કોવિડ-19 મહામારી દરમ્યાન ભારતમાં જરૂરિયાતમંદ લોકોને સહાય કરનારા અગણિત એવા નિસ્વાર્થ નાયકોને સન્માનવાના ઉદ્દેશથી યુનાઇટેડ નેશન અને ભારત સરકારના નીતિ આયોગે ડિસ્કવરી ચૅનલના સહયોગમાં #ભારતકેમહાવીર અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન એવા લોકોને સન્માનિત કરવા માટે છે જેમણે મહામારી દરમ્યાન અસાધારણ કહી શકાય એ રીતે લોકોને સહાય પહોંચાડી છે. જેમણે કોઈ પણ પ્રકારના સ્વાર્થ અને અપેક્ષા વગર નબળા વર્ગના લોકો માટે સહાયનો હાથ લંબાવ્યો.

આ અભિયાન અંતર્ગત, ભારતના 12 ચેમ્પિયન્સના સેવાકાર્યોની વાતો ડિસ્કવરી ચૅનલ પર 12 એપિસોડની સિરીઝમાં દર્શાવવામાં આવશે જેમણે લોકોમાં આશાનો સંચાર કર્યો છે.

સિરીઝનું સંચાલન યુનાઇટેડ નેશનના જનરલ સેક્રેટરીનાં એસડીજી ઍડવોકેટ દિયા મિર્ઝા અને અભિનેતા સોનુ સૂદ કરી રહ્યા છે. બૉલિવુડ કલાકાર સોનુ સૂદને કોવિડ-19ના કપરા કાળમાં કરેલા માનવતાવાદી કાર્યો માટે તાજેતરમાં જ પંજાબ સરકારે વિશેષ માનવતાવાદી કાર્ય પુરસ્કારથી સન્માનિત કર્યો હતો. આ પહેલ અંગે વિસ્તૃત જાણકારી આપતા, ભારત સરકારના નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે જણાવ્યું કે, આ વૈશ્વિક સંકટમાં ભારતભરમાંથી એવા લોકોની અગણિત વાતો આવી રહી છે જેમણે પોતાના અવિકસિત જિલ્લાઓમાં અનેક પડકારોનો સામનો કરી માનવતાનું જબરજસ્ત પ્રદર્શન કર્યું. આવા લોકોની વાતો લોકો સુધી પહોંચે એટલા માટે અમે ભારતમાં ડિસ્કવરી અને યુનાઇટેડ નેશન સાથે મળી આ સિરીઝ તૈયાર કરી છે.

ભારત કે મહાવીરમાં એકતા અને ભાઈચારાની પ્રેરક વાતો છે જેમાં ભોજન સામગ્રીથી લઈ સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવી, જીવનભરની બચત દાન કરવી કે જાનવરો માટે ચારો આપવા જેવી વાતોનો સમાવેશ થાય છે. સંકટકાળમાં ભારતના આબાલવૃદ્ધોએ દાખવેલી એકતાની ભાવના આજે પણ જોવા મળી રહી છે.

ભારતના યુએનનાં રેસિડન્ટ કૉ-ઑર્ડિનેટર રેનાટા ડેઝાલિયને કહ્યું કે, કોવિડ-19 આપણા જીવનને અસ્તવ્યસ્ત કરવામાં મચ્યો છે ત્યારે આ નાયકો આપણા સૌના માટે પ્રેરણાના સ્રોત સમાન છે.

ડિસ્કવરી કમ્યુનિકેશન્સ ઇન્ડિયાના સાઉથ એશિયાનાં મેનેજિંગ ડિરેક્ટર મેધા તાતાએ કહ્યું કે, મહાવીર માત્ર ટીવી શો નથી, ભારતના અગણિત અજાણ્યા હીરો પ્રત્યેની કૃતજ્ઞતાનું પ્રતીક છે. અમને આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટમાં નીતિ આયોગ અને યુએન ઇન્ડિયાનો સહયોગ મળ્યો એનો ગર્વ છે.

ભારત કે મહાવીરની કૉ-હૉસ્ટ અને યુનાઇટેડ નેશનના જનરલ સેક્રેટરીનાં એસડીજી ઍડવોકેટ દિયા મિર્ઝાએ કહ્યું કે, છેલ્લા થોડા મહિના દરમ્યાન ભારતે દુનિયાને દાખવ્યુ છે કે લોકો જ્યારે એકત્ર આવે છે ત્યારે તેઓ કોઈ પણ સમસ્યાનો નીવેડો લાવી શકે છે. મહામારી દરમ્યાન સ્વહિતને બદલે સમાજહિતની ભાવના જોવા મળી. એટલું જ નહીં, સૌથી નબળા વર્ગના લોકો પાછળ ન રહી જાય એનું ધ્યાન રાખવામાં આવ્યું. મને ખુદને ભારતીય કહેવામાં અને આ બહેતરીન પહેલનો હિસ્સો બનવાનો ગર્વ અનુભવી રહી છું.

અભિનેતા સોનુ સૂદ પણ દિયા મિર્ઝા સાથે આ અભિયાનનો ચહેરો છે. એનું કહેવું છે કે, આ સમયગાળો લોકો માટે ઘણો દર્દનાક રહ્યો. આ સમયગાળા દરમ્યાન સાથી નાગરિકો માટે સહાનુભૂતિની ભાવના રાખનારાઓએ પોતાનું સર્વસ્વ દાનમાં આપી દીધું. ભગવાને હંમેશ મારા પર કૃપા કરી છે કે અન્યોની સહાય માટેના સાધનો પૂરા પાડ્યા અને લોકોને સહાય કરવામાં નિમિત્ત બની શક્યો. જોકે મેં જે વાતો સાંભળી એ સીમિત સાધન ધરાવતા લોકોની છે, જેમણે તેમની દૃઢ ઇચ્છા શક્તિથી પર્વતને ધ્રુજાવી દીધા. ભારત કે મહાવીરના માધ્યમથી સમગ્ર વિશ્વ આ નાયકો વિશે જાણી શકશે.

ભારત કે મહાવીરનો પહેલો ભાગ ડિસ્કવરી અને ડિસ્કવરી એચડી ચૅનલ પર નવેમ્બર મહિનામાં પ્રસારિત થશે. ડિસ્કવરી ઍપ પર પણ આ શો જોઈ શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here