અન્ય ધંધાની જેમ ફિલ્મ નિર્માણ પણ એવો બિઝનેસ છે જેની પૂરી જાણકારી મેળવ્યા સિવાય આંધુળકિયું કરવું જોખમી પુરવાર થઈ શકે છે. એમાં પણ તમારી મિલકત વેચીને ફિલ્મો બનાવવાનું જોખમ તો લેવાય જ નહીં. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા અનેક દાખલા જોવા મળશે જેમણે પોતાની બાપિકી મિલકત વેચી ફિલ્મ બનાવી અને રસ્તા પર આવી ગયા હોય. આવી જ ગંભીર ભૂલ ગુજરાતના ખેડૂત રઇજી ઠાકોરે કરી.
આપણે ત્યાં ફિલ્મનો હીરો ચોકલેટી દેખાવ અને સિક્સ પૅકવાળો હોય તો જ દર્શકોને પસંદ પડે છે. કોઈ નસીબનો બળિયો બાંગ્લા દેશના સામાન્ય દેખાવના અને એકવડિયા બાંધાના હીરો અલોમની જેમ સુપરસ્ટાર બની શકે છે.
હવેવાત આપણા રઇજી ઠાકોરની. રઇજી ઠાકોર નાનપણથી ફિલ્મના હીરો બનવાનું સપનું જોતો હતો. જોકે સામાન્ય દેખાવને કારણે કોઈ એને હીરો તરીકે તો લે નહીં. વરસો વીત્યા, ઘરનો મોભી બન્યો. અને એની હીરો બનવાની મહેચ્છાએ ફરી જોર પકડ્યું. ફિલ્મના હીરો બનવાની ધૂન એટલી તીવેર બની કે રઇજીએ એનું ખેતર વેચી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. અને ‘પવિત્ર પ્રેમ પુકારે નદીં કિનારે’ નામની ફિલ્મ બનાવી પણ ખરી. જોકે રઇજીના હીરો નસીબ આડેનું પાંદડું ખસ્યું નહોતું. ખેડૂત એવા રઇજીએ હળને બદલે હીરોઇનનો હાથ પકડ્યો. ફિલ્મ બની અને રિલીઝ પણ થઈ. જોકે એજ સમયે કેજીએફ રિલીઝ થઈ અને રઇજીની ફિલ્મ થિયેટરમાંથી ઉતારી લેવાઈ.
ફિલ્મ કેવી બની છે એ તો જોયે ખબર પડે પણ ફિલ્મનું ટ્રેલર ઘણું વાયરલ થઈ રહ્યુ છે. ટ્રેલર જોઈ લોકો અનેક પ્રકારની કૉમેન્ટ કરી રહ્યા છે. આમ છતાં રઇજીનો જુસ્સો ઓછો થયો નથી. 35 લાખમાં બનાવેલી ફિલ્મે કેટલી કમાણી કરી એ તો ખબર નથી પણ રઇજી એટલા જ જોમ-જુસ્સા સાથે બીજી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ બનાવી રહ્યો છે.