Table of Contents
યશરાજ ફિલ્મ્સ અને નેટફ્લિક્સ દ્વારા નિર્મિત મહારાજ બાવીસ દેશોમાં ગ્લોબલ નોન-ઇંગ્લિશ ટૉપ ટેનની યાદીમાં સામેલ થઈ હોવાનું સર્જકોએ ગર્વભેર જણાવ્યું છે. હકીકતમાં 21 જૂને રિલીઝ થયેલી મહારાજને ભારતીય દર્શકોએ ખાસ આવકાર આપ્યો નહીં. એટલે નેટફ્લિક્સની માર્કેટિંગ ટીમ ફિલ્મની રેન્કિંગ વધારવા અનેક ટ્રિક્સ અપનાવી. જાણવા મળ્યા મુજબ મહારાજને ટૉપ ટેનમાં લાવવા માટે મુસ્લિમ દેશોના દર્શકોને ટાર્ગેટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.
નેટફ્લિક્સ અને YRF એન્ટરટેઇન્મેન્ટે મોકલેલી પ્રેસ રિલીઝમાં મહારાજ બાવીસ દેશોમાં ગ્લોબલ નોન-ઇંગ્લિશ ટૉપ ટેનની યાદીમાં સ્થાન મેળવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે બાવીસ દેશોમાં મહારાજ ટૉપ ટેનની યાદીમાં સામેલ હોવાનું જણાવ્યું છે એમાં 14 તો મુસ્લિમ રાષ્ટ્ર છે. જેમાં પાકિસ્તાન, બાંગ્લા દેશ, બહેરીન, કુવૈત, મલેશિયા, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, યુએઇ મુખ્ય છે. ફિલ્મ પાકિસ્તાન, બાંગ્લા દેશ અને માલદિવ્સમાં નંબર વન ટ્રેન્ડ કરી રહી છે. સૂત્રના જણાવ્યા મુજબ નેટફ્લિક્સે આ દેશોમાં ફિલ્મના સોશિયલ મીડિયા પ્રચાર માટે ધૂમ ખર્ચ કર્યો છે.
આદિત્ય ચોપરા નિર્મિત અને સિદ્ધાર્થ પી. મલ્હોત્રા દિગ્દર્શિત મહારાજ ફિલ્મથી આમિર ખાનના દીકરા ઝુનૈદે બૉલિવુડમાં એન્ટ્રી કરી છે. પહેલાં ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ હતું. પરંતુ આમિર ખાનને ફિલ્મ જોયા બાદ લાગ્યું કે ફિલ્મનો વિષય ઘણો ચર્ચાસ્પદ હોવાથી હોબાળો મચી શકે છે. જો હિન્દુ સમાજ તરફથી વિરોધ થયો તો એના દીકરાની કરિયર પર પ્રશ્નચિન્હ લાગી જવાની શંકા હતી. એટલે ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો.