આઠ વરસના ગાળા બાદ એક વિલન ફરી 70 એમએમના પરદા પર આવી રહ્યો છે. આ વરસની સૌથી મોટી ઍક્શન થ્રિલર એક વિલન રિટર્ન્સ 29 જુલાઈ, 2022ના રિલીઝ થઈ રહી છે. દર્શકોને જકડી રાખે એવી ફિલ્મના નિર્માતાઓએ ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. જ્હૉન અબ્રાહમ, અર્જુન કપૂર, દિશા પટણી અને તારા સુતરિયાના ટીઝર પોસ્ટરે વિલનનો પર્દાફાશ કરી ફિલ્મનું આકર્ષણ વધારી દીધું છે.
દર્શકો આગામી મલ્ટી-સ્ટારર પાસે જે અપેક્ષા રાખે છે એ તમામ ડાર્ક અને ઇન્ટેન્સ ટીઝર પોસ્ટર પૂરી કરે છે. પોસ્ટરમાં એક વિલન રિટર્ન્સનો ફૅમસ સ્માઇલી માસ્ક અને સ્લોગન – હીરોઝ મોજુદ નહીં હૈ… સાથે સ્ટાર કાસ્ટ દર્શાવવામાં આવી છે. મોહિત સૂરી દિગ્દર્શિક ફિલ્મ એની પહેલી કડીના આઠ વરસ બાદ ફરી થિયેટર રિલીઝ માટે તૈયાર છે.
હાઈ ઑક્ટેન ઍક્શન સીન્સની સાથોસાથ એની વાર્તાના રોચક ટ્વીસ્ટ સાથે, એક વિલન-2 નિસંદેહ આ વરસની સૌથી પ્રતિક્ષિત ફિલ્મ છે. સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર, રિતેશ દેશમુખ અને આમના શરીફ અભિનીત મૂળ ફિલ્મ એક વિલનને આઠ વરસ પૂરા થયા એની ઉજવણી સાથે ફિલ્મનું પોસ્ટર લૉન્ચ કરવામાં આવ્યું હતું.
જ્હૉન અબ્રાહમ, અર્જુન કપૂર, દિશા પટણી અને તારા સુતરિયા જેવા ધુરંધર કલાકારોની ફોજ એક વિલન રિટર્ન્સમાં જોવા મળશે. ટી. સિરીઝ અને બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા સંયુક્ત પણ નિર્મિત અને મોહિત સૂરી દિગ્દર્શિત ફિલ્મ 29 જુલાઈ, 2022ના રિલીઝ થઈ રહી છે.