સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં બૉલિવુડને ધ્રુજાવી દે એવા વિવાદનો ફણગો ફૂટ્યો છે. અને આ સ્ફોટક દાવો કર્યો છે ભાજપના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા બૈજયંત જે. પાંડાએ. બુધવારે તેમણે દાવો કર્યો હતો કે, બૉલિવુડની અનેક જાણીતી હસ્તી પાકિસ્તાનીઓના સંપર્કમાં છે. બૉલિવુડના અમુક સ્ટાર્સના પાકિસ્તાની અને અનિવાસી ભારતીય સાથે સંબંધ છે, જેમણે જમ્મુ કાશ્મીરની હિંસા ભડકાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. આવા ઉહાપોહ મચાવનાર દાવા બાદ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોસિયેશને તપાસની માંગણી કરી છે.

લોકસભાના સભ્ય એવા પાંડાએ જોકે તેમના ટ્વીટમાં કોઈના નામ આપ્યા નથી. અમુક બૉલિવુડ સ્ટાર્સના જમ્મુ કાશ્મીરમાં હિંસા ફેલાવનારા પાકિસ્તાની નાગરિક અને અનિવાસી ભારતીય સાથે ધંધાદારી સંબંધો છે. ઉપરાંત તેમના પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ) અને પાકિસ્તાની સૈન્ય સાથે પણ સંબંધો છે. સંબંધોની સહજતાથી ખાત્રી કરી શકાય છે એમ તેમણે જણાવ્યું હતું. બૉલિવુડના દેશભક્તોએ આવા લોકોથી દૂર રહેવાની સાથે તેમનો બહિષ્કાર કરવાનું આહવાન કરૂં છું એમ પાંડાએ ટ્વીટમાં જણાવ્યું હતું.

પાંડાની ટ્વીટનો ઘણાએ તુરંત પ્રતિસાદ આપતા કહ્યું હતું કે પાકિસ્તાન સાથે સંબંધ ધરાવનારાઓના નામ જાહેર કરવાની સાથે તેમના તથ્યોને બહાર લાવવામાં આવે. તો અમુકે આ મામલે એનઆઈએ દ્વારા તપાસ કરાવવાની માંગણી કરી હતી. એ સાથે સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોસિયેશને પણ આ મામલે તપાસની માંગણી કરી છે. દેશની સુરક્ષા કરતા બીજી કોઈ બાબત મોટી હોઈ શકે નહીં. એટલે આ મામલે ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવે એમ અસોસિયેશને જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here