કોરોના ફરી ભારતમાં ટકોરા મારી રહ્યો છે. હજુ મહામારી નાથવા અમલમાં મુકવામાં આવેલા લૉકડાઉનને હટાવાયાને માંડ વરસ થયું હશે ત્યાં વાયરસ હું પાછો આવું છુનો રાગ આલાપવા લાગ્યો છે. લૉકડાઉન દરમિયાન થયેલા અનુભવો આજે પણ યાદ આવે તો લોકોના રુવાંટા ખડા થઈ જાય છે.
એક બાજુ હોસ્પિટલ દ્વારા કથિતપણે વસૂલાતી બેફામ ફી, અનાજ, શાકભાજી, ફ્રુટ જેવી વસ્તુના વેપારીઓ દ્વારા થતી નફાખોરીની સામે સામાન્ય નાગરિકોની આવક ઠપ થઈ ગઈ. ઘણાએ નોકરી ધંધા ગુમાવ્યા હોવા છતાં નફાખોરોએ સામાન્ય નાગરિકોને લૂંટવાના અવનવા ષડયંત્રો રચતા ગયા.
લૉકડાઉન દરમિયાન કેવા ષડયંત્રો થતાં એની રજૂઆત કરતી ફિલ્મ લૉકડાઉન : એક ષડયંત્ર લઈને બરકત વઢવાણિયા આવી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સર્જક બરકત વઢવાણિયાની ફિલ્મમાં લૉકડાઉન દરમિયાન વતન જવા નીકળેલા એક યુવાનની વાત છે. જે અધવચ્ચે પહોંચે છે ત્યાં લૉકડાઉનની જાહેરાત થતાં તમામ પ્રકારનો વાહનવ્યવહાર બંધ થતાં પગે ચાલી પોતાના વતન જવા નીકળે છે. શહેરથી નીકળી પોતાના ઘરે પહોંચે એ દરમિયાન એના પર શું વીતે છે એની વાત ફિલ્મમાં આલેખવામાં આવી છે.
નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા બરકત વઢવાણિયા અને અસોસિયેટ ડિરેક્ટ સુરેશ જોષી
ફિલ્મ અંગે બરકત વઢવાણિયા કહે છે કે, કોરોના કાળ દરમિયાન લોકોને કેટલી હાલાકી ભોગવવી પડી એ તો સર્વવિદિત છે. પણ લૉકડાઉન : એક ષડયંત્ર જોઈ દર્શકોને થશે શું લૉકડાઉન દરમિયાન આવા પણ ષડયંત્ર રચાયા હતા? અમે સાંપ્રત વિષય પર એક અનોખી ફિલ્મ લઈને આવી રહ્યા છીએ જેમાં દર્શકોને નવે નવ રસ માણવા મળશે.
ટૂંક સમયમાં આર્યનરાજ ફિલ્મ્સ બેનર હેઠળ રજૂ થનારી લૉકડાઉન એક : ષડયંત્રના દિગ્દર્શક છે બરકત વઢવાણિયા, એસોસિયેટ ડિરેક્ટર – સુરેશ જોષી, મદદનીશ દિગ્દર્શક – પંકજ નિમાવત અને ઉષા ગૌસ્વામી, કેમેરા મેન – અમર વ્યાસ જ્યારે સ્ટોરી, સ્ક્રિનપ્લે, ડાયલોગ્સ – રમીઝ “બાદશાહ”ના છે.
પ્રીનલ ઓબેરોય અને નદીમ વઢવાણિયા
તો ફિલ્મના કલાકારો છે નદીમ વઢવાણિયા, પ્રિનલ ઓબેરોય, રાજુ બારોટ, યામિની જોશી, ગૌરાંગ જેડી, પ્રવિણ મહેતા, પરેશ ભટ્ટ, નિલેશ બ્રહ્મભટ્ટ, પરેશ લિમ્બચિયા, પ્રકાશ મંડોરા અને બરકત વઢવાણિયા.