અંધારી આલમનો પર્દાફાશ કરતી ધમાકેદાર ફિલ્મ આઝમમાં જિમી શેરગિલનો એક નવો અંદાજ દર્શકોને જોવા મળશે. તાજેતરમાં ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મમાં જિમી ઉપરાંત અભિમન્યુ સિંહ અને ઇન્દ્રનીલ સેનગુપ્તા પણ મહત્વની ભૂમિકામાં છે. શ્રવણ તિવારી દિગ્દર્શિત અને ટી. બી. પટેલ દ્વારા નિર્મિત ફિલ્મમાં મુંબઈની અંધારી આલમના માફિયાઓના ક્રૂર ચહેરા દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં વિવેક ઘમંડે, ગોવિંદ નામદેવ, રઝા મુરાદ, સયાજી રાવ શિંદે, અલી ખાન, અનંગ દેસાઈ, શિશિર શર્મા, સંજીવ ત્યાગી અને મુશ્તાક ખાન પણ જોવા મળશે.
આઝમ ફિલ્મના પાત્ર વિશે જિમી શેરગિલ કહે છે કે, ફિલ્મમાં હું શહેરના સૌથી સશક્ત ડૉન નવાબ ખાનના નિકટના સાથી જાવેદનું પાત્ર ભજવી રહ્યો છું. જાવેદનું કિરદાર ઘણું જટિલ છે જેમાં નકારાત્મકતા પણ જોવા મળશે. આ પાત્ર ભવવાની ઘણી મોજ પડી.
તો ફિલ્મના દિગ્દર્શક શ્રવણ તિવારીનું કહેવું છે કે, મારી લાઇફની સોથી મહત્વાકાંક્ષી ફિલ્મ બનાવવામાં મેં કોઈ કસર છોડી નથી. સશક્ત કથા-પટકથાને રોમાંચક શૈલીથી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મમાં અપરાધની દુનિયાની સાથે રહસ્ય અને રોમાંચની ઝલક પણ જોવા મળશે.
19 મે, 2023ના રિલીઝ થઈ રહેલી ફિલ્મ માફિયા ડૉન નવાબ ખાનના ઉત્તરાધિકારીની લડાઈની પૃષ્ઠભૂમિ પર બની છે. જે એના પાંચ સાથીઓ દ્વારા શહેર પર નિયંત્રણ મેળવવા લોકોમાં ભય પેદા કરી તેમના પર રાજ કરે છે.