1971માં આવેલી રાજેશ ખન્નાની સુપર હિટ ફિલ્મ આનંદની વાત આવે ત્યારે રાજેશ ખન્નાનો એક અલગ લહેજામાં બોલાયેલો ફિલ્મનો આ ડાયલોગ કાનમાં ગૂંજવા લાગે છે
બાબુ મોશાય…
જિંદગી ઔર મૌત ઉપર વાલે કે હાથ મેં હૈ જહાંપનાહ
ઉસે ન આપ બદલ સકતે હૈ ન મૈં
હમ સબ તો રંગમંચ કી કઠપુતલિયાં હૈ
જિનકી ડોર ઉપર વાલે કી અંગુલિયોં મેં બંધી હૈ
કબ, કૌન, કૈસે ઉઠેગા યહ કોઈ નહીં બતા સકતા
હા, હા, હા…
બાવન વરસે આનંદ ફિલ્મને યાદ કરવાનું ખાસ કારણ પણ છે.
રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મોમાંની સૌથી વધુ પસંદ કરાયેલી ફિલ્મમાંની એકને આનંદની એના મૂળ નિર્માતા એન. સી. સિપ્પીના પૌત્ર સમીર રાજ સિપ્પી નિર્માતા વિક્રમ ખાખર સાથે મળી રીમેક બનાવી રહ્યા છે. હાલ ફિલ્મની પટકથા લખાઈ રહી છે.
ઉત્સાહિત નિર્માતા વિક્રમ ખાખર કહે છે કે, આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્તરે વાર્તા શોધવાને બદલે આપણી પોતાની ક્લાસિક્સને જોઈએ તો એમાંથી અમૂલ્ય રત્નો મળી આવશે. આનંદને અમે પોસ્ટ કોવિડના સમયગાળામાં લાવવો, જ્યાં આપણે જીવનના મૂલ્ય પર ભાર મુકવાની સાથે આનંદની વાર્તાને આગળ વધારશું.
તો સમીર રાજ સિપ્પીનું કહેવું છે કે, આ પ્રકારની વાર્તાને આજની પેઢીને ખાસ જરૂર છે. અમે મૂળ ફિલ્મની લાગણીઓ અને ભાવનાઓને ધ્યાનમાં રાખી ફિલ્મની વાર્તા તૈયાર કરી રહ્યા છીએ. આનંદનો કન્સેપ્ટ આજે પણ એટલો જ સુસંગત છે.
સમીર રાજ સિપ્પી અને વિક્રમ ખાખર દ્વારા નિર્મિત ફિલ્મ અંગે બીજી કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. પરંતુ આ કલ્ટ ક્લાસિક ફિલ્મની રીમેક આજની પેઢીના દર્શકોને પણ આકર્ષવામાં સફળ રહેશે એવો વિશ્વાસ નિર્માતાઓએ વ્યક્ત કર્યો હતો.
હૃષિકેશ મુખર્જી દિગ્દર્શિત ફિલ્મ આનંદ વિશે…
1971માં આવેલી આનંદને દર્શકોનો એટલો પ્રેમ મળ્યો કે બૉલિવુડની સદાબહાર ક્લાસિક ફિલ્મોમાં સામેલ થઈ. બાવન વરસ પહેલા આવેલી આ ફિલ્મને અનેક અવૉર્ડથી નવાજવામાં આવી હતી. જેમાં રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચનને શ્રેષ્ઠ અભિનાતાના અવૉર્ડ મળ્યા હતા. જ્યારે દિગ્દર્શક હૃષિકેશ મુખર્જીને આ ફિલ્મ માટે નેશનલ અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.
હકીકતમાં ફિલ્મના આનંદના પાત્ર માટે નિર્માતાની પહેલી પસંદગી ધર્મેન્દ્ર હતો. એણે ના પાડ્યા બાદ કિશોર કુમારને ફિલ્મ ઑફર કરવામાં આવી હતી. જોકે ફિલ્મને અનેક કલાકારોએ ના પાડ્યા બાદ રાજેશ ખન્નાનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
રાજેશ ખન્નાએ જ્યારે ફિલ્મની વાર્તા સાંભળી અને એને જાણવા મળ્યું કે અનેક કલાકારોએ આનંદની ભૂમિકા માટે ના પાડી ચુક્યા છે ત્યારે કાકાએ હૃષિકેશ મુખર્જીને કહ્યું કે હવે જે થાય તે, આ ફિલ્મ હું કરીશ. એટલું જ નહીં, રાજેશ ખન્નાએ હૃષિકેશ મુખર્જીની ત્રણ શરતો પણ મંજૂર રાખી હતી.
હૃષિકેશ મુખર્જીએ રાજેશ ખન્ના સામે ત્રણ શરતો મુકી હતી, પહેલી શરત હતી કે સેટ પર સમયસર આવવું પડશે. બીજી શરત હતી વધારેતારીખ આપવી પડશે અને ત્રીજું ફિલ્મમાં કામ કરવા માટે એક લાખ રૂપિયા જ મળશે.
આનંદ ફિલ્મમાં કામ કરવા માટે રાજેશ ખન્નાએ એની ફીમાં ભારે ઘટાડો કર્યો હતો. જાણવા મળ્યા મુજબ રાજેશ ખન્ના એ સમયે એક ફિલ્મ માટે સાત લાખ રૂપિયા મહેનતાણું લેતા હતા.
રાજેશ ખન્નાએ કોઈ પણ જાતનો વિરોધ કર્યા વિના હૃષિકેશ મુખર્જીની ત્રણેય શરતો માન્ય કરી અને આગળ જતા આ ફિલ્મ રાજેશ ખન્નાની કરિયર માટે એક માઇલ સ્ટૉન પુરવાર થઈ.