હૉરર ફિલ્મોને ભારતમાં પ્રચલિત કરનાર નિર્માણ સંસ્થા રામસેની નવી પેઢી પરિવારના વારસાને આગળ વધારવા થનગની રહી છે. રામસે પરિવારના યુવાન અને પ્રતિભાશાળી દીપક રામસે આજની યુવા પેઢીનું, તેમની પસંદગીનું મનોરંજન કરવા આવી રહ્યા છે. પ્રસ્તુત છે દીપક રામસે સાથેના વાર્તાલાપના મહત્વના અંશ.
તમે ફિલ્મ મેકિંગની આંટીઘૂંટી કોની પાસે શીખ્યા?
ફિલ્મના તમામ પાસાઓ હું મારા પરિવારજનો પાસે જ શીખ્યો છું. દિગ્દર્શનની બારીકાઈ હું મારા પિતા તુલસી રામસે અને કાકા શ્યામ રામસેના સહાયક તરીકે શીખ્યો છું. તો બીજા કાકા ગંગુ રામસે પાસે સિનેમેટોગ્રાફીના પાઠ ભણ્યો. જ્યારે એન્જિનિયરિંગ કિરણ રામસે પાસેથી. ત્યાર બાદ પિત્રાઈ અર્જુન રામસેના લોકપ્રિય ઝી હૉરર શોના ઘણા એપિસોડની એન્જિનિયરિંગ કરી. ત્યાર બાદ મેં પોતે હૉરર શોના 350થી વધુ એપિસોડનું દિગ્દર્શન કર્યું.
કોઈ ફિલ્મ કરી છે?
મેં આત્મા નામની એક ફિલ્મ બનાવી હતી. જોકે કરણ જોહર ટાઇપની ફિલ્મોનો એ દોર હતો. એટલે મેં પ્રિયાંશુ ચેટર્જી અને દિયા મિર્ઝાને લઈ કોઈ મેરે દિલ મેં હૈ નામની ફિલ્મ બનાવી. ફિલ્મે સારો ધંધો કર્યો. અત્યારે મેં અલ્ટ્રા ઓટીટી માટે એક વેબ સિરીઝ બનાવી છે.
ભાવિ પ્લાન?
અજય દેવગણે રામસે પરિવાર પર ફિલ્મ બનાવવાના રાઇટ્સ ખરીદ્યા છે. તુમ્બાડ ફૅમ સોહમ શાહે પુરાની હવેલી અને વીરાના જેવી અમારી હિટ ફિલ્મોના રાઇટ્સ ખરીદ્યા છે. હું પોતે અલ્ટ્રા માટે એક વેબ સિરીઝ બનાવી રહ્યો છું. એક વાત તમને જણાવી દઉં કે ઝી હૉરર શોના પ્રેરણાંસ્રોત હતા સૅમ રેમી, આલ્ફ્રેડ હિચકોક અને અમર કૌશિક. ભવિષ્યમાં મારે હિચકોક જેવી સસ્પેન્સ અને ટ્રં ટુ બુસાન પ્રકારની એક જૉમ્બિ ફિલ્મ બનાવવા માગું છું.