત્ર ભૈરોં સિંહ પર આધારિત હતું. 81 વર્ષીય ભૈરોં સિંહ રાઠોડે જોધપુરની એઇમ્સ હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો. વૃદ્ધાવસ્થાને કારણે થતી તકલીફોને કારણે તેમને થોડા દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

1971ના યુદ્ધમાં લોંગોવાલ પોસ્ટ પર દર્શાવેલી શૂરવીરતા માટે ભૈરોં સિંહને 1972માં સેના મેડલથી સન્માનિત કરાયા હતા. બીએસએફના અધિકૃત હેન્ડલથી સોમવારે ટ્વીટ કરી ભૈરોં સિંહ રાઠોડના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના શોક સંદેશાની પોસ્ટ શેર અને રીટ્વીટ કરવાની સાથે સુનીલ શેટ્ટીએ લખ્યું, રેસ્ટ ઇન પાવર નાયક ભૈરોં સિંહ જી. તેમના પરિવાર પ્રત્યે મારી ભાવપૂર્ણ સંવેદનાઓ.

1971ના ભારત-પાક યુદ્ધમાં લોંગોવાલ ખાતે થયેલા ભીષણ યુદ્ધ પર આધારિત જે.પી. દત્તાની ફિલ્મ બૉર્ડરમાં સુનીલ શેટ્ટી ઉપરાંત સની દેઓલ, જેકી શ્રોફ, અક્ષય ખન્ના, સુદેશ બેરી, પુનીત ઇસ્સાર અને કુલભૂષણ ખરબંદાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં રાખી, તબુ, પૂજા ભટ્ટ અને શરબની મુખર્જીએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

Exit mobile version