ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ગણ્યાગાંઠ્યા નિર્માતા દિગ્દર્શક છે જેઓ ફિલ્મ નિર્માણના અન્ય વિભાગમાં પણ માસ્ટરી ધરાવે છે, જેમ કે સંજય લીલા ભણશાળી. બૉલિવુડના આ ગુજરાતી સર્જક ફિલ્મ નિર્માણની સાથે ક્રિએટર-લેખક-દિગ્દર્શક-એડિટર તરીકે અનેક ફિલ્મો કરી છે. તેમણે ગુઝારિશ, ગલિયોં કી રાસલીલા – રામલીલા, બાજીરાવ મસ્તાની,પદ્માવત, મલાલ, ગંગુબાઈ કાઠિયાવાડી જેવી ફિલ્મો ઉપરાંત તાજેતરમાં ઓટીટી પર રિલીઝ થયેલી સિરીઝ હીરામંડીમાં તેમણે સંગીત પણ આપ્યું હતું. હિન્દી ફિલ્મોના ઘણા સર્જકો સંગીતના જાણકાર હોવાથી તેમની ફિલ્મોનાં ગીતો આજે પણ લોકપ્રિય છે. આ કેટેગરીમાં રાજ કપૂર, ગુરુ દત્ત, મનોજ કુમારના નામો ગણાવી શકાય.
જોકે આજે આપણે વાત કરી રહ્યા છીએ જેમણે દસેક વરસમાં અનેક વૈવિધ્યસભર ગુજરાતી ફિલ્મો આપનાર કૃષ્ણદેવ યાજ્ઞિકની. આજે રિલીઝ થઈ રહેલી તેમની ફિલ્મ ત્રિશા ઑન ધ રૉક્સથી કેડી એટલે કે કૃષ્ણદેવ યાજ્ઞિક સંગીતકાર તરીકેની નવી ઇનિંગ શરૂ કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંગીતકાર (મહેશ નરેશ) નિર્માતા બન્યા હોવાનું નોંધાયું છે. પણ નિર્માતા-દિગ્દર્શક સંગીતકાર બન્યા હોય એવું કદાચ પહેલીવાર બન્યું છે.
તાજેતરમાં ફિલ્મી ઍક્શનને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓ સંગીતકાર બનવા માટે જ આવ્યા હતા. નાનપણથી તેમને સંગીત પ્રત્યે આકર્ષણ અને ગિટાર તેમનું પ્રિય વાજિંત્ર. એ માટે તેઓ અમદાવાદથી મુંબઈ આવ્યા. ઘણા પ્રયાસો કર્યા પણ સફળતા ન મળી. જોકે સંગીતકાર જતીનના સહાયક તરીકે કામ કરવાને અવસર મળ્યો. ત્યાં લેખક-દિગ્દર્શક સાથે થતી સીટિંગ દરમિયાન માહ્યલામાં રહેલા લેખક જાગ્રત થયો. વાર્તા લખવાનું શરૂ કર્યું. એ સાથે ફિલ્મ મેકિંગના અન્ય પાસાંઓ ઑનલાઇન શીખવાનું શરૂ કર્યું. દરમિયાન વૈશલ શાહ સાથે પહેલી ફિલ્મ છેલ્લો દિવસ બનાવી. ફિલ્મ સફળ થશે એવો વિશ્વાસ હતો પણ સફળતાના બધા સીમાડા તોડી નાખશે એવું ધાર્યું નહોતું.
અને પછી તો ફિલ્મોનો સિલસિલો શરૂ થયો. લેખન-દિગ્દર્શન અને નિર્માણમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે મારામાં રહેલો સંગીતકાર હાંસિયામાં ધકેલાઈ ગયો. જોકે વશ બાદ અમે ત્રિશા ઑન ધ રૉક્સ પર કામની શરૂઆત કરી અને ગીતો અંગે ચર્ચા ચાલી રહી હતી. એક પાર્ટી સોંગ અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યારે પંદરેક વરસ પહેલાં મેં કમ્પોઝ કરેલું ગીત મોનારિતા મને યાદ આવ્યું જે આ સિચ્યુએશન માટે બંધબેસતું હતું. ગીત બધાને ઘણું પસંદ પડ્યું. ત્યારબાદ ફિલ્મના બાજીં ગીત પણ મેં કમ્પોઝ કરવાનું નક્કી કર્યું. ફિલ્મમાં ત્રણ ગીતો છે અને મને પૂરો વિશ્વાસ છે કે દર્શકોને મારાં ગીતો પસંદ પડશે.
ગુજરાતી અને હિન્દીમાં આજે (21 જૂન, 2024) રિલીઝ થઈ રહેલી રોમાન્ટિક – કૉમેડી ફિલ્મ ત્રિશા ઑન ધ રૉક્સમાં વશ બાદ જાનકી બોડીવાલા એક નવા અંદાજમાં જોવા મળશે. એની સાથે છે રવિ ગોહિલ. તો ફિલ્મમાં આજની પેઢીની માનસિકતાને સમજીને પુત્રી સાથે વ્યવહાર કરતા પિતાની ભૂમિકામાં હિતેન કુમાર જોવા મળશે.
મોનારિતા ગીત જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો