હંમેશ કંઇ અલગ અને કોઈએ કલ્પના પણ ન કરી હોય એવા વિષયો પર ફિલ્મ-નાટક બનાવવામાં ઉમેશ શુક્લની હથોટી ગજબની છે. યુટીવી દ્વારા નિર્મિત ઢૂંઢતે રહ જાઓગેથી બૉલિવુડમાં એન્ટ્રી કરનાર ઉમેશની ફિલ્મોમાં જીવનની કડવી વાસ્તવિકતાની સાથે હ્યુમરનું ગજબનું કોમ્બિનેશન જોવા મળે છે.
રંગભૂમિથી કરિયરની શરૂઆત કરનાર ઉમેશ શુક્લનો પહેલો પ્રેમ નાટકો જ રહ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વ્યસ્ત થઈ જવાને કારણે લાંબા અરસા સુધી ઉમેશને રંગભૂમિથી વેગળા રહેવું પડ્યું. જોકે તેમણે બનાવેલી બૉલિવુડની ફિલ્મો પણ એક અલગ છાપ છોડી જાય છે.
ધરતીકંપને કારણે પોતાનું સર્વસ્વ ગુમાવનાર અને નુકસાનીની ભરપાઈ માટે ઇશ્વરને કોર્ટમાં પડકારનાર કાનજી લાલજી મહેતાની વાત કરતી ઓહ માય ગૉડ – ઓએમજી (અક્ષય કુમાર અને પરેશ રાવલ) હોય કે 102 વરસના ચીરયુવાન પિતા દત્તાત્રય અને 75 વરસના હિંમત હારી ચુકેલા પુત્ર બાબુલાલની કશ્મકશની વાત આલેખતી 102 નોટઆઉટ (અમિતાભ બચ્ચન, રિશી કપૂર) જેવી એકદમ હટકે વિષય ધરાવતી સુપરહિટ ફિલ્મો આપનાર ઉમેશ શુક્લ મનોરંજનના ત્રણેય માધ્યમોમાં લેખક-દિગ્દર્શક અને કલાકાર તરીકે તેમનો સિક્કો જમાવી ચુક્યા છે.
પરંતુ હવે ઉમેશ શુક્લ એમના પહેલા પ્રેમ એટલે કે નાટકની દુનિયામાં ફરી એન્ટ્રી કરી રહ્યા છે.
આ વખતે તેઓ એક સત્યઘટના પર આધારિત હાસ્યપ્રધાન કૌટુંબિક નાટક એક રૂમ રસોડું લાવી રહ્યા છે. નાટકમાં ઉચ્ચ, મધ્યમ અને ગરીબોની ઇચ્છાઓ અને આકાંક્ષાઓનો ચિતાર છે… અને એને પામવા તેઓ કઈ હદ સુધી જવું પડે છે એની વાત આલેખવામાં આવી છે. આજના જીવનની કરૂણતાની સાથે હાસ્યથી ભરપુર ઉમેશ શુક્લ દિગ્દર્શિત નાટક એક રૂમ રસોડુના લેખક છે જયેશ મહેતા. સૌમ્ય જોશી, ચેતન ગાંધી અને રિદ્ધિ નાયક શુક્લ નિર્મિત એક રૂમ રસોડુના મુખ્ય કલાકારો છે જયેશ બારભાયા, રિદ્ધિ નાયક શુક્લ અને કમલેશ ઓઝા.