ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રગતિના પંથ પર ધીરી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે. તો ઢોલિવુડમાં નવી પ્રતિભાઓની સાથે સાહસિક નિર્માતાઓ પણ નવા આઇડિયાઝ સાથે આવી રહ્યા છે. આવા જ એક નિર્માતા છે કેયૂર શાહ. જેઓ શ્રી ઓમ સાઈ પ્લસ પ્રાઇવેટ લિમિટેડ (SOSPPL) બેનર હેઠળ વૈવિધ્યભર વિષયો પર આધારિત ફિલ્મો બનાવવાના નિર્ધાર સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડગ માંડી રહ્યા છે.
મંગળવાર (28-3-23)ના શ્રી ઓમ સાઈ પ્લસ પ્રા. લિ.ની પહેલી ગુજરાતી ફિલ્મ પ્રેમમાં સ્પીડ બ્રેકરનું મુહૂર્ત જુહૂ સ્થિત આર-અડ્ડા ખાતે ગુજરાતી-હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મેહુલ કુમાર, રાજીવ મહેતા, સચીન પરીખ, સુનિલ પાલ, અરવિંદ કુમાર, ક્રિશા ખંડેલવાલ, કૉરિયોગ્રાફર રાજુ-શબાના, કેયુરી શાહ, મીરા આચાર્ય. કલ્યાણી ઠાકર સહિત અન્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે નિર્માતાએ જણાવ્યું કે, તેઓ SOSPPL બેનર હેઠળ નિયમિતપણે ફિલ્મોનું નિર્માણ કરશે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રી બ્લાઇન્ડ ગેમ જેવો બિઝનેસ છે તો એમાં પદાર્પણ કરવાનું કોઈ ખાસ કારણ?
પ્રશ્નના જવાબમાં SOSPPLના મેનેજિંગ ડિરેક્ટર કેયૂરભાઈએ જણાવ્યું કે, જોખમ કયા બિઝનેસમાં નથી હોતું? હકીકતમાં સપના જોવાની હિંમત કરે તેના માટે આખી દુનિયા જીતવા માટે પડી છે. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો સપનાની દુનિયા છે અને એ જીતવાનું સપનું લઈને અહીં આવ્યો છું.
તમે પ્રશ્ન કર્યો કે ફિલ્મોનું નિર્માણ એ જોખમી બિઝનેસ છે. પણ હું એમ કહીશ કે, જોખમ કે આપત્તિ એ કોઈ અવરોધ નહીં, પણ એક અવસર, એક તક છે. એટલે ગણતરીપૂર્વકનું લીધેલું જોખમ કોઈ કાળે એળે જતું નથી.
શું શ્રી ઓમ સાઈ પ્લસ પ્રા. લિ. માત્ર ગુજરાતી ફિલ્મોનું જ નિર્માણ કરશે?
ગુજરાતી ફિલ્મો ઉપરાંત હિન્દી, મરાઠી સહિત અન્ય ભાષાની ફિલ્મો બનાવવાનું પણ અમારું પ્લાનિંગ છે. જો બધું સમુસૂતરું પાર પડ્યું તો ટૂંક સમયમાં હિન્દી ફિલ્મની જાહેરાત કરશું.
ગુજરાતી ફિલ્મના મુહૂર્ત પ્રસંગે ફિલ્મના દિગ્દર્શક નિલેશ મહેતાએ જણાવ્યું કે, પ્રેમમાં સ્પીડ બ્રેકર એક રૉમકૉમ છે. જેમાં અમિર ઘરની યુવતી એના મધ્યમવર્ગીય પ્રેમી સાથે લગ્ન કરવા એક જૂઠાણાનો આશરો લે છે અને એમાં કેવી મુસીબતો સર્જાય છે એની વાત આલેખવામાં આવી છે. ફિલ્મના કલાકારોની પસંદગી ટૂંક સમયમાં કરવામાં આવશે અને એપ્રિલના બીજા પખવાડિયામાં શૂટિંગ શરૂ કરવાની યોજના છે.
શ્રી ઓમ સાઈ પ્લસ પ્રા. લિમિટેડ બેનર હેઠળ બની રહેલી લેખક-દિગ્દર્શક નિલેશ મહેતાની ગુજરાતી ફિલ્મ પ્રેમમાં સ્પીડ બ્રેકરના નિર્માતા છે કેયૂર શાહ. પટકથા-સંવાદ અવિનાશ ખત્રી, ડીઓપી અમર વ્યાસ, ગીતો કેશવ રાઠોડ, સંગીત ભાઇલુ વડતાલ, સંકલન ચૈતન્ય તન્ના, નૃત્ય દિગ્દર્શન ફિરોઝભાઈનું છે. જ્યારે ક્રિએટિવ હેડ છે ઉર્વિશ પરીખ.