શુક્રવારે રિલીઝ થયેલી ગુજરાતી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ કાચીંડોમાં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેત્રી ગ્રિવા કંસારાએ ફિલ્મી ઍક્શન સાથે તેની ફિલ્મી કરિયર ઉપરાંત યુ-ટ્યુબ ચૅનલ પર આવતી કૉમેડી સિરીઝની સાથે તેની મહત્ત્વાકાંક્ષાઓ અંગે વાતચીત કરી હતી.
મૂળ વડોદરાની અને સ્ટેન્ડ-અપ કૉમેડિયન પરાગ કંસારાની દીકરી ગ્રિવા કંસારાને અભિનય ગળથૂથીમાં મળ્યો છે. જોકે એણે કદી વિચાર્યું નહોતું કે એ અભિનયક્ષેત્રમાં આવશે. પરંતુ અનાયાસ આ ક્ષેત્રમાં આવી ગયેલી અભિનેત્રી ધીરી પણ મક્કમ ગતિએ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવી રહી છે
ગુજરાતી થ્રિલર ફિલ્મ કાચિંડોનું શૂટિંગ પેરિસમાં કરવામાં આવ્યું છે. વિદેશમાં પહેલીવાર શૂટિંગનો અનુભવ કરીને આવેલી અભિનેત્રીએ જણાવ્યું હતું કે, મેં ફિલ્મ સાઇન કરી ત્યારે મનમાં એક અજ્ઞાત ભય હતો કે વિદેશમાં શૂટિંગ કેવી રીતે કરી શકાશે? પરંતુ યુનિટના સભ્યોની સાથે સ્થાનિક ટેકનિશિયનો એટલા સહાયરૂપ બન્યા કે અમને લાગ્યું પણ નહીં કે પેરિસમાં શૂટિંગ કરી રહ્યા છીએ. માત્ર ટેકનિશિયનો જ નહીં પણ પેરિસમાં રહેતા ગુજરાતી સમાજના લોકોએ પણ અમને એટલું પ્રોત્સાહન આપ્યું કે અમે જીવનભર એ અનુભવ ને ભૂલી શકશું નહીં. સ્થાનિક ગુજરાતીઓ અમને જોવા માટે જ નહીં, પણ અમારી તમામ ચીજોનું ધ્યાન રાખતા હતા. પછી જમવાનું હોય કે રહેવાનું. તેઓ અમારા માટે નાસ્તાથી લઈ લંચ કે ડિનર માટે આપણી ભારતીય વાનગીઓ લઈને આવતા હતા.
ગ્રિવાને જ્યારે પૂછ્યું કે શું પહેલેથી જ અભિનયને કરિયર બનાવવાનું નક્કી કર્યું હતું? ત્યારે એકદમ સહજભાવે અભિનેત્રીએ જણાવ્યું કે મને અભિનય પ્રત્યે ખાસ લગાવ હતો એવું નહીં કહું. પણ 2006માં મિસ વડોદરા અને 2011માં મિસ ગુજરાત બન્યા બાદ મૉડેલિંગની ઑફર્સ આવવાની શરૂઆત થઈ. એ સમયગાળા દરમ્યાન મને દિગ્દર્શક જય જોશીએ ટેલિફિલ્મ ફુલ ડૉટ કૉમની ઑફર આપી. એ સમયે તો હું હજી અગિયારમા ધોરણમાં ભણતી હતી. ટેલિફિલ્મની મારી ભૂમિકા જોઈ ગુજરાતી ફિલ્મ પ્રીત કરેની ઑફર આવી અને મારી ઢોલિવુડમાં એન્ટ્રી થઈ.
તમારા પિતા પરાગ કંસારા ભારતના જાણીતા સ્ટેન્ડ-અપ કૉમેડિયન હોવાથી તમારી કરિયરને કેટલો લાભ થયો?
અમુક અંશે લાભ થયો એમ કહી શકાય. પરંતુ તમારામાં પ્રતિભા હોય તો જ નિર્માતા-દિગ્દર્શક મોકો આપે છે. હું છેલ્લા બાર વરસથી એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છું અને ગુજરાતી ફિલ્મો, સિરિયલ, આલ્બમ ઉપરાતં યુ-ટ્યુબ માટે કૉમેડી સિરીઝ કરી છે.
તમારા ફાધર સ્ટેન્ડ-અપ કૉમેડિયન છે, તો તમે પાપા સાથે શો કરવાનું વિચાર્યું છે ખરૂં?
પ્લાનિંગ ચાલી રહ્યું છે. હાલ જીતુ પંડ્યા સાથેના શોનું નિર્માણ જેઓ કરી રહ્યા છે એ ધીરેન રાંધેજા યુ-ટ્યુબ ચૅનલ માટે કૉમેડી શોની તૈયારી કરી રહ્યા છે. મને આશા છે કે દર્શકોને પિતા-પુત્રી વચ્ચેની હાસ્યની તડાફડી પણ પસંદ પડશે.
એક કલાકાર તરીકે તમને કેવા પ્રકારની ભૂમિકા ભજવવી ગમશે?
સાચું કહું તો મને નેગેટિવ રોલ કરવાનું પસંદ છે. કારણ, મારૂં માનવું છે કે નેગેટિવ રોલ કરનારને તમામ પ્રકારના ભાવ દર્શાવવાનો મોકો મળે છે. ઉપરાંત એની કરિયર પણ લાઇફલૉંગ હોય છે.
તમને જો કોઈ ખાસ ભૂમિકા ભજવવાનું કહે તો કેવું પાત્ર કરવું ગમશે?
પડકારરૂપ ભૂમિકાઓ ભજવવાનું પસંદ કરીશ. જેમકે બરફીમાં પ્રિયંકા ચોપરાએ ભજવેલી ભૂમિકા.
દરેક કલાકારનું અંતિમ લક્ષ્ય હોય છે બૉલિવુડ…
હિન્દીમાં મેં અતુલ કુલકર્ણી સાથે એક હૉરર મૂવી 706 કરી હતી. ઉપરાંત અક્ષયકુમાર અભિનીત રૂસ્તમમાં એક નાનો રોલ કર્યો હતો. પરંતુ મેં મુંબઈમાં રહી હિન્દી ફિલ્મો માટે ટ્રાય કરી નથી.