આજના મોંઘવારીની સાથે હરીફાઈના યુગમાં મા-બાપ બંને કામધંધો કરે ત્યારે જ બે પાંદડે થવાય એ કડવી હકીકત છે. પરિવારની સુખાકારી માટે પતિ-પત્ની બંને નોકરી કરે એ આવકાર્ય છે. પરંતુ એની અસર જો સંતાનો પર પડતી હોય તો મુશ્કેલીની શરૂઆત થઈ શકે છે. અને એનું મહત્ત્વનું કારણ હોય તો એ છે વિભક્ત કુટુંબ. આ વાતને કેન્દ્રમાં રાખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ સર્જક જશવંત ગાંગાણી માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે.
ગાંગાણી મોશન પિક્ચરે હંમેશ સામાજિક વિષયો પર સુપરહિટ ફિલ્મો આપી હોવાથી ઢોલિવુડના ચાહકો એને ગુજરાતનું રાજશ્રી પ્રોડક્શન તરીકે પણ જણાવે છે. ફિલ્મ ઉપરાંત અનેક સફળ ફિલ્મોનાં ગીતો, કથા-પટકથાઅને સંવાદો પણ લખ્યા છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે કપરો કાળ ચાલી રહ્યો હતો ત્યારે જશવંત ગાંગાણીએ મન સાયબાની મેડીએ, મૈયરમાં મનડું લાગતું નથી, માંડવડા રોપાવો માણારાજ, મેં તો પાલવડે બાંધી પ્રીત અને મારા રુદિયે રંગાણા તમે સાજણા જેવી સફળ સામાજિક ફિલ્મો આપી.
જશવંત ગાંગાણીની નવી ફિલ્મ માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ મકર સંક્રાંતિના પાવન અવસરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં છે દસ વર્ષનું બાળક. જે દાદા-દાદીને થયેલા અન્યાય માટે લડત ચલાવે છે. એટલું જ નહીં, પોતાના સગા માતા-પિતા વિરુદ્ધ જ કોર્ટમાં કેસ કરે છે.
માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ અંગે જશવંત ગાંગાણી કહે છે કે, નવ વરસ બાદ ફરી ગુજરાતી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે મારે એક એવો વિષય જોઇતો હતો જે આજના સમાજને સ્પર્શતો હોય. ઘણા મનોમંથન બાદ માય બેસ્ટ ફ્રેન્ડ દાદુનો વિચાર સ્ફૂર્યો. તમે નોંધ્યું હશે કે આ સ્પર્ધાનો જમાનો છે. પતિ-પત્ની તેમની કરિયરમાં સ્પર્ધાનો સામનો કરતા હોય છે તો. સંતાનો પરીક્ષામાં વધુ ટકાવારી લાવવાની સાથે ઇતર પ્રવૃત્તિમાં પણ અવ્વલ આવે એવો મા-બાપનો આગ્રહ હોય છે. બાળપણ માણવાને બદલે ઘડિયાળના કાંટે દોડતા મશીન જેવા બની ગયા છે. આવામાં મુંઝેલું બાળક શું કરે? ફિલ્મના મુખ્ય પાત્ર એવા પૌત્ર પણ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. એવામાં એને દાદા-દાદી વિશે એક એવી વાતની જાણ થાય છે કે એ પોતાના સગા મા-બાપ સામે જ કેસ કરે છે. આ વાત જાહેર થાય છે ત્યારે દેશભરમાં ઉહાપોહ મચી જાય છે કે એક દસ વરસના બાળકે મા-બાપ સામે શું કામ કેસ કર્યો?
જશવંત ગાંગાણી વધુમાં જણાવે છે કે, માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ ત્રણ પેઢીના તાણાવાણાને ઉજાગર કરતી પારિવારિક ફિલ્મ છે. જેમાં પતાની ફરજ ભૂલેલા મા-બાપને તેમની ફરજોનું ભાન એક દસ વરસનો પુત્ર કરાવે છે. આજની સાંપ્રત સમસ્યાને દર્શાવતી ફિલ્મ માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ દરેક મા-બાપે સંતાનો સાથે જોવા જેવી છે.
ફિલ્મના મુખ્ય કલાકારો છે પ્રશાંત બારોટ, જિતેન્દ્ર ઠક્કર, અદિતિ દેસાઈ, સીમા પાંડે, ઉમંગ આચાર્ય, ઉર્વશી હરસોરા, વિશાલ ઠક્કર અને સલીલ ઉપાધ્યાય. જશવંત ગાંગાણી દ્વારા લિખિત-નિર્મિત અને દિગ્દર્શિત ફિલ્મના કાર્યકારી નિર્માતા છે રાજ ગાંગાણી. પેનોરોમા સ્ટુડિયો દ્વારા ફિલ્મ 13 જાન્યુઆરી, 2023ના દેશભરમાં રિલીઝ થઈ રહી છે.
અને આ ફિલ્મનું ડિજિટલ માર્કેટિંગ અને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ “ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝ” (IMDb)ને વિકિપીડિયાનું પણ લિસ્ટિંગ અશ્વિન બોરડ કરી રહ્યા છે.