આજે સાંજે સોશિયલ મીડિયા પર સંજય દત્તને કન્નડ ફિલ્મ કેડી : ધ ડેવિલના સેટ પર અચાનક બૉમ્બ ફાટવાને કારણે હાથ, કોણી અને ચહેરા પર ઇજા થઈ હોવાના ન્યુઝ વહેતા થયા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં જણાવાયું હતું કે ફિલ્મના એક સીન માટે વિસ્ફોટ થતો દર્શાવવાનો હતો. આ બ્લાસ્ટમાં સંજય દત્ત જખમી થતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો જ્યાં એની સારવાર થઈ રહી છે. આ ઘટના બાદ શૂટિંગ અટકાવી દેવાયું હતું. તો સંજુબાબાના ચાહકો તેમનો પ્રિય અભિનેતા વહેલી તકે સાજો થાય એ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
જોકે આ સમાચાર વાયુવેગે વાયરલ થયા બાદ સંજય દત્તે એના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર એના ઘાયલ થયા હોવાના સમાચારને નિરાધાર ગણાવ્યા હતા અને જણાવ્યું કે, ભગવાનની કૃપાથી હું ઠીક છું.
સંજયે એના લેટેસ્ટ ટ્વીટમાં લખ્યું કે, મારા ઘાયલ થવાના સમાચાર આવી રહ્યા છે. હું સ્પષ્ટતા કરવા માગું છું કે આ સમાચાર એકદમ નિરાધાર છે. ઈશ્વરની કૃપાથી હું સ્વસ્થ છું. હું કેડી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છું અને મારા દૃશ્યો ફિલ્માવતી વખતે યુનિટ ઘણી સાવધાની રાખે છે. મારો સંપર્ક કરવા અને મારા સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવા માટે સૌનો આભાર.
કેજીએફની સફળતા બાદ ધ્રુવ સરજા અભિનીત કેડી : ધ ડેવિલમાં કામ કરી રહ્યો હોવાનું સંજય દત્તે તાજેતરમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.
દરમિયાન સંજય દત્તની તાજેતરમાં હેરા ફેરી ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ માટે પણ પસંદગી કરવામાં આવી છે. હેરા ફેરીમાં સંજય દત્ત ઉપરાંત અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ પણ જોવા મળશે. ફિલ્મમાં સંજય અંધ ડૉનની ભૂમિકામાં દેખાશે.
સંજય દત્ત છેલ્લે રણબીર કપૂર સાથે શમશેરામાં દેખાયો હતો. જોકે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર પીટાઈ ગઈ હતી. અભિનેતા કેડી, હેરા ફેરી ઉપરાંત ધ ગુડ મહારાજા, ઘુડચડી, લિયો અને બાપ સામેલ છે. તો મળતા અહેવાલ મુજબ સંજુબાબા શાહરુખ ખાનની આગામી ફિલ્મ જવાનમાં કેમિયો અપિયરન્સ કરશે.