નાગાલૅન્ડનો માણવા લાયક વિખ્યાત હૉર્નબિલ ફેસ્ટિવલ

નાગા લોકોએ ભલે આજની આધુનિકતાઓને અપનાવી હોય, આમ છતાં તેમણે તેમના રીતિ-રિવાજો અને વારસાને જાળવી રાખ્યો છે

નાગાલૅન્ડમાં દર વરસે 1થી 10 ડિસેમ્બર દરમિયાન ઉજવવામાં આવતા હૉર્નબિલ ફેસ્ટિવલને માણવા દેશ-વિદેશના હજારો સહેલાણીઓ ઉમટી પડે છે. હૉર્નબિલ મહોત્સવ નાગાલૅન્ડના યોદ્ધા જનજાતિઓનો સૌથી મોટા ફેસ્ટિવલમાંનો એક છે. નાગા લોકો તેમની પરંપરાઓ અને રીતિ-રિવાજને જાળવી રાખવાની સમૃદ્ધ પરંપરા છે. નાગા લોકોની આ ભવ્ય પરંપરાને માણવા-જોવા લોકો ખાસ ડિસેમ્બરમાં નાગાલૅન્ડ ઉમટી પડે છે. રાજ્યની તમામ જનજાતિ અને ઉપ-જનજાતિ પાસે તેમની સંસ્કૃતિ જાળવવા અને નવી પેઢીને પ્રોત્સાહિત કરવા માટેની તેમની પોતાની આગવી પદ્ધતિ છે. તેમના પારંપારિક ઔપચારિક પહેરવેશ ઉપરાંત રંગબેરંગી ભાલા, દાઓથી રંગેલા બકરીના વાળ છે. વિદેશી ટોપી અને હાથી દાંતના બાજુબંધ જેવી વસ્તુઓ નાગાઓની પ્રસિદ્ધ અને પારંપારિક વસ્તુઓ છે જે સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. જૂના જમાનામાં સૈનિકો આ પહેરવા માટે તેમની બહાદુરી પુરવાર કરવી પડતી હતી.

નાગા લોકોએ ભલે આજની આધુનિકતાઓને અપનાવી હોય, આમ છતાં તેમણે તેમના રીતિ-રિવાજો અને વારસાને જાળવી રાખ્યો છે. નાગાલૅન્ડને તહેવારોની ભૂમિક કહેવામાં આવે છે અને અહીંના સ્થાનિક રહેવાસીઓ તેમના પ્રાચીન યોદ્ધાઓ અને લોક નાયકોની બહાદુરીના કિસ્સાઓની ઉજવણી કરવાના શોખીન છે.

મહોત્સવમાં આ તમામ બાબતો સિવાય લોકગીતો સહિત અન્ય રસનાં ગીતો સ્થાનિક મ્યુઝિકલ ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવે છે. મહોત્સવનું નામ નાગાલૅન્ડના સૌથી સન્માનિત પક્ષી હોર્નબિલ પરથી રાખવામાં આવ્યુ છે. મજાની વાત એ છે કે આ પક્ષીના મહત્ત્વને અનેક આદિવાસીઓની સાંસ્કૃતિક અભિવ્યક્તિ, ગીતો અને નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવે છે.

હોર્નબિલ પક્ષીના પીછાઓનો ઉપયોગ નાગા લોકો અને યોદ્ધાઓ મસ્તિસ્કને સજાવવા માટે કરતા હતા. શરૂઆતમાં સરકારે આ પક્ષીનો શિકાર ન કરવાની અને તેમને સંરક્ષિત કરવા માટે સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ એ વ્યર્થ ગયું. મોટા પાયે શિકાર થતો હોવાથી પક્ષીની આ જાતિ વિલુપ્ત થવાની અણી પર છે.

હોર્નબિલ મહોત્સવની વાત કરીએ તો એનું પહેલવહેલું આયોજન વર્ષ 2000માં કરવામાં આવ્યું હતું. નાના પાયે ઉજવાયેલા મહોત્સવમાં લોક ગીત, નૃત્ય, પારંપારિક રમતો અને યુદ્ધનાં ગીતોનો સમાવેશ કરાયો હતો. આજે ફેસ્ટિવનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવતું હોવાથી દેશ-વિદેશના સહેલાણીઓ મહોત્સવ માણવા ડિસેમ્બરમાં નાગાલૅન્ડ આવતા હોય છે.

હોર્નબિલ ફેસ્ટિવલ નાગાલૅન્ડના કોહિમાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા કિસામા હેરિટેજ વિલેજના ઉત્સવ મેદાનમાં મનાવવામાં આવે છે. આ સંરક્ષિત વિસ્તાર છે અને દસ દિવસ ચાલતા મહોત્સવને જોવા માણવા માટે રોજેરોજ ટિકિટ લેવી પડે છે. જોકે ટિકિટના દરો એકદમ મામૂલી છે. ઉત્સવની શરૂઆત રોજ સવાલે સાડાનવ વાગ્યે શરૂ થાય છે.

હોર્નબિલ મહોત્સવ તહેવારોના તહેવાર તરીકે પણ ઓળખાય છે, જેનું આયોજન નાગાલૅન્ડ રાજ્યના પર્યટન અને કલા-સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવે છે. અહીં આવનારા પ્રવાસીઓને નાગાલૅન્ડની હસ્તકારીગરી, સ્થાનિક વાનગીઓ, શિલ્પો વગેરેના પણ સ્ટૉલ પણ હોય છે. ઉપરાંત અહીંના વિખ્યાત ચોખાના બિયરની પણ મોજ માણી શકાય છે. ફેસ્ટિવલમાં માત્ર નાગાલૅન્ડની જ વિરાસત માણવા નથી મળતી, ફેસ્ટિવલમાં યોજાતી રોમાંચક હોર્નબિલ નેશનલ રૉક કૉન્સર્ટ દ્વારા સાંજ રંગીન બની જાય છે. તો શહેરમાં અદભુત નાઇટ માર્કેટ પણ છે. જોકે સૌથી મજેદાર છે મરચાં ખાવાની સ્પર્ધા પણ આકર્ષણનું કેન્દ્ર બને છે.

***

Exit mobile version